click here to go to advertiser's link
Visitors :  
03-May-2024, Friday
Home -> Nakhatrana -> Two mediator booked for demanding 22 Lakh illegaly in Nakhtrana
Friday, 14-Jul-2023 - Nakhtrana 78442 views
એટ્રોસીટી અપહરણના કેસમાં સમાધાનના બહાને ૨૨ લાખ રૂપિયાની ખંડણી માગી
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ પરિવારની મરજી વિરુધ્ધ દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરનારી પટેલ સમાજની યુવતીના સાસરિયા સાથે મારકૂટ કરી અપહરણ કરવાના કેસની પતાવટ માટે બે શખ્સોએ પટેલ સમાજના આગેવાન પાસે ૨૨ લાખ રૂપિયા માંગ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જો નાણાં ના મળે તો સમાજના આગેવાનોને પણ બળાત્કાર, દુષ્કર્મ અને એટ્રોસીટીના ખોટાં કેસમાં ફીટ કરાવી દેવાની તેમણે ધમકી આપેલી.

નખત્રાણા પોલીસે માંડવીના દુજાપર ગામે રહેતા કડવા પટેલ સમાજના આગેવાન નારણ ખીમજી ચૌહાણે આપેલી ફરિયાદ લઈ નખત્રાણાના બેરુ ગામના કરણ પુંજાભાઈ બુચિયા અને ભીરંડિયારાના દેવાભાઈ ભારુભાઈ મારવાડા નામના બે શખ્સો સામે ઈપીકો કલમ ૩૮૯, ૧૨૦-બી અને ૩૪ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

માંડવીના લુડવા ગામની મહિમા સુભાષભાઈ પોકાર નામની યુવતીએ ભુજમાં તેની સાથે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતાં નખત્રાણાના રામપર (રોહા) ગામના રમેશ રવજીભાઈ બુચિયા નામના યુવક સાથે પરિવારની મરજી વિરુધ્ધ પ્રેમલગ્ન કર્યાં હતાં. નારાજ સગાં-સંબંધીઓએ ગત ૧ જૂનની રાત્રે રામપરમાં તેના પતિ અને સાસરિયાં પર હુમલો કરેલો અને મહિમાને બળજબરીપૂર્વક કારમાં બેસાડી, અપહરણ કરી લઈ ગયેલાં. ઘટના અંગે રમેશ બુચિયાએ નખત્રાણા પોલીસ મથકે મહિમાના ૬ સગાં-સંબંધીઓ સામે એટ્રોસીટી, અપહરણ, હુમલો કરવા સબબ ફરિયાદ નોંધાવી હતી.

બનાવ સંદર્ભે બેઉ સમાજના આગેવાનોએ સમાધાનના પ્રયાસો હાથ ધર્યાં હતાં. બનાવના બીજા દિવસે મેઘવંશી મારુ વણકર સમાજ, માકપટના પૂર્વ પ્રમુખ લધારામ પાંચારામ બુચિયાએ ફરિયાદીનો ફોન પર સંપર્ક કરી, ૧૦ જૂનના રોજ નખત્રાણામાં સમાધાન માટે મળવાનું આયોજન કરેલું. ૧૦ જૂનના રોજ મીટીંગમાં લધારામ બુચિયા સાથે કરણ બુચિયા મળવા આવેલો. કરણે ત્યારે કહેલું કે સમગ્ર બનાવમાં દેવા મારવાડાનો ઘણો સહકાર મળ્યો હોઈ તેના કહેવાથી સમાધાનનો નિર્ણય લેવાશે. ફરી ૨૧ જૂને બેઠક યોજાયેલી. તે સમયે લધારામ અને કરણ સાથે દેવા મારવાડા પણ બેઠકમાં હાજર હતો. આ બેઠકમાં કોઈ નિવેડો આવ્યો નહોતો.

મીટીંગ બાદ સૌ નાસ્તો કરવા ગયાં ત્યારે કરણ અને દેવાએ ફરિયાદીને એકબાજુ લઈ જઈ જણાવેલું કે હવે પછીની મીટીંગમાં લધારામને સાથે ના લાવતાં. રાત્રે કરણ અને દેવાએ ફરિયાદીને ફોન કરી બીજા દિવસે ભુજમાં મીટીંગ બોલાવી હતી.

ભુજમાં સામાજિક આગેવાન કેશુભાઈ પારસિયાની ઑફિસમાં મીટીંગ યોજાઈ ત્યારે દેવા મારવાડાએ ચાલું મીટીંગે ઊભા થઈ ફરિયાદીને પોતાની સાથે બહાર બોલાવી, કારમાં બેસાડી વાત કરી હતી કે ‘મીટીંગની કશી જરૂર નથી. છોકરો અને છોકરી બંને મારા કહ્યામાં છે, હું જેમ કહીશ તેમ કરશે. આરોપી અને તેનો પરિવાર મને ૨૫ લાખ આપી દે’ ફરિયાદીએ લખાવ્યું કે દેવાએ ધમકી આપી હતી કે જો પૈસા નહીં મળે તો આરોપી દીક્ષિતના સગાં સંબંધીઓ અને સમાજના આગેવાનો મળી ૩૦થી ૪૦ લોકો વિરુધ્ધ છોકરી મારફતે બળાત્કાર, અપહરણનું તહોમત મૂકાવી તમામની ધરપકડ કરાવીશ. કારમાં મીટીંગ દરમિયાન ઑફિસ અંદર બેઠેલાં કરણે પણ ત્યાં હાજર આગેવાનો કેશુભાઈ પારસિયા, નરોત્તમ પોકાર, કરસન વેલાણી વગેરેને ધમકી આપી હતી કે અમે કહીએ તેમ નહીં થાય તો ગુનામાં આગેવાનોના નામ પણ લખાવશું.

૨૮ જૂનની બપોરે દેવા મારવાડા અને ફરિયાદી વચ્ચે ભુજમાં ટાઉનહોલ પાસે આરોપીની કારમાં ફરી આ મામલે મુલાકાત થયેલી. તે સમયે દેવાએ ૨૨ લાખ રૂપિયાની માંગણી કરી નાણાં ફક્ત તે પોતે જ રાખવાનો હોવાનું જણાવીને આ વાત પટેલ સમાજના બે-ચાર આગેવાનો પૂરતી મર્યાદિત રાખવાનું કહી નાણાં મળ્યે બી સમરી ભરાવી દેવાનું જણાવ્યું હતું. કારમાં થયેલી વાતચીતનું ફરિયાદીએ મોબાઈલ ફોનમાં રેકોર્ડીંગ કરી લીધું હતું.

ઉલ્લેખનીય છે કે અપહૃત મહિમાને ૯ જૂનના રોજ તેના પરિવારજનોએ ભુજમાં પોલીસ સમક્ષ હાજર કરી દીધી હતી. હાલ મહિમા તેના પતિ સાથે ભીરંડિયારા ખાતે રહે છે.
Share it on
   

Recent News  
સમુદ્રી જળસીમા ડ્રગ્ઝ માફિયાનો ગેટવે બનીઃ કુદરતી સંપદા અને સંસાધનોની લૂંટાલૂંટ
 
ઈલેક્ટોરલ બોન્ડના નામે ગરીબ દલિત ખેડૂતના મેળવેલાં ૧૦ કરોડ ભાજપ પાછાં આપેઃ ખડગે
 
નિયત સમયમાં ચાર્જશીટ ના થતાં ૨૩.૫૯ લાખના કોકેઈનનો આરોપી જામીન પર છૂટી ગયો!