|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરમાં એકલવાયું જીવન જીવતાં અને બંને પગે ચાલવામાં અસમર્થ ૪૮ વર્ષના વેપારીના ઘરમાં મધરાત્રે ઘૂસીને ત્રણ બુકાનીધારી યુવકોએ છરીની અણીએ ઘરેણાં, ફોન અને રોકડ સહિત ૨.૫૧ લાખની માલમતાની લૂંટ કરતાં ચકચાર મચી ગઈ છે. ગત મધરાત્રે દોઢ વાગ્યાના અરસામાં રાપરના વાઘેલાવાસ ખાતે રહેતા નીતેશ નુરઅલી ખોજા (મુસ્લિમ) સાથે લૂંટનો બનાવ બન્યો હતો. માતા પિતાના નિધન અને પત્ની સાથે છૂટાછેડા બાદ નીતેશ એકલવાયું જીવન જીવે છે. બંને પગની નસો સૂકાઈ ગઈ હોય તે ચાલી શકતો નથી. રાપરમાં રહેતી પરિણીત બહેન બેઉ ટંક ટિફિન મોકલી આપે છે. ગત રાત્રે સાડા નવના અરસામાં નીતેશનો ભાણેજ મુસ્તુફા ટિફિન લઈને આવેલો અને જમ્યાં બાદ ટિફિન લઈને પરત જતો રહેલો. રાત્રે ૧૧ વાગ્યે નીતેશના બેઉ ભાણેજ મુસ્તુફા અને ઉમરશા ઘરે આવેલાં અને સાડા બાર સુધી વાતો કરીને ઘરે જતાં રહેલાં.
ત્રણ બુકાનીધારી યુવકોએ હુમલો કરી લૂંટ આચરી
ભાણેજોના ગયા બાદ નીતેશ પણ સૂઈ ગયેલો. મધરાત્રે દોઢ વાગ્યે અચાનક કોઈકે તેનું પડખું ફેરવતાં તે ચમકીને જાગી ગયેલો. નજર સામે ૨૦થી ૩૦ વર્ષની વયના, મધ્યમ કદ કાઠીના ત્રણ યુવકો ઊભાં હતાં. બે જણે હેલમેટ અને મફલર બાંધીને તેમના ચહેરાં છૂપાવેલાં. ત્રીજાએ મોંઢા પર બુકાની બાંધી રાખેલી. એક જણે છરી કાઢીને સીધી નીતેશની ગરદન પર રાખીને, ભૂંડી ગાળો ભાંડીને જે હોય તે આપી દેવા જણાવેલું.
એક જણે તેના મોઢામાં રૂમાલથી ડૂચો મારેલો. નીતેશે ડૂચો હટાવવા પ્રયાસ કરતાં ડાબા હાથના કાંડે છરીથી ઘસરકો થઈ ગયેલો.
એક યુવકે મોંઢા પર મુક્કા મારેલાં. અન્યોએ નીતેશે એક હાથમાં પહેરેલી સોનાની ચાર વીંટી અને બીજા હાથમાં રહેલી એક વીંટી તથા કાંડામાં પહેરેલું ચાંદીનું લક્કી કાઢી લીધેલું. બીજાએ પેન્ટના ખિસ્સામાંથી ૨૦ હજાર રોકડાં રૂપિયા કાઢીને ૧૫ હજારનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધેલો. લૂંટ બાદ ત્રણે જણ દોડીને ડેલી ખોલી નાસી ગયેલાં.
ત્રણેક જણ રાઉન્ડઅપઃ ગુનો ઉકેલાવાની SPને આશા
ઘટના અંગે વહેલી સવારે રાપર પોલીસ મથકે ત્રણે અજાણ્યા શખ્સો સામે હુમલા સાથે લૂંટની ગંભીર કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવને ગંભીરતાથી લઈ રાપર પોલીસે આખો દિવસ ગહન તપાસ કરી હતી અને ત્રણેક શખ્સોને રાઉન્ડ અપ કર્યાં છે. એસપી સાગર બાગમારે જણાવ્યું કે અમને દ્રઢ આશા છે કે ગુનાનો ઝડપથી ભેદ ઉકેલાઈ જશે.
Share it on
|