|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ચના ચટપટી વેચનાર યુવકને યુક્તિપૂર્વક ભુજના મિરજાપર ગામની સીમમાં આવેલા દત્તેશ્વર મંદિર પાસે લઈ જઈને માર મારીને ચાર હજાર રોકડાં રૂપિયા અને પાંચ હજારનો મોબાઈલ ફોન લૂંટી લેવાયા છે. ગુનાનો ભોગ બનનાર યુવકે બનાવ અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે એક્ટિવા પર આવેલી નરેશ, કપિલ અને હાર્દિક નામધારી ત્રિપુટી સામે ગુનાહિત કાવતરું રચી, માર મારીને લૂંટ ચલાવવાની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. ભુજના જેષ્ઠાનગરમાં રહેતો ૩૮ વર્ષિય રનવીર રાઠોડ (રહે. મૂળ ફરિદાબાદ, ઉત્તર પ્રદેશ) છેલ્લાં ૨૦ વર્ષથી ચના ચટપટી વેચીને પેટિયું રળે છે. ગઈકાલે સવારે તે મોટર સાયકલ પર ચના ચટપટીની પેટી રાખીને ચોવીસીના ગામડાઓમાં ફેરી કરવા નીકળેલો. રાત્રે સાડા આઠના અરસામાં તે ભુજ મુંદરા રોડ પરથી પરત ભુજ આવી રહ્યો હતો.
શનિ મંદિર પાસે એક્ટિવા પર સવાર ત્રણ યુવકે તેને ઊભો રખાવીને ‘અમારા ઘરે મહેમાન આવ્યા છે, પ્રોગ્રામ છે, તેમને ચના ચટપટી ખવડાવવી છે, જે રૂપિયા થશે તે અમે આપી દઈશું’ કહીને તેમની જાળમાં ફસાવેલો.
ધંધો થવાની આશામાં રનવીરે હા પાડતાં ત્રણે જણે તેને એક્ટિવા પાછળ પાછળ આવવા જણાવીને મિરજાપર લઈ ગયેલા. મિરજાપરથી મોચીરાઈ રોડ થઈ દત્તેશ્વર મંદિરની પાસે લઈ આવેલાં. નિર્જન વિસ્તારમાં પહોંચી આવેલા રનવીરને શંકા જતા તેણે આગળ તેમની સાથે જવાનો ઈન્કાર કરેલો.
ત્રિપુટીએ એક્ટિવા પરથી ઉતરીને તેની મોટર સાયકલની ચાવી કાઢી, મુક્કા લાતો અને પથ્થરથી માર મારવાનું શરૂ કરીને ખિસ્સામાં રહેલો પાંચ હજારનો મોબાઈલ ફોન અને આખા દિવસના ધંધાનો ચાર હજાર રૂપિયાનો વકરો ભરેલું પર્સ કાઢી લીધા હતા.
મારકૂટના લીધે જમીન પર પડી ગયેલો રનવીર જેમ તેમ કરીને જીવ બચાવીને અંધારામાં લૂંટારાઓથી બચીને નાસ્યો હતો. થોડેક આગળ એક વાડીમાં વૃધ્ધ યુગલને આપવીતી વર્ણવી તેમનો મોબાઈલ ફોન લઈને ભુજમાં રહેતા ભાઈને ફોન કરી બનાવ અંગે જાણ કરેલી. તેનો ભાઈ સ્થળ પર દોડી આવીને તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યો હતો. મારકૂટ સમયે આરોપીઓ અંદરોઅંદર એકમેકના નામ બોલ્યાં હોઈ પોલીસે નરેશ, કપિલ અને હાર્દિક નામની ત્રિપુટી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|