|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના કિડાણાના એક યુવકે અકાળે મૃત્યુ પામેલી પત્નીના વિરહમાં પોતે પણ ત્રીજા દિવસે આપઘાત કરીને જીવ ત્યાગી દીધો છે. આ ઘટના વિશે જાણીને સૌ કોઈ ક્ષુબ્ધ થઈ ગયું છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ પડાણાના હરિઓમનગરમાં રહેતા ૨૮ વર્ષિય દિનેશ શંભુભાઈ મ્યાત્રાએ શનિવારે બપોરે એક વાગ્યા પૂર્વે ગમે ત્યારે ઘરના સીલીંગ ફેનમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે જાણ થતાં પરિવારજનો તેને રામબાગ હોસ્પિટલે લઈ ગયાં હતાં અને તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની તપાસ કરી રહેલા પો.સ.ઈ. નવઘણ બામ્ભાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં દિનેશે તેની પત્નીના વિયોગમાં જીવ ટૂંકાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
દિનેશની પત્ની જાગૃતિએ બુધવારે રાત્રે સાડા આઠના અરસામાં ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
દિનેશ અને જાગૃતિ વચ્ચેના લગ્નનો સમયગાળો છ વર્ષનો હોઈ નિયમ મુજબ તેની તપાસ અંજારના નાયબ પોલીસ અધીક્ષકને સોંપાઈ છે. જાગૃતિના આપઘાતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી ત્યાં પતિ દિનેશે પત્નીના મૃત્યુના ૬૫ કલાકમાં પોતે પણ જીવ દઈ દેતાં અરેરાટી છવાઈ ગઈ છે.
Share it on
|