કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના વડાલા નજીક પૂરઝડપે જતી બે કાર સામસામી ટકરાતાં એક કારમાં સવાર બે મિત્રના ગંભીર ઈજાથી ઘટનાસ્થળે મૃત્યુ નીપજતાં અરેરાટી છવાઈ છે. મુંદરાના વડાલા નજીક પાંજરાપોળના વળાંક પાસે ગત રાત્રે નવના અરસામાં બનાવ બન્યો હતો. મૃતક રવિગીરી ધીરુગીરી ગોસ્વામી (૨૯, રહે. આદિપુર મૂળ રહે. બોટાદ) અને તેનો મિત્ર મયૂર ચંદુભાઈ સોલંકી (૨૬, રહે. કિડાણા, ગાંધીધામ) અલ્ટો કારમાં મુંદરાથી આદિપુર પરત આવતા હતા ત્યારે સામેથી આવતી GJ-12 EE-2931 નંબરની ક્રેટા કાર સાથે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બંને કારનો બુકડો વળી ગયો હતો અને અલ્ટોમાં સવાર રવિ અને મયૂરના માથા તથા અન્ય અંગોમાં ગંભીર ઈજાથી ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં હતાં. ક્રેટા કારનો ચાલક પણ ઘાયલ થયો હતો. મૃતક રવિ ગાંધીધામ નગરપાલિકામાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો અને છેલ્લાં બે-ત્રણ દિવસથી મુંદરા બારોઈ નગરપાલિકામાં કામ રાખ્યું હોઈ આવ-જા કરતો હતો. મુંદરા મરીન પોલીસે ક્રેટાચાલક સામે બેદરકારીપૂર્વક પૂરઝડપે કાર હંકારી જીવલેણ અકસ્માત સર્જી બે લોકોના મૃત્યુ નીપજાવવા બદલ ગુનો નોંધી પીએસઆઈ એન.ડી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.
Share it on
|