કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છના સરહદી વાયોર પોલીસ મથકની હદમાં આવતાં વિવિધ ગામોમાં બેફામ બનેલી દેશી દારૂની બદી સામે આજે ગ્રામજનોએ એકઠાં થઈને જનતા રેઈડ કરતા પોલીસ ખાતાની આબરૂ ધોવાઈ ગઈ છે.
Video :
લોકોએ નખત્રાણાથી દરરોજ દેશી દારૂ લઈને આવતી બોલેરો જીપને આંતરીને તેમાંથી દેશી દારૂ ભરેલાં કોથળા બહાર કાઢ્યાં હતા. આ કોથળાઓમાંથી ૩૯ હજાર ૨૫૦ રૂપિયાની કિંમતની ૧૯૬ લીટર તૈયાર દેશી દારૂની ૭૮૫ કોથળીઓ નીકળી હતી.
સ્થાનિક આગેવાન અલી લાખા કેરએ વાયોર પોલીસ પર આરોપ કરતાં જણાવ્યું હતું કે અહીં આવેલી વિવિધ સિમેન્ટ કંપનીઓમાં કામ કરતાં પરપ્રાંતીય મજૂરો આ દેશી દારૂ પી, છાકટાં બનીને સ્થાનિક ગ્રામજનો પર ઉત્પાત મચાવે છે.
છેલ્લાં દોઢ વર્ષમાં દારૂ પીને ખટારા હંકારતાં ડ્રાઈવરોએ ૨૫ વધુ જીવલેણ અકસ્માતો સર્જ્યાં છે.
વાયોર પોલીસને વારંવાર રજૂઆત છતાં પોલીસે કોઈ એક્શન ના લેતાં નછૂટકે લોકોએ જનતા રેઈડ કરીને દારૂની બદી પર નિયંત્રણ લાવવા નક્કી કર્યું છે.
લોકોએ દારૂ પકડ્યાં બાદ પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં વાયોર પોલીસે સ્થળ પર આવીને પંચનામું કરીને મહાવીરસિંહ ભાટી તથા રૈવતસિંહ ભાટી (બંને હાલ રહે. શક્તિનગર, નખત્રાણા. મૂળ રહે. બાડમેર, રાજસ્થાન) સામે ગુનો દાખલ કરીને પ્રોહિબિશનની ધારાઓ તળે અટક કરી હતી.
બેઉ જણ રાજસ્થાનના છે, નખત્રાણાથી દરરોજ આ રીતે બોલેરોમાં તૈયાર દેશી દારૂ લઈ આવીને સ્થાનિક અડ્ડાઓ પર સપ્લાય કરે છે. આ ઘટનાએ વધુ એકવાર પશ્ચિમ કચ્છમાં પ્રવર્તતી દેશી દારૂની બદી અને તેના પર રહેલી પોલીસની ‘મીઠી નજર’નો પર્દાફાશ કર્યો છે.