કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ મુંદરાના ચકચારી કસ્ટોડિયલ ડેથના ગુનાના આરોપી એવા તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ અનોપસિંહ પઢિયારની જામીન અરજી કાઢી નાખતાં ગુજરાત હાઈકૉર્ટે બે માસમાં આ કેસની ટ્રાયલ પૂરી કરી દેવા હુકમ કર્યો છે. જાન્યુઆરી ૨૦૨૧માં ઘરફોડ ચોરીના તથાકથિત ગુનામાં મુંદરા પોલીસે ત્રણ નિર્દોષ યુવકોને ઉઠાવીને, પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખીને અમાનુષી અત્યાચાર ગુજારતાં બે જણનું મોત નીપજ્યું હતું, એક જણને ગંભીર ઈજાઓ પહોંચેલી. આ મામલે તત્કાલિન પીઆઈ પઢિયાર, પાંચ પોલીસ કર્મી, સમાઘોઘાના પૂર્વ સરપંચ સહિતના લોકોની સંડોવણી સામે આવેલી અને તમામની ધરપકડ થયેલી.
આ ગુનામાં કેદ પીઆઈ પઢિયારે ટ્રાયલમાં થઈ રહેલા વિલંબને આધાર બનાવી જામીન પર છોડવા હાઈકૉર્ટમાં અરજી કરેલી.
જો કે, ફરિયાદ પક્ષે કૉર્ટને અરજી ફગાવી દેવા રજૂઆત કરતાં જણાવ્યું હતું કે દસ-બાર સાક્ષીઓ તપાસવાના બાકી છે અને ત્રણેક માસમાં પૂરાવા રજૂ કરી દેવાશે. જો બચાવ પક્ષ સહકાર આપે તો ત્રણ માસમાં ટ્રાયલ પૂરી થઈ શકે તેમ છે.
આ દલીલ પર બચાવ પક્ષની રજૂઆતના આધારે ફરિયાદ પક્ષે નિયત સમયમર્યાદામાં ટ્રાયલ પૂરી કરી દેવાનું સોગંદનામું રજૂ કર્યું હતું.
બચાવ પક્ષે પણ ઝડપી ટ્રાયલ પૂરી થાય તે માટે સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાતરી આપતું સોગંદનામું રજૂ કરી કેસને આગળ ‘પ્રેસ’ કર્યો નહોતો.
જાણો, હાઈકૉર્ટે ચુકાદો આપતાં શું જણાવ્યું?
હાઈકૉર્ટના જસ્ટિસ હસમુખ ડી. સુથારે પઢિયારની અરજીને કાઢી નાખી (disposed) ફરિયાદ પક્ષ, મૂળ ફરિયાદી અને બચાવ પક્ષને ઝડપી ટ્રાયલ માટે સહકાર આપવા દિશાનિર્દેશ આપ્યો છે.
હાઈકૉર્ટે તેના હુકમનું યથાર્થ રીતે (in a true letter and spirit) પાલન કરવા ટ્રાયલ કૉર્ટ સહિત સૌને સૂચના આપી છે કે આ કેસને પ્રાધાન્ય આપી, દૈનિક ધોરણે સુનાવણી હાથ ધરી, કોઈ વકીલ કે આરોપી કૉર્ટમાં હાજર ના રહી શકે તેમ હોય તો વર્ચ્યુઅલી મોડ પર પૂરાવા નોંધીને આગામી બે માસની અંદર ટ્રાયલ પૂરી કરી દેવામાં આવે.
જો બે માસમાં ટ્રાયલમાં ઈચ્છિત પ્રગતિ ના થાય તો બચાવ પક્ષને જામીન મેળવવા માટે ફરી અરજી કરવાનો વિકલ્પ હાઈકૉર્ટે ખૂલ્લો રાખ્યો છે. હાઈકૉર્ટના ચુકાદાનો સરળ અર્થ એટલો જ છે કે જો બે મહિનામાં ટ્રાયલ પૂરી ના થાય તો આરોપીઓને જામીન અરજી કરવાની છૂટ છે.
બે માસમાં આ કેસની ટ્રાયલ પૂરી થઈ જશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.
Share it on
|