click here to go to advertiser's link
Visitors :  
17-May-2024, Friday
Home -> Gandhidham -> Gandhidham Court release NDPS accused on default bail
Thursday, 02-May-2024 - Gandhidham 18712 views
નિયત સમયમાં ચાર્જશીટ ના થતાં ૨૩.૫૯ લાખના કોકેઈનનો આરોપી જામીન પર છૂટી ગયો!
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ચરસ, ગાંજો, હેરોઈન, કોકેઈન વગેરે જેવા માદક દ્રવ્યોની હેરાફેરી, વેચાણ, સેવન, સંગ્રહ કરતાં શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ નાર્કોટીક ડ્રગ્ઝ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સીઝ એક્ટ છે. NDPSના ગંભીર કેસમાં પકડાયેલાં આરોપીને જામીન મેળવવા સામાન્યતઃ લોઢાના ચણા ચાવવા પડતાં હોય છે. પરંતુ, ગાંધીધામમાં NDPSના એક આરોપીને કૉર્ટે ડિફોલ્ટ બેઈલ પર જામીનમુક્ત કરી દીધો છે. આરોપીને ડિફોલ્ટ બેઈલ મળે તે પોલીસ તંત્ર માટે શરમજનક ગણાય છે.

પૂર્વ કચ્છ SOGએ ૦૩-૦૨-૨૦૨૪ના રોજ ૨૩.૫૯ લાખના મૂલ્યના ૨૩.૫૯૦ ગ્રામ કોકેઈન સાથે પંજાબના કુલવિન્દરસિંઘ હરદેવસિંઘ (૪૩, તરનતાનર, પંજાબ)ને ઝડપી પાડ્યો હતો. આરોપી રેલવે સ્ટેશનથી પગપાળા બસ સ્ટેન્ડ તરફ જતો હતો. તેની અંગજડતીમાંથી ડ્રગ્ઝ મળી આવ્યું હતું. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે કુલવિન્દર ટ્રક ડ્રાઈવર છે અને અગાઉ પણ છથી સાત વખત તે આ રીતે ગાંધીધામમાં ડ્રગ્ઝની ખેપ મારી ચૂક્યો છે. તેની વિરુધ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે NDPS એક્ટ તળે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ધરપકડના ૭૬મા દિવસે જામીન અરજી થઈ

ફોજદારી ન્યાય સંહિતા મુજબ સામાન્ય રીતે આરોપીની ધરપકડ થયાના ૬૦ દિવસની અંદર તેની સામેની તપાસ પૂરી કરી જરૂરી પૂરાવા, નિવેદનો સાથે કૉર્ટમાં તહોમતનામું (ચાર્જશીટ) દાખલ કરવું આવશ્યક છે. આ કેસમાં પોલીસે ૬૦ દિવસ બાદ પણ ચાર્જશીટ દાખલ ના કરતાં આરોપીએ ધરપકડના ૭૬મા દિવસે ૧૯-૦૪-૨૦૨૪ના રોજ કૉર્ટમાં ડિફોલ્ટ બેઈલ મેળવવા અરજી કરી હતી. ગુનાની તપાસ કરતાં અમલદારે પણ તુરંત બીજા દિવસે ચાર્જશીટ ફાઈલ કરી હતી જે કૉર્ટના રેકર્ડ પર ૨૪-૦૪-૨૦૨૪ના રોજ લેવાઈ હતી.

કૉર્ટે આરોપીને ડિફોલ્ટ બેઈલનો લાભ આપ્યો

કૉર્ટમાં ફરિયાદ પક્ષે રજૂઆત કરી કે NDPSના ગુનામાં દસ વર્ષ સુધીની સજાને પાત્ર હોય તેવા ગુનામાં ચાર્જશીટ દાખલ કરવાનો સમયગાળો ૬૦ નહીં પણ ૯૦ દિવસનો છે. આરોપી પક્ષે પણ વિવિધ ચુકાદા ટાંકીને દલીલ કરી કે આ કેસમાં તે સમયગાળો ૬૦ દિવસનો જ છે.

કૉર્ટે બંને પક્ષની દલીલો સાથે સૌપ્રથમ એ ઠેરવ્યું કે ઝડપાયેલું ડ્રગ્ઝ બે ગ્રામની સ્મોલ ક્વોન્ટિટી કરતાં વધુ અને ૧૦૦ ગ્રામની કોમર્સિયલ ક્વોન્ટિટી કરતાં ઓછું એટલે કે મધ્યમ પ્રમાણનું હતું.

કૉર્ટે મૃત્યુદંડ અથવા દસ વર્ષની સજાને પાત્ર ગુનામાં ચાર્જશીટ દાખલ કરવાનો સમયગાળો ૯૦ દિવસનો હોવાનું સ્વિકાર્યું પરંતુ આ કેસમાં કૉર્ટે તે સમયગાળો ૬૦ દિવસનો હોવાનું ઠેરવી જણાવ્યું કે આરોપીની ડિફોલ્ટ બેઈલ માટેની અરજી દાખલ થઈ તેના બીજા દિવસે ચાર્જશીટ દાખલ થવા માત્રથી આરોપીનો ડિફોલ્ટ બેઈલ મેળવવાનો અધિકાર નાબૂદ થતો નથી. ગુનાની ગંભીરતાને અનુલક્ષીને કૉર્ટે પચાસ હજારના બેઈલ બોન્ડ અને કડક શરતો સાથે આરોપીને ડિફોલ્ટ બેઈલનો લાભ આપી જામીન પર છોડી મૂક્યો છે. બીજા અધિક સેશન્સ જજ બી.જી. ગોલાણીએ આ હુકમ કર્યો હતો.

એસીબી કેસના આરોપીને જામીનનો ઈન્કાર

ગાંધીધામમાં આયુષ્માન કાર્ડ બનાવી આપવા પેટે પાંચસો રૂપિયાના ઉઘરાણાં કરતાં ઝડપાયેલાં સ્ટર્લિંગ હોસ્પિટલના કર્મચારી હર્ષ રાજેશભાઈ ગુર્જરે કરેલી નિયમિત જામીન અરજી બીજા અધિક સેશન્સ જજ બી.જી. ગોલાણીએ રીજેક્ટ કરી દીધી છે. એસીબીએ છટકું ગોઠવીને હર્ષને લાંચની માંગણી કરી નાણાં સ્વિકારતાં રંગેહાથ પકડ્યો હતો.

Share it on
   

Recent News  
નાગિયારી નજીક રોંગસાઈડમાં દોડતી ટ્રકની ટક્કરે બે બાઈકસવાર મિત્રોના મોતથી અરેરાટી
 
સાંધાણના યુવકની મિત્ર સહિત ૬ જણે હત્યા કરેલીઃ ૧૨ દિવસે ખૂલ્યો ભેદ
 
નાના રણમાં સોલ્ટ માફિયાના ફાયરીંગમાં ઘવાયેલ યુવકનું મૃત્યુઃ બનાવ મર્ડરમાં પલટાયો