કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં ધમધમતાં વિદેશી આયાતી કોલસાના મિક્સીંગ કૌભાંડનો પશ્ચિમ કચ્છ પોલીસે અનાયાસે પર્દાફાશ કર્યો છે. ગાંધીધામનો ભુરાભાઈ રબારી નામનો ટ્રાન્સપોર્ટર જ આ મિક્સીંગ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગત રાત્રે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમની ટીમ નલિયા પાસે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે શિવ પેટ્રોલ પંપ પાસે શંકાના આધારે આયાતી કોલસો ભરીને માંડવી બાજુથી આવી રહેલું એક ટ્રેલર અટકાવીને ચેક કરેલું. ટ્રેલરના ચાલક ફિરોજ કાઠાત (રહે. અજમેર)એ પોલીસને રીષી ઈન્ટરનેશનલ લોજિસ્ટીક્સ ટ્રાન્સપોર્ટનો ગેટ પાસ, સીલ પેકીંગની પહોંચ તથા શિવાન્યા એન્ટરપ્રાઈઝ ટ્રાન્સપોર્ટના ચલણની પહોંચ, બિલ્ટી વગેરે કાગળિયા બતાડેલાં. આ ટ્રેલર અલ્ટ્રાટેક સિમેન્ટના એકમમાં જતુ હતું.
પ્રાથમિક તબક્કે જ ટ્રેલરમાંથી ઉત્તમ ગુણવત્તાનો ઈમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ તેમાં હલકી ગુણવત્તાનો કોલસો નાખી ભેળસેળ કરાઈ હોવાનું વર્તાઈ આવ્યું હતું.
પોલીસે મોડી રાત સુધી ડ્રાઈવરની પૂછપરછ અને ગહન તપાસ કરતાં તેણે ઘટસ્ફોટ કર્યો હતો કે કંડલાથી તે ટ્રેલરમાં કોલસો ભરીને નીકળ્યો ત્યારબાદ શેઠ ભુરા રબારીનો ફોન આવેલો અને ટ્રેલર વાડા પર લઈ આવવા જણાવેલું. ગાંધીધામના એક વાડામાં આ ટ્રેલરમાંથી સીલને નુકસાન ના થાય તે રીતે ૧૨ ટન કોલસો કાઢી લેવાયેલો અને તેના બદલે હલકી ગુણવત્તાનો કોલસો મિક્સ કરી દેવાયો હતો.
બનાવ અંગે LCB પીઆઈ એચ.આર. જેઠીની સૂચના હેઠળ કોન્સ્ટેબલે સરકાર તરફે નલિયા પોલીસ મથકે ડ્રાઈવર ફિરોજ અને તેના શેઠ ભુરા રબારી સામે ફરિયાદ નોંધાવી છે.
૧.૩૨ લાખની મૂલ્યના ૧૨ કોલસાની ચોરી કરી, તેના બદલે મિક્સીંગ કરીને કંપની સાથે વિશ્વાસઘાતનો પ્રયાસ કરવાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ૩૫.૬૦૦ ટન કોલસો ભરેલું ટ્રેલર મળી ૧૭.૫૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Share it on
|