|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ વાગડમાં બિન્ધાસ્ત રીતે ખનિજ ચોરી કરતાં નઠારાં તત્વો એટલી હદે બેફામ બન્યાં છે કે તેઓ એકલ-દોકલ સરકારી કર્મચારીઓને ગાંઠતાં નથી. રાપરના ગાગોદરમાં આવા જ એક બનાવમાં ખાણ ખનિજ કચેરીની ફ્લાઈંગ સ્ક્વૉડના ત્રણ કર્મચારીને જીવ બચાવીને મુઠ્ઠી વાળી ભાગવાનો વારો આવ્યો હતો. બનાવ અંગે ચાર સામે ગાગોદરમાં હથિયારો સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવાઈ છે. ફ્લાઈંગ સ્ક્વૉડના નાયબ મદદનીશ નિયામક મેહુલભાઈ શાહને ગાગોદરની સીમમાં રેતી ચોરી થતી હોવાની બાતમી મળેલી. જેના પગલે ફ્લાઈંગ સ્ક્વૉડના રોયલ્ટી ઈન્સ્પેક્ટર પી.જે. યાદવ, સર્વેયર આકાશ પરમાર, સિક્યોરીટી ગાર્ડ ગુરદિપસિંહ સચદે અને ડ્રાઈવર ગાર્ડ યુવરાજસિંહ જાડેજાની ટુકડી શુક્રવારે ખાનગી ગાડીમાં ભુજથી ગાગોદર દોડી ગયેલી.
બપોરે પોણા ત્રણના અરસામાં લોકેશનથી થોડેક દૂર તેમની ગાડી રેતીમાં ફસાઈ ગયેલી.
ગાડી રેતીમાં ફસાઈ જતા રોયલ્ટી ઈન્સ્પેક્ટર યાદવ સર્વેયર અને સિક્યોરીટી ગાર્ડ સાથે પગપાળા લોકેશન તરફ જવા નીકળ્યાં હતા. જ્યાં તેમને એક ખનિજ ભરેલું ડમ્પર, બે ખાલી ડમ્પર અને એક હિટાચી જોવા મળેલાં. ત્રણે જણે વાહનો નજીક જવા પ્રયાસ કરતાં ખાલી ડમ્પરો લઈને ડ્રાઈવરો નાસી ગયેલાં. હિટાચીનો ચાલક પણ હિટાચી લઈને ભાગવા માંડેલો.
અચાનક GJ-18 EB-0329 નંબરની થાર કાર લઈને બે જણ તેમની પાસે આવેલાં. બેઉ જણે ખનિજ તંત્રની ટીમને ગાળો ભાંડીને ‘અહીં કેમ આવ્યાં છો? તમને મશિન લેવા નહીં દઈએ’ તેમ કહી માથાકૂટ કરીને જતા રહેલાં.
થોડેક આગળ જતા પરબત કોલી, પાંચા કોલી અને રમેશ કોલી નામના ત્રણ શખ્સો તેમની પાસે આવ્યા હતા. પરબતના હાથમાં ધારિયું હતું અને પાંચાના હાથમાં લાકડી હતી. થારચાલકવાળો ખોડાભાઈ કોલી હોવાનું જણાવીને આ ત્રિપુટીએ સ્ક્વૉડને ગાળો ભાંડીને ‘અમે હિટાચી નહીં લેવા દઈએ’ કહી ઝઘડો શરૂ કરેલો. તેમના હાથમાં હથિયારો હોઈ કર્મચારીઓએ માથાકૂટ કરવાના બદલે ત્યાંથી નીકળી ગયેલાં.
આ ત્રિપુટી ઉશ્કેરાઈને ‘આજે તો પતાવી જ દેવા છે’ કહીને કર્મચારીઓને મારવા માટે પાછળ દોડતાં ત્રણે કર્મચારી જીવ બચાવીને મુઠ્ઠી વાળીને ત્યાં નાઠાં હતા. ખનિજ ચોરોએ તેમને ઈજા પહોંચાડવા પાછળથી ધારિયું અને લાકડી છૂટ્ટાં ફેંક્યા હતા.
સદનસીબે કર્મચારીઓને કોઈ ઈજા પહોંચી નહોતી. જો કે, દોડતાં દોડતાં રોયલ્ટી ઈન્સ્પેક્ટર યાદવ પડી જતાં જમણા હાથના કાંડામાં ઈજા થઈ હતી. યાદવે પલાંસવાની સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવેલી. સારવાર બાદ સહુએ ગાગોદર પોલીસ મથકે આવી ચારે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
Share it on
|