click here to go to advertiser's link
Visitors :  
21-Mar-2026, Saturday
Home -> Rapar -> CISF Job Fraud 8 Outsider Youths Caught Using Forged Domicile Certificate Of Rapar
Friday, 12-Dec-2025 - Rapar 29011 views
રાપરના શાનગઢના રહીશ હોવાના નકલી સર્ટિ. પર ૮ પરપ્રાંતીય યુવકે CISFમાં નોકરી મેળવી
કચ્છખબરડૉટકોમ, રાપરઃ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ (CISF)માં પોતે રાપર તાલુકાના શાનગઢ ગામના રહેવાસી હોવાના કાયમી વસવાટના નકલી પ્રમાણપત્ર (ડોમીસાઈલ સર્ટિફિકેટ) રજૂ કરીને નોકરીએ જોડાયેલાં ૮ યુવકો વિરુધ્ધ રાપરમાં ફરિયાદ દાખલ થઈ છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોના યુવકોએ ગુજરાતના ક્વૉટામાં નોકરી મેળવવા માટે આ બોગસ પ્રમાણપત્રોનો આધાર લીધો હતો. યુવકોએ રાપર મામલતદાર કચેરીના સહી સિક્કાવાળા નકલી પ્રમાણપત્રો રજૂ કરેલાં.

આ પ્રમાણપત્રોના આધારે તેમની CISFની ૫૦મી બેચમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) તરીકે પસંદગી થઈ હતી અને તેમને તામિલનાડુના વેલ્લોર જિલ્લામાં આવેલા રીજનલ ટ્રેનીંગ સેન્ટરમાં બેઝીક ટ્રેનીંગ માટે મોકલી અપાયાં હતા.

કલેક્ટર કચેરીએ ખરાઈ માટે સર્ટિ મોકલતાં ભાંડો ફૂટ્યો

CISFએ તેમણે રજૂ કરેલાં ડોમીસાઈલ સર્ટિફિકેટ ખરાઈ માટે કચ્છ કલેક્ટર કચેરીએ મોકલી આપ્યાં હતા. કલેક્ટર કચેરીએ ખરાઈ કરતાં આવા કોઈ પ્રમાણપત્રો રાપર મામલતદાર કચેરીએથી ઈસ્યૂ ના કરાયાં હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે CISFએ આઠેય જણને પાણીચું પકડાવી દઈ સ્થાનિક થાક્કોલમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮, ૩૩૬ (૨) અને (૩), ૩૪૦ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. જો કે, ગુનો ગુજરાતના રાપર પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોઈ થાક્કોલમ પોલીસે ઝીરો નંબરથી એફઆઈઆર રજિસ્ટર કરીને તેને રાપર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી છે.

આ ઉમેદવારો સામે નોંધાઈ ફોજદારી ફરિયાદ

હાલ ૬ ઉમેદવારો સામે વિધિવત્ ફરિયાદ દાખલ થઈ છે જેમાં બાબુલાલ ભંવરલાલ શર્મા, લક્ષ હરિસિંહ યાદવ, ક્રિશ વેદપ્રકાશ યાદવ, ઉત્તમસિંગ ઉમેદસિંગ રાજપૂત, પંકજ કૈલાસચંદ સૈની અને પ્રદીપકુમાર સુલતાનરાય વર્માનો સમાવેશ થાય છે. અન્ય બે ઉમેદવારો વિરુધ્ધ ફોજદારી દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

કચ્છના સ્થાનિક એજન્ટોની સંડોવણીની દ્રઢ આશંકા

નકલી ડોમીસાઈલ સર્ટિફિકેટના કાંડમાં સ્થાનિક એજન્ટોની સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. આઠેય જણના બોગસ આધાર કાર્ડના આધારે આ સર્ટિફિકેટ બન્યાં છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પધ્ધર પોલીસ મથકે પણ આવા જ એક સ્કેમનો પર્દાફાશ થયો હતો જેનો રેલો ભુજમાં કલેક્ટર કચેરીમાં નોકરી કરતાં હંગામી કર્મચારી સુધી પહોંચ્યો હતો. રાપરના પીઆઈ જે.બી. બુબડીયાએ તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
આદિપુરમાં કામવાળી બાઈ લાગ જોઈને ૪.૨૫ લાખ રોકડાં મળી ૧૧.૭૨ લાખની મતા સાફ કરી ગઈ
 
અબડાસા મિંયાણીમાં પારકી લીઝમાં રસ્તો બનાવવા હુમલો કરનાર ૭ને જામીનનો ઈન્કાર
 
ભચાઉના હેડ કોન્સ્ટેબલ પર છરીથી ઘાતક હુમલો કરનારા ખૂંખાર લતીફને ૩ વર્ષનો કારાવાસ