click here to go to advertiser's link
Visitors :  
16-Mar-2026, Monday
Home -> Kutch -> Youth feared murdered after intervening in brawl between brothers in law in Bhuj
Sunday, 15-Mar-2026 - Bhuj 4060 views
ભુજના હોસ્પિટલ રોડ પર સાઢુ ભાઈઓની બબાલમાં વચ્ચે પડેલાં યુવકની હત્યાની આશંકા
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં બે સાઢુ ભાઈઓના ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડેલાં નિર્દોષ યુવકને પેટમાં છરી ભોંકી દેવાઈ. ઈજાગ્રસ્ત યુવકને સારવાર દરમિયાન અન્ય તબીબી તકલીફો સર્જાતાં ગંભીર હાલતમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું. ગુનામાં હત્યાની કલમ ઉમેરવી કે નહીં તે અંગે પોલીસ પોસ્ટ મોર્ટમ રીપોર્ટની રાહ જોઈ રહી છે.
બે સાઢુભાઈઓના ઝઘડામાં ધર્મેશને મળ્યું મોત

શુક્રવારે સાંજે સાડા સાતના અરસામાં ભુજના ટ્રાફિકથી ધમધમતાં હોસ્પિટલ રોડ પર રાજકોટ નાગરિક સહકારી બેન્ક પાસે બનાવ બન્યો હતો. આરોપી યોગેશ ચૌહાણ (રહે. સાગરસીટી સોસાયટી, મુંદરા રોડ, ભુજ) અને તેના બે અજાણ્યા સાગરીતોએ શક્તિસિંહ પરમાર જોડે માથાકૂટ કરી મારકૂટ શરૂ કરેલી. યોગેશ અને શક્તિસિંહ બેઉ સાઢુ ભાઈ છે.

ત્રિપુટી શક્તિસિંહને માર મારતી હોઈ મિત્રને છોડાવવા માટે ધર્મેશ મનસુખભાઈ પરમાર (કોલી) (રહે. ઈન્દિરાનગરી, હનુમાન મંદિર પાસે, ભુજ) વચ્ચે પડેલો. દરમિયાન, ત્રિપુટીએ છરી કાઢી હુમલો કરતાં ધર્મેશને પેટમાં છરી વાગી ગઈ હતી.

ઘટના અંગે હોસ્પિટલ ચોકીમાં થયેલી નોંધના પગલે આજે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ધર્મેશના ભાઈ રાજેશે આજે બપોરે યોગેશ ચૌહાણ અને અન્ય બે અજાણ્યા સાગરીતો વિરુધ્ધ મારામારી, છરીથી હુમલો કરી ઈજા પહોંચાડવા સબબ ફરિયાદ નોંધાવી હતી.

ઈજા બાદ અન્ય શારીરિક તકલીફોથી મૃત્યુ થયુંઃ સૂત્ર

ઘાયલ ધર્મેશને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. તબિયત કથળતાં અમદાવાદ લઈ જવાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ધર્મેશને છરી વાગતાં થયેલી ઈજા તેનું મૃત્યુ નીપજાવે તેવી ગંભીર નહોતી તેમ તબીબોએ જણાવ્યું છે.

સારવાર દરમિયાન ધર્મેશને ઊલટી ઉબકા આવેલાં અને તે સમયે અમુક પદાર્થ ફેફસાંમાં જતો રહેતા મેડિકલ કોમ્પ્લિકેશન સર્જાયું હતું. આ કોમ્પ્લિકેશનના લીધે તેનું મૃત્યુ નીપજ્યું હોવાની શક્યતા તબીબોએ પોલીસ સમક્ષ મૌખિક રીતે વ્યક્ત કરી છે.

જેના પગલે પોલીસે હાલ આ બનાવમાં મર્ડરનો ગુનો દાખલ કર્યો નથી. વિસ્તૃત પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. બી ડિવિઝન પીઆઈ ડી.ડી. શિમ્પીના માર્ગદર્શનમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News