કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) લાંચ રૂશ્વતના એક કેસમાં કસ્ટમ વિભાગે તેના કર્મચારી સામે ચાર્જશીટ દાખલ કરવા પૂર્વમંજૂરી ના આપી હોવા છતાં કર્મચારી નિવૃત્ત થયાં બાદ તેની સામે ચાર્જશીટ કરી કેસ ચલાવવા બદલ ACBને ભુજની કૉર્ટે જોરદાર ઝટકો આપ્યો છે. ભુજની વિશેષ ACB કૉર્ટે આરોપીને નિર્દોષ ઠેરવી, તેની થયેલી સતામણી અને માનહાનિ બદલ ACBને બોધપાઠ આપવા માટે એક લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કર્યો છે! કેસની વિગતે વાત કરીએ તો ૧૧-૦૬-૨૦૧૫ના રોજ ભુજ ACB પોલીસે મુંદરા પોર્ટ પર કસ્ટમ ચેકપોસ્ટ પર છટકું (ડિકૉય) ગોઠવીને પ્રતિ કન્ટેઈર દીઠ પચાસથી સો રૂપિયાના ગેરકાયદે ઉઘરાણાં કરવા હોવાના આરોપસર કસ્ટમ ઈન્સ્પેક્ટર કનૈયાકુમાર અને ૫૪ વર્ષિય સિપાઈ પુનાભાઈ મોગજીભાઈ બારીયા (રહે. મૂળ દાહોદ જિલ્લો)ની અટક કરી હતી. તત્કાલિન પીઆઈ કે.આર. જાડેજાએ કરેલા કેસ સંદર્ભે ગુનાની તપાસ તત્કાલિન પીઆઈ એચ.એમ. કણસાગરા અને પાછળથી પીઆઈ પી.કે. પટેલે કરી હતી.
બંને આરોપી કેન્દ્ર સરકાર હસ્તકના સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ કસ્ટમ વિભાગના હોઈ તેમની સામે કૉર્ટમાં તહોમતનામું દાખલ કરવા સંદર્ભે એસીબીએ પૂર્વ મંજૂરી મેળવવા પ્રયાસ કર્યો હતો.
કસ્ટમ વિભાગે ઈન્સ્પેક્ટર કનૈયાકુમાર સામે ચાર્જશીટ દાખલ કરવા મંજૂરી આપવાનો ઈન્કાર કરતાં એસીબીએ સમરી રીપોર્ટ ભરી દીધો હતો. બીજી તરફ, પુનાભાઈ બારીયા સામે પણ ચાર્જશીટ દાખલ કરવા સંદર્ભે કશી મંજૂરી ના મળતાં કેસ પેન્ડિંગ રહ્યો હતો. દરમિયાન, ૩૦-૦૪-૨૦૨૦ના રોજ પુનાભાઈ નિવૃત્ત થઈ ગયાં હતાં.
ડિરેક્ટર ઑફ પ્રોસિક્યુશને ચાર્જશીટનો હુકમ કરેલો
ડિરેક્ટર ઑફ પ્રોસિક્યુશને બારીયા સામે ચાર્જશીટ દાખલ કરવા હુકમ કરતાં ACBએ ૨૦૨૧માં ભુજ વિશેષ કૉર્ટમાં બારીયા સામે ચાર્જશીટ દાખલ કરેલું. બારીયા સામે ચાર્જ ફ્રેમ કરાયાં બાદ ટ્રાયલ શરૂ થયેલી. આરોપી બારીયા સંપૂર્ણ રીતે પથારીવશ હોઈ ખાસ વકીલ મારફતે તેમનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવાયું હતું. પાછળથી વીડિયો કોન્ફરન્સીંગ મારફતે કૉર્ટમાં હાજર રહી તેમણે પોતાની સામેના આરોપનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.
કૉર્ટે લીધેલું કોગ્નિઝન્સ ઈલ્લિગલ અને ઈનવેલિડ
બંને પક્ષના પૂરાવા, દલીલો અને કાયદાકીય જોગવાઈઓને અનુલક્ષીને વિશેષ કૉર્ટના જજ એસ.એમ. કાનાબારે ચુકાદો આપતાં જણાવ્યું કે આ કેસમાં સરકારી કર્મચારીની નિવૃત્તિ બાદ એમ કહીને ચાર્જશીટ દાખલ કરાઈ હતી કે સરકારી કર્મચારી નિવૃત્ત થાય ત્યારબાદ કોઈ પૂર્વમંજૂરી મેળવવાની રહેતી નથી. આ કેસના તપાસકર્તા અમલદારોએ તેમની જુબાનીમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કસ્ટમ વિભાગે ચાર્જશીટ દાખલ કરવા કોઈ પૂર્વમંજૂરી આપી નહોતી. આરોપીની તરફેણમાં આ એક શ્રેષ્ઠ પૂરાવો છે. કૉર્ટે આ કેસમાં લેવાયેલું કોગ્નિઝન્સ ઈલ્લિગલ (ગેરકાયદે) અને ઈનવેલિડ (અનુચિત) ઠેરવ્યું છે.
ACBને ૧ લાખ વળતર આપવા હુકમ
એસીબી દ્વારા વર્ષમાં અમુક સંખ્યામાં કેસો કરવા માટેના પરિપત્ર થયાં હોવાનું ઈન્સ્પેક્ટરે કરેલી કબૂલાત વગેરે બાબતને ધ્યાને રાખતાં કૉર્ટે જણાવ્યું કે આ કેસમાં આરોપીની હેરાનગતિ થવા સાથે સમાજ અને તેના વિભાગમાં માનહાનિ થયેલી છે. CrPC ૨૫૦ હેઠળ આરોપીને વળતર મળવું જોઈએ તેવો કૉર્ટનો અભિપ્રાય છે. આ વળતર આરોપીને થયેલી સતામણી અને માનહાનિને ભરપાઈ નહીં કરી શકે પરંતુ ભવિષ્યમાં ACB માટે બોધપાઠ મળી રહે તે માટે વળતર આપવું જરૂરી છે. કૉર્ટે આરોપી પુનાભાઈને નિર્દોષ ઠેરવી, ACBને વળતર પેટે એક લાખ રૂપિયા ત્રણ માસની અંદર પુનાભાઈને ચૂકવી આપવા હુકમ કર્યો છે. આ ચુકાદાની નકલ ગુજરાતના પોલીસ વડા, ACBના અમદાવાદસ્થિત ડફનાળા કચેરીના વરિષ્ઠ અધિકારીઓ વગેરેને મોકલી આપવા હુકમ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ આર.એમ. ઠક્કરે દલીલો કરી હતી.
Share it on
|