કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ભદ્રેશ્વર પાસે માલગાડી નીચે પડતું મૂકીને યુવાન યુગલે આપઘાત કર્યો હોવાના બનાવની અરેરાટી હજુ શમી નથી ત્યાં અંજારના ભીમાસર પાસે ટ્રેન નીચે કચડાઈ જતાં પતિની નજર સમક્ષ પત્ની અને બે પુત્રો સહિત ત્રણના મૃત્યુ થયાં છે. શુક્રવારે રાત્રે અંદાજે ૧૧.૩૦ કલાકે ભીમાસર રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના ઘટી હતી. રેલવે પોલીસે જણાવ્યું કે બનાસકાંઠાનો શ્રમજીવી પરિવાર રેલવે પાટા ઓળંગી રહ્યો હતો ત્યારે પૂરઝડપે પસાર થયેલી ‘કચ્છ એક્સપ્રેસ’ નીચે ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં જનતાબેન જગતભાઈ વાલ્મીકિ (૩૦), ૯ વર્ષના પુત્ર મહેશ અને અઢી માસના પુત્ર પ્રિન્સનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે પરિવાર મૂળ બનાસકાંઠાના દિયોદર તાલુકાના લવાણા ગામનો વતની છે અને અંજારમાં વેલસ્પન કંપનીમાં મજૂરી કરે છે.
પરિવાર રજા પર વતન ગયેલો અને પાલનપુરવાળી ટ્રેનમાં બેસીને કચ્છ પરત ફર્યો હતો. ભીમાસર ગામે કૌટુંબિક મામા રહેતાં હોઈ પરિવાર તેમને મળવા માટે ભીમાસર રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો.
રાતના અંધારામાં યુગલ સંતાનોના હાથ પકડીને પાટા ક્રોસ કરી રહ્યું હતું તે સમયે ધસમસતી આવેલી ટ્રેન નીચે માતા અને બે માસૂમ પુત્રો કપાઈ જતાં સ્થળ પર જ તેમના મૃત્યુ નીપજ્યાં હતાં. ગાંધીધામ રેલવે પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
Share it on
|