|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાતના પશ્ચિમ ખૂણે આવેલો કચ્છ જિલ્લો વિકાસની હરણફાળ ભરતો હોવાના દાવા વચ્ચે અન્ય જિલ્લામાંથી નોકરી પર મૂકાતાં સરકારી કર્મચારીઓ લાગ મળ્યે અન્ય જિલ્લામાં બદલી કરાવી લે છે. પરિણામે, શિક્ષણ, આરોગ્ય, પંચાયતી સેવાઓમાં કર્મચારીઓની કાયમી ઘટ રહે છે. ‘નિમણૂક ત્યાં નિવૃત્તિ’ યોજનાનો ફિઆસ્કો
કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ પૂરવા માટે ગુજરાત સરકારે ‘નિમણૂક ત્યાં નિવૃત્તિ’ના નારા સાથે વિશેષ ભરતી શરૂ કરેલી. આ પ્રક્રિયા હજુ ચાલુ છે ત્યાં આ વિશેષ ભરતીમાં જોડાયેલાં ૩૭ શિક્ષકો ૩.૨૬ લાખની બોન્ડની રકમ ભરીને કચ્છ બહાર સરકી ગયાં છે.
૧૦ તલાટી સહિત ૨૨ કર્મચારીની કચ્છમાંથી બદલી
શિક્ષકોની બદલીઓ વચ્ચે હવે કચ્છમાંથી પંચાયત સંવર્ગના ૧૦ તલાટી સહિત ૨૨ કર્મચારી સ્વ વિનંતીથી અન્ય પસંદગીના જિલ્લાઓમાં બદલી કરાવી ગયાં છે. ગુજરાતના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે આજે સાંજે રાજ્યના પંચાયત સંવર્ગના ૩૨૨ કર્મચારીઓની બદલી કરી છે જેમાંથી ૨૨ કર્મચારી કચ્છના છે.
૨૨ સામે કચ્છમાં આવ્યાં કેવળ બે
બદલી પામેલાં ૨૨ કર્મચારી પૈકી ૫ તલાટી સહિત ૧૪ કર્મચારી મહિલા છે. બદલી પામેલાં કર્મચારીઓમાં લેબ ટેકનીશિયન, ફિમેલ હેલ્થ વર્કર, ગ્રામ સેવક, જૂનિયર ક્લાર્ક વગેરેનો સમાવેશ થાય છે. કચ્છ બહાર ગયેલાં ૨૨ કર્મચારીઓ સામે કેવળ બે મહિલા લેબ ટેકનીશિયન સ્વેચ્છાથી કચ્છ આવી છે.
સરકારી નોકરી મેળવવા માટે મને કમને કચ્છ જિલ્લાને પસંદ કરતા નોકરિયાતો તક મળ્યે વિના વિલંબે કચ્છને ટાટા બાય બાય કરી દે છે.
અન્ય જિલ્લાના યુવાનો ભુજ, ગાંધીધામ કે મહત્વના તાલુકા મથકો સિવાય અંતરિયાળ વિસ્તારોમાં જાણે નોકરી કરવા તૈયાર જ નથી.
Share it on
|