કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ દુબઈ ગયેલા શિપીંગ બીઝનેસમેનના ગાંધીધામના બંધ રહેણાંક મકાનમાં ત્રાટકેલાં તસ્કરોએ ૪.૫૦ લાખ રોકડાં અને સોના ચાંદીના ઘરેણાં મળી ૮.૩૪ લાખની માલમતાની ચોરી કરતાં પોલીસમાં દોડધામ મચી ગઈ છે. શહેરના વૉર્ડ 7-Cમાં આવેલી ખુશી ગાર્ડન સોસાયટીમાં રહેતા જૈનિત ઠક્કરના ઘરમાં ચોરી થઈ હતી. ફરિયાદી ૧૭ ફેબ્રુઆરીએ ઘરને તાળું મારી દુબઈ ગયો હતો. ૧૯ની સવારે પડોશમાં રહેતા ફરિયાદીના મોટાભાઈએ તેને ફોન પર ચોરી થયા અંગે જાણ કરી હતી. ફરિયાદીએ દુબઈથી પરત ફરીને ચેક કરતાં તસ્કરો ઘરના તાળાં તોડીને રોકડાં સાડા ચાર લાખ અને ૩.૮૪ લાખના સોના ચાંદીના ઘરેણાં, સોનાના સિક્કા મળી ૮.૩૪ લાખની માલમતા ચોરી ગયાં હતાં. બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ચુડવામાં ફેક્ટરીમાંથી ૬૦ હજારની ચીજવસ્તુની ચોરી
ગાંધીધામના ચુડવા જવાહરનગરની ફેક્ટરીમાં ત્રાટકેલાં તસ્કરો ૬૦ હજારના મૂલ્યની ચીજવસ્તુ ચોરી ગયાં છે. ગાંધીધામ રહેતા ફરિયાદી હિરેન પંડ્યા જવાહરનગર ખાતે યશ એન્જિનિયરીંગ વર્કશોપ ધરાવે છે. ૨૧ ફેબ્રુઆરીની રાત્રે ૮ વાગ્યે વર્કશોપને તાળું મારીને તે ઘરે ગયાં હતાં. મધરાત્રે સવા બે વાગ્યે બાજુના વર્કશોપના માણસોએ ચોરી થયા અંગે જાણ કરી હતી. તસ્કરો ફરિયાદીના વર્કશોપમાંથી એસએસ પાઈપ, આઈ બીમ, લોખંડના સળિયા, સ્ટીલ પ્લેટ, લોખંડની એંગલો વગેરે મળી ૬૦ હજારની સાધન સામગ્રી ચોરી ગયાં હતાં. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
Share it on
|