click here to go to advertiser's link
Visitors :  
13-May-2026, Wednesday
Home -> Abdasa -> Farmers Swindled of 47 Lakh in Wheat Trade Scam Mastermind on the Run
Tuesday, 12-May-2026 - Abdasa 1252 views
સારાં ભાવની લાલચ આપી ખેડૂતોના ઘઉં ખરીદીને બે જણે ૪૭.૧૩ લાખની ‘ટોપી’ પહેરાવી
કચ્છખબરડૉટકોમ, જખૌઃ ઘઉંના સારાં દામ આપવાની લાલચ આપીને અબડાસાના ૧૯ ખેડૂતો સાથે પંજાબનો શખ્સ સ્થાનિક સાગરીતને સાથે રાખીને ૪૭.૧૩ લાખનું ફુલેકું ફેરવી જતાં મામલાએ ફોજદારી રૂપ ધારણ કર્યું છે. ૧૯ ખેડૂતો વતી વાંકુના જગદીશસિંહ શિવુભા જાડેજાએ જખૌ પોલીસ મથકે ગુનાહિત કાવતરું રચીને, ખેડૂતોને લોભ લાલચ આપીને વિશ્વાસમાં લઈ ઠગાઈ કરી હોવાની બે જણ સામે ફરિયાદ નોંધાવી છે.
અબડાસાના વાંકુ, વિંગાબેર અને આસપાસના અન્ય ગામોના ખેડૂતો આ છેતરપિંડીનો ભોગ બન્યાં છે.

મૂળ પંજાબના મોહાલીના એક ગામના રમેશ મુજીરામ ઊર્ફે રામજીએ નલિયામાં રહેણાક અને ઑફિસ રાખેલી. રમેશે દલાલ તરીકે ખીરસરા (કોઠારા) ગામના ભગુભા પાંચુભા જાડેજાને રાખેલો. શિયાળા દરમિયાન ખેડૂતોએ રવિ પાકમાં ઘઉં ઉગાડેલાં. ઘઉંનો પાક તૈયાર થઈને માર્ચના પાછલાં પખવાડિયે ખેડૂતોના ખળામાં આવી ગયેલો.

૧૦૦ કિલોના ૨૧૦૦ રૂપિયાનો ભાવ નક્કી કરેલો

પૂર્વ આયોજીત કાવતરાં મુજબ રમેશ અને ભગુભા ૨૩ માર્ચથી ૧૦ એપ્રિલ દરમિયાન ટ્રક અને વજનકાંટો લઈને દરેક ખેડૂતની વાડીએ ગયેલાં. બે મજૂરો પણ સાથે રાખેલાં. ખેડૂતોને ૧૦૦ કિલો ઘઉંના ૨૧૦૦ રૂપિયાનો ભાવ આપવાનું ઠેરવીને વાડીએથી જ સીધો માલ ખરીદતાં હતા. બે મજૂરો ખળામાં પડેલાં ઘઉંને બોરીમાં પેક કરી બોરીઓનું વજન કરતાં. જેટલાં વજનના ઘઉં થાય તે વજન અને ભાવ લખીને તે લખાણવાળી કાચી ચિઠ્ઠી આપતાં. જે ટ્રકમાં ઘઉં ભરવામાં આવે તે ટ્રકના નંબર પણ ચિઠ્ઠીમાં લખતાં.

બેઉ જણ ખેડૂતોને લાલચ આપતાં કે જો પેમેન્ટમાં આઠ દિવસની મુદ્દત આપશો તો પ્રતિ કિલો બે રૂપિયા વધુ ભાવ મળશે.

બેઉના ભરોસે રહીને ૨૦થી વધુ ખેડૂતોએ તેમને ઘઉં વેચેલાં. બેઉ જણે કુલ ૬૨ લાખથી વધુના મૂલ્યના ૨ લાખ ૯૬ હજાર ૧૯૪ કિલો ઘઉં ખરીદેલાં.

ખરીદી બાદ રમેશ મોબાઈલ ફોન બંધ કરીને, ઘર અને ઑફિસને તાળાં મારી ફરાર થઈ ગયો. ખેડૂતોએ દલાલ ભગુભાને પકડ્યો તો તે ગેરવર્તાવ કરીને હાથ અધ્ધર કરવા માંડ્યો.

એક માસ અગાઉ ખેડૂતોએ છેતરપિંડી અંગે જખૌ પોલીસ મથકે અરજી આપેલી. પોલીસ ફરિયાદ નોંધાવાની બીકે રમેશે કેટલાંક ખેડૂતોનાં નાણાં ચૂકવી દીધાં હતા. જો કે, હજુ પણ ૧૯ ખેડૂતોને તેમને લેવાના નીકળતા ૪૭.૧૩ લાખ રૂપિયા મળ્યાં નથી. જખૌ પોલીસે બંને સામે બીએનએસની કલમ ૩૧૬ (૨), ૩૧૮ (૪) અને ૬૧ (૨) તળે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
રાપરઃ એકલાં રહેતા પંગુ વેપારીને છરીની અણીએ બુકાનીધારી ત્રિપુટીએ લૂંટી લેતા ચકચાર
 
ફિલ્મી ઢબે બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર સુવઈના બે સગાં ભાઈને ૧૦ વર્ષની કેદ
 
નારાણપર નજીક ટ્રેલરની ટક્કરે ભુજની ૧૯ વર્ષિય આશાસ્પદ યુવતીનું સ્થળ પર મૃત્યુ