click here to go to advertiser's link
Visitors :  
18-Aug-2025, Monday
Home -> Vishesh -> Salt Theft Uncovered Accused Handed Over to Kandla Police Yet No FIR File
Sunday, 22-Jun-2025 - Gandhidham 43935 views
નમક ચોરીનો પર્દાફાશ કરાઈ કંડલા પોલીસને આરોપીઓ સોંપાયા પણ FIR દાખલ ના થઈ!
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કચ્છના મુંદરા અને કંડલા જેવા મહાબંદરો પર કિંમતી માલ-સામાનના પરિવહન સમયે ટ્રક ડ્રાઈવરો યા ટ્રાન્સપોર્ટરોને ફોડીને કિંમતી માલ સામાન ચોરી લેતી અનેક સંગઠિત ગેંગો સક્રિય છે. પૂર્વ કચ્છ પોલીસ અવારનવાર આવી સંગઠિત ગેંગો પર ત્રાટકે પણ છે. જો કે, આવા એક ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં પૂર્વ કચ્છના પોલીસના જવાબદાર ઉચ્ચ અધિકારીએ મળતિયા સૂત્રધારને બચાવવા માટે એક ગંભીર કેસને દબાવી દેવા પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે.
ઉચ્ચ સાહેબના ઈશારે ફરિયાદ નથી નોંધાતી

હાજીપીરની સત્યેશ કંપનીમાંથી મીઠું ભરીને નિકાસ અર્થે કંડલા પોર્ટ જતી ટ્રકોના ડ્રાઈવરોને ફોડીને ચોપવડા નજીક આવેલી એક કેમફૂડ કંપનીમાં માલ ખાલી કરી દેવાના કૌભાંડનો ખુદ કંપનીના સ્ટાફ, ટ્રાન્સપોર્ટરોએ પર્દાફાશ કર્યો હોવા છતાં કંડલા મરિન પોલીસે બે દિવસથી ગુનો દાખલ કર્યો નથી.

ચોપડવાની જે ખાનગી કંપની આ ચોરીનો માલ ખરીદે છે તે કંપનીના માલિકોને ગાંધીધામમાં બીરાજતા સાહેબ સાથે ખાવા પીવા સહિતના સામાજિક સંબંધ હોવાનું અને આ સાહેબની તેમને ત્યાં નિયમિતપણે ઉઠક-બેઠક હોવાનું ચર્ચાય છે.

કંપનીના માલિકોને બચાવવા માટે પોલીસ એફઆઈઆર દાખલ ના કરતી હોઈ પૂર્વ કચ્છના વેપાર ઉદ્યોગ વર્તુળમાં ભારે ચકચાર મચી ગઈ છે.

શુક્રવારે આ રીતે રંગેહાથ નમક ચોરીનો પર્દાફાશ થયેલો

એક જ ટ્રક માલિકની ત્રણ ટ્રક હાજીપીરની કંપનીમાંથી નમક લૉડ કરીને કંડલા પોર્ટ રવાના થયેલી. કંડલા પોર્ટના ભોલેનાથ વે બ્રિજ પાસે વજન કાંટો કરાવીને એક ટ્રક જેટી પર જવાના બદલે બારોબાર ચોપડવાની ખાનગી કેમફૂડ કંપનીમાં ગયેલી અને માલ ખાલી કર્યો હતો.

એક ટન નમકનો વર્તમાન માર્કેટ રેટ ૧૫૦૦ રૂપિયા છે તેની સામે આ કંપની ૮૦૦ રૂપિયા જેટલો અડધો ભાવ ચૂકવીને ચોરીનો માલ ખરીદતી હોવાનું બહાર આવ્યું છે.

અધવચ્ચે માલ ચોરાઈ જવાથી માલમાં ઘટ પડતી હોઈ ટ્રાન્સપોર્ટ કંપની અને નિકાસકાર પેઢીના માણસોએ વૉચ રાખીને ખાનગી કંપનીમાં માલ ખાલી કરનારી GJ-12 BV-9828 નંબરની ટ્રકના ડ્રાઈવરને નીલકંઠ વે બ્રિજ પાસે ઝડપી પાડ્યો હતો. ડ્રાઈવરે પોતે ‘ચિઠ્ઠીનો ચાકર’ હોવાનું કહીને શેઠના કહેવાથી ખાનગી કંપનીમાં માલ ખાલી કર્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી સ્થળ પર ટ્રકના માલિકને બોલાવાયો હતો.

