|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પાસા હેઠળ છ-છ વખત ગુજરાતની વિવિધ જેલની હવા ખાઈને આવેલો અને દારૂબંધીના 21 સહિત 25 વિવિધ ગંભીર ગુનાનો આરોપી એવો અમદાવાદની છારા ગેંગનો નાસતો ફરતો આરોપી ભુજમાંથી ઝડપાયો છે. આ ગેંગ કારના કાચ તોડી તેમાં પડેલી કિંમતી ચીજવસ્તુ ચોરી કરી લેવામાં માહેર છે. ગત 18 જૂનનાં રોજ આ ગેંગે વડોદરામાં સોનીની કારમાંથી 2.35 કરોડના અઢી કિલો સોનાની ચોરી કરતાં સનસનાટી મચી ગઈ હતી. કારમાંથી 4.13 લાખના દાગીના અને 3.95 લાખ રોકડા મળ્યાં
બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત સાંજે ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર સંકલ્પ હોટેલ નજીક એક્સેન્ટ કારમાં બેઠેલાં છારા ગેંગના સદસ્ય મનીષ ઊર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી (સીંધી)ને ઝડપી પાડ્યો હતો. આરોપી અમદાવાદના કુબેરનગર નજીક છારાનગરનો રહીશ છે. પોલીસે તેની અંગજડતી અને કારની તલાશી લેતાં 4.13 લાખની કિંમતના સોનાના 88 ગ્રામ વજનના દાગીના અને 3.95 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ગાડીમાંથી કારના કાચ તોડવા માટે વપરાતા 3 સ્ક્રુ ડ્રાઈવર મળી આવ્યાં હતા. એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એસ.જે. રાણા અને પીએસઆઈ એચ.એમ.ગોહિલે મનીષની આકરી પૂછતાછ કરતાં તેણે જણાવ્યું કે તેમની ગેંગે ગત 18 જૂનનાં રોજ વડોદરાના છાણી જકાતનાકે રાજકોટના એક સોનીની કારના કાચ તોડી કારમાં રહેલી બે બેગ ચોરી હતી. જેમાંથી અંદાજે બેથી અઢી કિલો સોનાના દાગીના મળી આવ્યા હતા. ભાગબટાઈમાં તેના ભાગે 900 ગ્રામ સોનાના દાગીના આવ્યા હતા. જે દાગીના ભુજમાં છૂટક છૂટક રીતે વેચવા આવ્યો હતો.
ભુજના સોનીને દાગીના વેચી 27 લાખ રૂપિયા મેળવ્યાં
પોલીસની પૂછતાછમાં સ્પષ્ટ થયું છે કે મનીષે બે-ત્રણ દિવસ અગાઉ ભુજના કાલિકા રીંગરોડ પર આર.કે.ચેમ્બર્સમાં હિરેન હસમુખલાલ સોનીને ત્યાં દાગીના વેચીને 27 લાખ રૂપિયા મેળવ્યાં હતા. આ નાણાં તેણે અમદાવાદના બાપુનગરમાં રહેતાં તેના સાળાને અલગ અલગ ચાર વખત ભુજની વિવિધ આંગડીયા પેઢી મારફતે મોકલી આપ્યાં છે. પોલીસ હાલ સોનીની આ બાબતે ઝીણવટભરી તપાસ કરી રહી છે.
25 ગુનાનો આરોપી છ વખત પાસામાં જઈ આવેલો છે
પોલીસે મનીષની ક્રાઈમ કુંડળી તપાસતાં તેના પર દારૂબંધી હેઠળ અમદાવાદમાં 21 ગુના દાખલ થયેલાં છે. જે પૈકી ચાર પોલીસ મથકમાં દાખલ થયેલાં ગુનામાં તે નાસતો ફરે છે. આ ઉપરાંત મિલકત, શરીર સંબંધી ચાર ગુના અને સરકારી કર્મચારી સામે ફરજમાં રૂકાવટનો એક ગુનો દાખલ થયેલો છે. આ કુખ્યાત શખ્સ છ વખત પાસા હેઠળ ભુજ સહિતની જેલની હવા ખાઈ આવેલો છે. હાલ તો એલસીબીએ તેની પાસેથી મળેલાં દાગીના, રોકડ વગેરે મુદ્દામાલ CrPC 102 મુજબ કબ્જે કરી આરોપીની CrPC 41 1-ડી હેઠળ અટક કરી વડોદરા પોલીસને જાણ કરી છે. આ ગેંગમાં પાંચથી સાત જણ સામેલ છે જે પૈકી એક શખ્સને થોડાંક સમય અગાઉ અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો હતો.
Share it on
|