|
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ રવિવારે બપોરે ભચાઉ નજીક સર્જાયેલાં અકસ્માતમાં પિતા પુત્રના મૃત્યુના આઘાત અને અરેરાટી હજુ શમ્યાં નથી ત્યાં નખત્રાણા નજીક પૂરઝડપે જતી એક કાર ઝાડમાં ટકરાતાં બે યુવકોના સ્થળ પર મોત નીપજતાં ભારે શોક છવાઈ ગયો છે. આજે રાત્રે સાડા આઠ-નવના અરસામાં ભુજ નલિયા હાઈવે પર દેશલપર (વાંઢાય)થી મંજલ (તરા) વચ્ચેના માર્ગ પર દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ મહિન્દ્રા ટીયુવી બ્લેક કારમાં સવાર ચાર યુવકોની કાર ઝાડ સાથે ટકરાતાં બેના સ્થળ પર મોત થયાં છે. બે યુવકો ઘાયલ થયાં છે, જેમાં એકની હાલત અતિ ગંભીર દર્શાવાઈ રહી છે. મૃતકોમાં નખત્રાણાના ભાવેશ રબારી અને નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામના ભીખા રબારી નામના બે યુવકોનો સમાવેશ થાય છે. ઘાયલોમાં કિશન રબારી અને રાજા રામા રબારી (બંને રહે. નખત્રાણા)નો સમાવેશ થાય છે. દુર્ઘટના અંગે જાણ થતાં નખત્રાણા પીઆઈ એ.એમ. મકવાણાએ સ્થળ પર દોડી જઈને તપાસ શરૂ કરી છે.
Share it on
|