કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં આજે સવારે યોગેશ્વર ચોકડીએ સર્જાયેલાં વધુ એક જીવલેણ અકસ્માતથી સ્થાનિક રહીશોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.
Video :
સવારે સાડા સાતના અરસામાં યોગેશ્વર ચોકડી પાસે સ્કુટી પર બહેનપણીને બેસાડી સ્કુલે જતી અંજાર શહેરના ટ્રાફિક ઈન્ચાર્જ વનરાજસિંહ સોલંકીની ૧૬ વર્ષની દીકરી રાજવીબાને પાછળથી ટ્રકે ટક્કર મારતાં ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું.
દુર્ઘટનાના પગલે વધુ એકવાર જનાક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. દુર્ઘટનામાં હસ્તિ બિપીનભાઈ જોશી નામની કિશોરીને ઈજાઓ થઈ હતી.
લોકોનો રામધૂન બોલાવી રોડ પર ચક્કાજામ
દુર્ઘટનાના પગલે સ્થાનિક રહીશોએ યોગેશ્વર ચોકડી પરથી પસાર થતાં ટ્રક ટ્રેલરો જેવા ભારેખમ વાહનોના પૈડાંની હવા કાઢીને ચક્કાજામ સર્જ્યો હતો. લોકોનું ટોળું રામધૂન બોલાવીને વચ્ચે બેસી ગયું હતું. જોતજોતામાં યોગેશ્વર ચોકડીથી નાગલપર, કળશ સર્કલ, વીડી અને નવી કૉર્ટ તરફના માર્ગો પર લાંબો ચક્કાજામ સર્જાયો હતો.
જાહેરનામું કાગળ પર રહી ગયાનો આરોપ
આ ચોકડી પર વારંવાર સર્જાતાં જીવલેણ અકસ્માતોના પગલે ત્રણેક વર્ષ અગાઉ પૂર્વ કલેક્ટર પ્રવિણા ડી.કે.એ ભારે વાહનો પર પ્રવેશબંધી ફરમાવી હતી. કલેક્ટરના જાહેરનામા છતાં તેનો અમલ કરાવાતો નથી અને નિર્દોષ લોકો અકસ્માતોમાં હોમાતાં રહે છે તેવો સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પોલીસે ડંડાવાળી કરી ભીડને વીખેરી
ચક્કાજામના પગલે પરિસ્થિતિને કાબૂમાં લેવા અંજાર મામલતદાર અને અંજાર પોલીસ ઉપરાંત આદિપુર, ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસ, એલસીબી અને એસઓજી જેવી બ્રાનચોનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ અને મામલતદારે લોકોની સમજાવટનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ રોષે ભરાયેલાં લોકોએ વાહનો જવા દેવાનો ઈન્કાર કર્યો હતો.
સતત ચારેક કલાક ચક્કાજામ યથાવત્ રહેતાં અંતે પોલીસને ડંડાવાળી કરીને ભીડને વિખેરવા ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે ગત ૧૬ માર્ચની રાત્રે આ જ સ્થળે જીવલેણ દુર્ઘટના સર્જાતાં લોકોએ ચક્કાજામ કરતાં પોલીસ દોડતી થઈ હતી. અત્યારસુધીમાં અહીં લોકોએ પાંચથી વધુ વખત ચક્કાજામ કર્યો છે પરંતુ લોકોની માંગણીને ધ્યાને રાખી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કોઈ પ્રયાસો થયાં નથી.