click here to go to advertiser's link
Visitors :  
21-Oct-2025, Tuesday
Home -> Gandhidham -> Cyber fraud Retd GM of Indian Steel Company Anjar loses 1.10 Crore within 17 days
Wednesday, 01-Oct-2025 - Gandhidham 17920 views
ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડઃ અંજારની સ્ટીલ કંપનીના Retd GMએ ૧૭ દિ’માં ૧.૧૦ કરોડ ગુમાવ્યા
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાથી ઊંચુ વળતર મળવાની લાલચ આપી સાયબર ચીટર ગેંગ ભીમાસરની ઈન્ડિયન સ્ટીલ કંપનીના નિવૃત્ત સીનિઅર જનરલ મેનેજર પાસેથી ફક્ત ૧૭ દિવસમાં ૧.૧૦ કરોડ મેળવીને હજમ કરી ગઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે. ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને બનાવ અંગે ત્રણ જુદાં જુદાં મોબાઈલ નંબરધારકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફેસબૂક પર રીલ્સ જોતાં જાળમાં સપડાયાં

અંજારના વરસામેડીમાં બાગેશ્રી-5માં રહેતા ઈન્ડિયન સ્ટીલ કંપની, ભીમાસરમાં સીનિઅર જી.એમ. તરીકે નોકરી કરતા ૫૮ વર્ષિય રાજેશ નાથુલાલ ઓસતવાલ (મૂળ રહે. ઈન્દોર, મધ્યપ્રદેશ) ગત જૂલાઈ માસમાં નિવૃત થયેલાં. ફરિયાદી ફેસબૂક પર શેર માર્કેટને લગતી રીલ્સ અને પોસ્ટ અવારનવાર જોતા હતા.

ઑગસ્ટ માસમાં શેર માર્કેટ પર લખેલા પુસ્તકને પ્રમોટ કરવાનો અનુરોધ કરતી એક પોસ્ટ તેમણે જોયેલી. તેમાં આપેલી લિન્કને ટચ કરતાં તેમનો નંબર એક વોટસએપ ગૃપમાં એડ થયેલો.

વોટસએપ ગૃપના એડમિન જસ સિંઘે પોતે ફાઈનાન્સિયલ ઈકોનોમીમાં ડૉક્ટરેટ થયેલો હોવાનું અને સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરીને ત્રણસો ટકાથી વધુ વળતર મેળવ્યું હોવાના દાવા કરેલા. જસ સિંઘે ફરિયાદીને દસથી ત્રીસ ટકાનું વળતર મળવાની લાલચ આપીને સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરવા લાલચ આપીને કથિત કંપનીની રિયા નામની અન્ય એક વ્યક્તિનો મોબાઈલ નંબર મોકલેલો.

રોજ ૩૦ ટકા નફો થવાની લાલચ આપી એપ ડાઉનલોડ કરાવી

સાયબર ચીટરોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ એક એપ ડાઉનલોડ કરાવેલી. ફરિયાદીને દરરોજ ત્રીસ ટકા સુધીનો નફો થવાની લાલચ આપેલી. તેમની વાતોથી ભરમાઈને ફરિયાદીએ ૧૦-૦૯-૨૦૨૫થી પોતાના બેન્ક ખાતાંથી આરોપીઓએ આપેલા બેન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવીને રોકાણ કરવાનું શરૂ કરેલું. એપમાં ફરિયાદીના રોકાણ સામે રોજેરોજ નફા સાથે ઊંચી રકમનો આંકડો ડિસ્પ્લે થતો. મોટો નફો થઈ રહ્યો હોવાનું માનીને ફરિયાદીએ ૧૦ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર સુધીના ૧૭ દિવસ દરમિયાન દરરોજ લાખ્ખો રૂપિયા લેખે ૩૯ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ૧.૧૦ કરોડ રૂપિયા આરોપીઓએ જણાવેલાં જુદાં જુદાં ચાર બેન્ક ખાતામાં જમા કરાવેલાં.

૧.૧૦ કરોડ સામે નફા સાથે ૧૬.૪૮ કરોડ દેખાતા હતા

૧.૧૦ કરોડ સામે નફા સાથે ૧૬.૪૮ કરોડની રકમ દર્શાવાતી હતી. ૨૭મીએ ફરિયાદીએ એપ મારફતે નાણાં વિડ્રો કરવા પ્રયાસ કરતા તેમને ૧૪ લાખ રૂપિયા ભરવા જણાવાતાં તેમને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અંદાજ આવી ગયો હતો. બીજા દિવસે તેમણે ઓનલાઈન સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવેલી. જેના આધારે આજે સાયબર ક્રાઈમ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.

ભુજના તબીબે આ જ MOમાં ૪૧ લાખ ગુમાવેલાં

ભુજના જાણીતા ડૉક્ટર આનંદ ચૌધરીએ સાયબર ચીટરોની આવી જ સરખી મોડસ ઓપરેન્ડીથી ભરમાઈને ૪૧ લાખ રૂપિયા ગુમાવ્યાં હતા. જે અંગે ગત જૂન માસમાં તેમણે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સૂત્રધારો ભાગ્યે જ ઝડપાય છે

સામાન્યતઃ સાયબર ફ્રોડસ્ટર્સ જે બેન્ક ખાતાઓમાં રૂપિયા જમા કરાવે છે તે કમિશન કે ભાડેથી લેવાયેલાં અન્ય વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ (Mule Accounts) હોય છે. આ ગઠિયાઓ જે-તે બેન્ક ખાતાઓ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પરથી વાતચીત કરતા હોય છે અને તેના પર આવતા ઓટીપી વગેરેનો ઉપયોગ કરતા હોય છે.

બેન્ક ખાતાઓ અને મોબાઈલ નંબરના આધારે જે આરોપીઓ પકડાય છે તે વચેટિયા જેવા હોય છે.

બેન્ક એકાઉન્ટમાં જમા થતાં રૂપિયા હવાલા મારફતે મેળવનારા અસલી સૂત્રધારો ભાગ્યે જ ઝડપાય છે. અનેક કેસમાં સૂત્રધારો વિદેશમાં બેઠાં હોય છે.

Share it on
   

Recent News  
પાંચ લાખના હેરોઈન સાથે મધરાત્રે વરસામેડી બસ સ્ટોપ પર ઊભેલાં યુવકને પોલીસે ઝડપ્યો
 
નવરાત્રિ સમયે મુંદરામાં અઢી લાખની ચોરી કરનારો જામનગરનો રીઢો ચોર આ રીતે પકડાઈ ગયો
 
નકલી ડૉક્ટર બની કરોડોની ઠગાઈના ગુનાના આરોપી જૈનુલની દિવાળી પાલારામાં જ ઉજવાશે