ચોપડવાની કંપનીનો માલિક જ ચોરી કરાવે છે 

ટ્રક માલિક થાર જીપમાં સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રારંભે તેણે આ સંગઠિત ગુના અંગે કશી વિગતો જણાવી નહોતી પરંતુ ઉશ્કેરાયેલાં લોકોએ તેને સરખો ઠમઠોરતાં પોપટની જેમ તેણે ગુનો કબૂલીને ઘટસ્ફોટ કર્યો હતો કે ચોપડવાની કંપનીનો માલિક જ તેમની પાસેથી ચોરીનો માલ ખરીદે છે! આ નેટવર્કમાં વાઘેલા, મ્યાત્રા નામના અન્ય ટ્રાન્સપોર્ટર સાથે ભુજની એક અન્ય ટ્રાન્સપોર્ટ પેઢીના જવાબદારો પણ સામેલ છે.

ચોરીનું મીઠું ખરીદનારી કંપનીએ માલ ખાલી કરનારી ટ્રકના કરેલા વજનકાંટાની સ્લીપ મળી આવી હતી. ત્રણ ટ્રક પૈકી બે ટ્રકનો માલ ચોપડવાની કંપનીમાં ખાલી કરાયો હોવાનું બહાર આવ્યું હતું.

જો કે, કૌભાંડનો પર્દાફાશ થતાં ત્રીજી ટ્રકનો માલ સીધો કંડલા પોર્ટમાં ખાલી કરાયો હતો.

ત્રણ દિવસથી કંડલા પોલીસ ગુનો દાખલ કરતી નથી

કૌભાંડનો પર્દાફાશ કરનાર લોકો માલ ખાલી કરનારી ટ્રક, કાંટાની પાવતી, થાર ગાડી સાથે ટ્રક માલિકને લઈને શુક્રવારે સહુ કંડલા મરિન પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગુનાહિત કાવતરું રચી, ટ્રાન્સપોર્ટરો સાથે મળીને ચોપડવાની કંપની ચોરીનો માલ  સસ્તાં ભાવે ખરીદતી હોવાની ફરિયાદ આપી હતી. પરંતુ, કંડલા મરિન પોલીસે ત્રણ દિવસથી આ ગંભીર બનાવ અંગે વિધિવત્ FIR દાખલ કરી નથી.

મરિન પોલીસ મથકના ઈન્સ્પેક્ટર એ.એમ. વાળાને કચ્છખબરે બે દિવસ દરમિયાન વારંવાર ફોન કર્યાં, ખુલાસો આપવા મેસેજ પાઠવ્યા પરંતુ પીઆઈએ કશો પ્રત્યુત્તર પાઠવ્યો નથી.

સૂત્રોના દાવા મુજબ ચોરીનો માલ ખરીદતી ખાનગી કંપનીના માલિકો સાથે એક ઉચ્ચ પોલીસ અધિકારીને ખાવા પીવા સહિતના સામાજિક સંબંધો છે. તેથી ઉચ્ચ પોલીસ અધિકારીના ઈશારે મામલો દબાવી દેવાયો છે. આ કંપનીનો માલિક અગાઉ પણ ચોરીનો માલ ખરીદતાં ઝડપાયેલો છે.

કાયદાની નજરે ચોરીનો માલ ખરીદતાં કહેવાતાં શેઠ લોકો મોટા ગુનેગાર છે. કારણ કે, તેમના કારણે જ આ પ્રકારની ચોરીઓ કરનારાઓને પ્રોત્સાહન મળે છે.

ચોરીના દૂષણથી ત્રસ્ત એક્સપોર્ટર પેઢીના માલિકો અને ગાંધીધામના અગ્રણી ઉદ્યોગકારોએ આ મામલે સોમવારે સીધી દિલ્હીમાં રજૂઆત કરવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

Share it on
   

Recent News  
સેનાની દિલેરીઃ સિંદૂરમાં જોડાયેલા મિકેનીક, સરપંચ, ૧૧ IPS સહિત ૪૪૭ને પ્રશસ્તિપત્ર
 
માર્ગો પર મોતની લટારઃ ભચાઉમાં બે યુવકો સહિત જિલ્લામાં વિવિધ અકસ્માતોમાં ૭ મોત
 
૨.૪૭ લાખની ઓનલાઈન ઠગાઈના ગુનામાં લાકડીયા પોલીસે ગાઝિયાબાદના આરોપીને ઝડપ્યો