|
કચ્છખબરડૉટકોમ, નલિયાઃ પશ્ચિમ કચ્છ પોલીસ દળના સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઈ કુલદીપ ગઢવીની બદલી સાથે નવા ત્રણ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની નિમણૂક થયાં બાદ એસઓજીના કર્મચારીઓમાં જાણે નવું જોમ આવ્યું છે. અત્યારસુધી મોટાભાગે ત્રીસ ચાળીસ ગ્રામની ગાંજાની પડીકીઓ સાથે વ્યસનીઓને પકડીને ચોપડે કામગીરી દેખાડતાં એસઓજી સ્ટાફે હવે એનડીપીએસના ગુનાઓ ઉપરાંત અન્ય સમાજવિરોધી ગુનાઓ પર ફોકસ વધાર્યું છે. સરહદી વાયોરમાં એસઓજીએ દરોડો પાડીને ત્રણ નકલી ડૉક્ટરનો પર્દાફાશ કર્યો છે.
વાયોર PHC પાસે ચાલતું હતું દવાખાનું
બાતમીના આધારે એસઓજી અને વાયોર પોલીસે મંગળવારે સાંજે વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પતરાંની દુકાનમાં ચાલતી ખુશ્બુ ક્લિનિક પર દરોડો પાડીને ધવલ વિનુભાઈ શ્રીમાળી (મૂળ રહે. વિજાપુર, મહેસાણા) નામના બોગસ ડૉક્ટરને ઝડપ્યો હતો.
દવાખાના બહાર લગાડેલાં પાટિયામાં ડૉ. મહેમુદ નાંદોલિયા અને ડૉ. સાજીદ મન્સુરી નામના બે કથિત તબીબોની અવનવી ડિગ્રીઓના લટકણિયાં સાથેની વિગતો લખેલી હતી.
જો કે, આ બેઉ કહેવાતા તબીબો બે દિવસ અગાઉ જ તેમના વતન ગયાં હોઈ પોલીસના હાથ લાગ્યાં નહોતા. દવાખાનામાં હાજર ઊંટવૈદ્ય પાસે તબીબ તરીકેની કોઈ ડિગ્રી નહોતી. બહાર લગાડેલાં પાટિયામાં જે કહેવાતા નાંદોલિયા અને મન્સુરી નામના ડૉક્ટરોની અવનવી ડિગ્રીઓ લખેલી છે તે હોમિયોપેથી અને નેચરોપેથીને લગતી છે.
દવાખાનામાં આવતાં દર્દીઓને નિયમ વિરુધ્ધ એલોપથીની દવા-ગોળીઓ, ઈન્જેક્શનો અપાતાં હતાં. દવાખાનામાંથી પોલીસે એન્ટીબાયોટીક્સ, એન્ટી વાયરલ, એન્ટી હિસ્ટામાઈન, પેનિસિલિન, સેડેટીવ્ઝ, ન્યરૉલોજીકલ વર્ગની ૫.૮૪ લાખની દવાઓનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.
ધવલ શ્રીમાળી સાથે દવાખાનામાં હાજર ના મળેલાં નાંદોલિયા અને મન્સુરી વિરુધ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને બીએનએસ એક્ટ તળે વાયોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
Share it on
|