કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અમદાવાદમાં કારચાલક પાસે તોડપાણી કરવાના આરોપી અને બાદમાં સજાના ભાગરૂપે કચ્છમાં લાકડીયા પોલીસ સ્ટેશનમાં બદલી થયેલાં વિવાદાસ્પદ કોન્સ્ટેબલ સામે અંતે લાકડીયા પોલીસ ઈન્સ્પેક્ટરે પોતાના જ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. કૌશલ મહેન્દ્રભાઈ ભટ્ટ (રહે. થલતેજ, અમદાવાદ) નામનો આ વિવાદાસ્પદ કોન્સ્ટેબલ ૨૦૨૨માં બદલી થયાં બાદ મનસ્વી રીતે સતત ગેરહાજર રહેતો હોઈ તેની સામે ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૪૫ (૨) હેઠળ PI વસાવાએ ફરિયાદ નોંધી છે. લોકસભા ચૂંટણી સમયે કૌશલ ઉપરી અધિકારીની મંજૂરી વગર મનસ્વીપણે ડ્યુટીમાં સતત ગેરહાજર રહ્યો છે. આમ તો બદલી થયાં બાદ છેલ્લાં બે વર્ષમાં તે અવારનવાર મનફાવે તેમ લાંબા સમય સુધી ગેરહાજર રહ્યો છે, લોકસભા ચૂંટણી સમયે તેની ગેરહાજરીએ પીઆઈને ગુનો નોંધવા ફરજ પાડી છે.
કૌશલ મહેન્દ્રભાઈ ભટ્ટની ૨૦૨૨માં પૂર્વ કચ્છ પોલીસ દળમાં બદલી થયેલી. ૯-૯-૨૦૨૨ના રોજ હેડ ક્વાર્ટરમાંથી કૌશલ ભટ્ટની લાકડીયા પોલીસ સ્ટેશનમાં બદલી થયેલી. ત્યારબાદ તેણે ઉપરી અધિકારીની રજા અત્યારસુધી મોટાભાગનો સમય મનસ્વીપણે ગેરહાજર રહ્યો છે.
૧૩-૦૭-૨૦૧૯ની રાત્રિના એલઆરડી જવાન જીગર સોલંકી સહિત બે પોલીસ કર્મીએ નિશિથ ગજ્જર નામના એક કારચાલકને ફૂલ સ્પીડમાં ગાડી કેમ ચલાવે છે કેમ કહીને અટકાવ્યો હતો.
નિશિથે દલીલ કરતાં બેઉ જણ તેને તમાચા મારીને ગાડીમાં બેસી ગયેલાં અને તેનો ફોન ઝૂંટવી લીધેલો. ત્યારબાદ નિશિથના ફોનમાં મેચ પર સટ્ટો રમતી એપ હોવાનું કહીને તેને જુગારધારામાં ફીટ કરી દેવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયામાં તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ નિશિથે તેના મિત્રના મિત્ર એવા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૌશલ ભટ્ટને મધ્યસ્થીમાં રાખીને બે લાખ આપી મામલાની પતાવટ કરી હતી.
દસ દિવસના વિલંબ બાદ નિશિથે કૌશલ ભટ્ટ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવેલી. ત્યારબાદ જીગર સોલંકી અને કૌશલ ભટ્ટ સ્યુસાઈડ નોટ લખીને અંડરગ્રાઉન્ડ થઈ ગયેલાં.નોટમાં તેમને ખોટાં કેસમાં સંડોવી દેવાયાં હોવાના તથા પીઆઈ અને એસીપી ત્રાસ આપતાં હોઈ કંટાળીને મરવા મજબૂર બન્યાં હોવાનું લખ્યું હતું. આ નોટના આધારે બેઉના પરિવારજનોએ સોલા પોલીસ સ્ટેશન અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પ્રયાસ કરેલો. પોલીસ ગૂમનોંધ લખી ગહન તપાસ કરેલી. બેઉ જણે પોલીસ અધિકારીઓને દબાણમાં લાવવા એક જ નોટના પાનામાંથી બે અલગ અલગ સ્યુસાઈડ નોટ લખી હોવાનું અને એક જ વ્યક્તિનું લખાણ હોવાનો વળતો આરોપ ખુલાસો થયેલો. ત્યારબાદ કૌશલે તેના વકીલ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરેલું.
Share it on
|