click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Rapar -> Three Arrested in Rapar Robbery case Personal Enmity Cited as Motive
Wednesday, 13-May-2026 - Rapar 22143 views
રાપરમાં છરીની અણીએ પંગુ વેપારીને લૂંટનાર ત્રણ ઝડપાયાં: અંગત અદાવતમાં બન્યો બનાવ
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરના વાઘેલા વાસમાં રહી એકલવાયું જીવન વ્યતીત કરતા ૪૮ વર્ષિય નીતેશ નુરઅલી ખોજાના રહેણાકમાં સોમ-મંગળની રાત્રે દોઢ વાગ્યે ઘૂસીને અજાણી ત્રિપુટીએ લૂંટ ચલાવેલી. મોઢાં પર હેલમેટ અને બુકાનીધારી ત્રિપુટી છરીની અણીએ સોનાની પાંચ વીંટી, ચાંદીનું લક્કી, મોબાઈલ ફોન અને વેપારીના ખિસ્સામાં પડેલા વીસ હજાર રોકડાં રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયેલી.

બંને પગે ચાલી શકવામાં અસમર્થ નીતેશે સવારે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જ પોલીસ તુરંત ગુનાનો ભેદ ઉકેલવા એક્શનમાં આવી ગઈ હતી.

CCTV ફૂટેજમાં બૉડી લેન્ગ્વેજથી કાળિયો પકડાયો

પોલીસે સૌપ્રથમ ગુનાના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરીને ઝીણવટભર્યું અવલોકન કરેલું. જે સમયે બનાવ બન્યો તે સમયે પોલીસને દ્વિચક્રી પર જતાં અમુક હેલમેટધારી યુવકો જોવા મળેલાં. રાત્રિના અંધકારમાં તેમના ચહેરાં સ્પષ્ટ દેખાતાં નહોતાં પરંતુ એક જણો સ્હેજ લંગડાતો ચાલતો જોવા મળેલો.

કાળિયાએ અગાઉ દુકાનમાંથી રોકડ ચોરેલી

રાપર પોલીસનો અનુભવી સ્ટાફ પામી ગયેલો કે આ શખ્સ ત્રણેક માસ અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો કાળિયો ઊર્ફે ભાવિન ભરતભાઈ સંઘાર (મણકા) (ઉ.વ. ૨૩, પાવર હાઉસ એરિયા, રાપર) જ લાગે છે. ગઈ ૧૦ ફેબ્રુઆરીના રોજ રાપરના નંદાસર રોડ પર ગુરવે શોપિંગ સેન્ટરમાં ખાદ્યતેલના હોલસેલ વેપારીની દુકાનના ગલ્લામાંથી ધોળા દિવસે ૧.૧૨ લાખ રોકડાં રૂપિયાની ચોરી થયેલી. તે ગુનામાં સીસીટીવી ફૂટેજ પરથી પોલીસે કાળિયાને પકડ્યો હતો.

કાળિયો પકડાયો ને કડીઓ મળતી ગઈ

રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, એસપી સાગર બાગમાર અને નાયબ પોલીસ અધીક્ષક સાગર સાંબડાની સૂચના માર્ગદર્શનના આધારે રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. ખટાણા અને પીએસઆઈ એચ.વી. કાતરિયાએ કોઈપણ ભોગે આરોપીઓને તત્કાળ પકડી પાડવા નિશ્ચય કરેલો. પોલીસે કાળિયાના ઉઠાવીને પૂછપરછ હાથ ધરતાં જ ગુનાની એક પછી એક કડીઓ મળતી ગઈ.

અંજારનો સલીમ શેખ છે લૂંટનો માસ્ટરમાઈન્ડ

પોલીસની પૂછપરછમાં કાળિયાએ કબૂલ્યું કે બનાવની રાતે તે રમેશ ભચુભાઈ સિયારીયા (ઉ.વ. ૪૩, રહે. પાવરહાઉસ વિસ્તાર, રાપર)ના કહેવાથી આદિલ નાસિરશા ફકીર (ઉ.વ. ૨૭, રહે. અંજાર) અને એક અજાણ્યા યુવક જોડે લૂંટ કરવા ગયેલો. પોલીસે રમેશ સિયારીયાને ઉપાડીને પૂછપરછ કરી તો તેણે વટાણાં વેરી દીધા કે લૂંટનો આઈડીયા અને પ્લાન તેના અંજારના મિત્ર સલીમ ઊર્ફે નાથનસા શેખે ઘડ્યો હતો. સલીમના કહેવાથી તેણે કાળિયાને ગુનામાં સામેલ કરેલો.

સલીમે અગાઉ ફરિયાદીની શાદી કરાવી આપેલી

પોલીસે જણાવ્યું કે સલીમ અને રમેશ બેઉ મિત્રો છે અને ગુનાનો ભોગ બનનાર નીતેશ પણ તેમના મિત્ર સમાન છે. ચાર વર્ષ અગાઉ નીતેશે સલીમને પોતાની શાદી કરાવી આપવા કહીને જો તે શાદી કરાવી આપે તો તેને રાજી કરી દેવાનો વાયદો કરેલો. સલીમે અંજારના મેઘપરની સીલીમા ખાતુન નામની યુવતી જોડે નીતેશના નિકાહ કરાવી આપેલા. જો કે, ૧૪ મહિનાના ગાળામાં જ સીલીમા જોડે મનમેળ ના આવતાં નીતેશે તેને તલાક આપેલાં. શાદી બાદ સલીમ અવારનવાર નીતેશ પાસે તેણે કરેલાં વાયદા મુજબ પૈસાની માંગણી કરતો હતો પરંતુ નીતેશ પૈસા આપતો નહોતો. નીતેશ આંગળીઓમાં સોનાની વીંટીઓ, બ્રેસલેટ પહેરતો હોવાની તથા તેના ખિસ્સામાં કાયમ રોકડાં રૂપિયા રાખતો હોવાની બાબતથી સલીમ સુપેરે વાકેફ હતો.

ફરિયાદીએ પોતાને રાજી ના કર્યો હોવાનો ખાર

નીતેશે પોતાને ‘ટોપી’ પહેરાવી હોવાનો ખાર રાખીને સલીમે તેને લૂંટી લેવાનો પ્લાન રમેશને કહેલો. નીતેશ રમેશને પણ સારી રીતે ઓળખતો હતો. તેથી સલીમ અને રમેશે લૂંટમાં અન્ય સાગરીતોને સામેલ કરેલાં. સલીમ અંજારથી આદિલ અને તેના પરિચિત યુવકને લઈને રાપર આવેલો. રમેશે કાળિયાને આદિલ અને તે યુવક જોડે લૂંટ આચરવા મોકલેલો.

ત્રણ પકડાયાં, બે ફરારઃ મહત્તમ મુદ્દામાલ રીકવર

પોલીસે લૂંટાયેલી તમામ પાંચ વીંટી, ચાંદીનું લક્કી, મોબાઈલ ફોન રીકવર કરીને ગુનામાં વપરાયેલું એક્ટિવા કબજે કરી કાળિયા, રમેશ સિયારીયા અને આદિલની ધરપકડ કરી લીધી છે. ત્રણે જણને પાંચ દિવસના રીમાન્ડ પર લેવાયાં છે. માસ્ટર માઈન્ડ સલીમ અને તે લઈને આવેલો અજાણ્યો યુવક ઝડપાયાં નથી. રોકડ રકમ તેમની પાસે હોઈ રીકવર થઈ નથી.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત