|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંબઈથી ભુજ આવી રહેલી સયાજીનગરી એક્સપ્રેસમાં ગત રાત્રે અમદાવાદથી બેસેલાં પરિવારના ૮૨ હજારના સોના ચાંદીના દાગીના ચોરાઈ ગયાં છે. ચોરીનો બનાવ મધરાત્રે દોઢથી પોણા છના અરસામાં, વિરમગામથી આદિપુર રેલવે સ્ટેશન વચ્ચે બન્યો હતો. ગુજરાત ગેસ કંપનીમાં ઇજનેર તરીકે નોકરી કરતા અને ભુજની અરિહંતનગર સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષિય આશિષ પાંડેએ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આશિષ ગત રાત્રે અમદાવાદ રેલવે સ્ટેશનથી તેની પત્ની તેમજ ૧૦ વર્ષના પુત્ર અને ૧૩ વર્ષની પુત્રી સાથે સયાજીનગરીના સ્લીપર કોચ એસ-વનમાં બેઠો હતો. પત્ની અને સંતાનોની બર્થ એસ-વનમાં હતી અને ફરિયાદીની બર્થ એસ-સેવન કોચમાં હતી.
૧૩ વર્ષની દીકરી પાસે એક શૉલ્ડર બૅગ હતી, જેમાં, તેની પત્નીએ એક તોલાનું સોનાનું મંગળસૂત્ર, ૩૦ હજારની સોનાની બુટ્ટી, પગમાં પહેરવાના ચાંદીના વિંછીયા અને એક હજાર રોકડાં રૂપિયા ભરેલું પર્સ રાખ્યું હતું. શૉલ્ડર બેગને ઓશીકું બનાવીને દીકરી સૂઈ ગઈ હતી.
પરોઢે ફરિયાદી તેના કોચમાંથી પરિવારને મળવા એસ-વન કોચમાં આવ્યો ત્યારે આ શૉલ્ડર બેગ ગાયબ થઈ ગયેલી જણાઈ હતી. પરિવારની ઊંઘનો લાભ લઈને અજાણ્યો ચોર કળા કરી ગયો હતો, સહપ્રવાસીઓની પૂછપરછના આધારે ફરિયાદીએ આદિપુરથી ટ્રેનમાં બેઠેલાં કાળા શર્ટધારી અજાણ્યા યુવકે ચોરી કર્યાની શંકા દર્શાવી છે.
Share it on
|