કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટૂકડીએ નખત્રાણાના એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને ૪૮૪૫ રૂપિયાની કિંમતનો દોઢ કિલોથી વધુ પોસ ડોડા (પોસ દોડા, અફીણના જીંડવા)નો જથ્થો જપ્ત કરી ૬૨ વર્ષિય શખ્સની ધરપકડ કરી છે. બાતમીના આધારે SOGએ આનંદનગરમાં મહેન્દ્રભાઈ લક્ષ્મીદાસ સોની નામના શખ્સના મકાનમાં દરોડો પાડીને પ્લાસ્ટિકના ૧૧ ઝબલામાં વીંટી રાખેલો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે ત્રણ ચાર માસ અગાઉ ફોનથી એક હિન્દીભાષી શખ્સ સાથે તેની ઓળખાણ થયેલી.
આ શખ્સ તેને ટ્રાવેલ્સ પાર્સલ મારફતે પોસ ડોડાનો જથ્થો નખત્રાણા મોકલી આપે છે અને પોતે ઓનલાઈન પેમેન્ટ મોકલી આપે છે. ડોડા મોકલતાં શખ્સનું નામ સરનામું પોતે જાણતો નથી.
પોલીસે ઉમેર્યું કે આરોપી નખત્રાણામાં દાબેલીનો ધંધો કરે છે. અજાણ્યા શખ્સ પાસેથી અગાઉ ત્રણથી ચાર વખત માલ મગાવેલો છે. ગુનાની તપાસ દયાપરના પીએસઆઈ વી.વી. ભોલાએ હાથ ધરી આરોપીને બે દિવસના રીમાન્ડ પર લીધો છે. પૂછપરછમાં આરોપીએ પોતે બંધાણી હોઈ અંગત વપરાશ માટે ડોડા મગાવતો હોવાનું કબૂલ્યું છે. પોલીસે ફોન નંબરના આધારે માલ મોકલનાર શખ્સને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. દરોડાની કામગીરીમાં SOG પીઆઈ કે.એમ. ગઢવી, પીએસઆઈ ડી.બી. વાઘેલા, એએસઆઈ જોરાવરસિંહ જાડેજા અને માણેકભાઈ ગઢવી, હેડ કોન્સ્ટેબલ રજાક સોતા, કમલેશ ડાભી વગેરે જોડાયાં હતાં.
Share it on
|