કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં હ્યુમન મેટાન્યુમો વાયરસ (એચએમપી વાયરસ)નો પહેલો કેસ નોંધાયો છે. આદિપુર નજીક માથક રોડ પર રહેતા ૬૦ વર્ષિય પુરુષ દર્દી આ વાયરસથી સંક્રમિત હોવાનું સ્પષ્ટ થયું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મીતેષ ભંડેરીએ જણાવ્યું કે દર્દી હાલ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત ઘણી સ્ટેબલ છે. ભંડેરીએ ઉમેર્યું કે ત્રણેક દિવસથી શરદી ઉધરસ અને તાવ સાથે શરીરમાં આંતરિક કળતર થતી હોઈ દર્દી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે ગયાં હતાં. હોસ્પિટલે કરાવેલા ટેસ્ટમાં તે એચએમપીવીથી સંક્રમિત હોવાનું સ્પષ્ટ થયું છે. દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને રૂમ ઍર પર સ્ટેબલ છે. આ વાયરસ નવો નથી, ઘણાં વર્ષોથી ભારતમાં વિદ્યમાન છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં એચએમપીવીના દર્દીઓની સંખ્યામાં એકાએક ઊછાળો આવ્યો છે. ભારતમાં પણ અત્યારસુધીમાં પંદરેક કેસ નોંધાઈ ચૂક્યાં છે જે પૈકી ગુજરાતમાં ચાર કેસ નોંધાઈ ચૂક્યાં છે.
Share it on
|