|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અમદાવાદમાં લોખંડના ભંગારની લે-વેચ કરતા વેપારીને ગાંધીધામમાં બોલાવીને, લોખંડ ભંગારના વાડાની મુલાકાત કરાવીને, સોદો નક્કી કરી ચાર જણ ૩.૬૦ લાખ રૂપિયા હજમ કરી ગયા હોવાનો બનાવ બહાર આવ્યો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુનાહિત કાવતરું રચીને છેતરપિંડી ઠગાઈ સબબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી ૩૨ વર્ષિય ભૌતિક ધમજી પટેલ અમદાવાદના ઓઢવમાં મશિન પાર્ટ મેન્યુફેક્ચરીંગની ફેક્ટરી ધરાવે છે, સાથોસાથ સ્ક્રેપની લે વેચનું કામ કરે છે. સ્ક્રેપ ખરીદવાના બહાને વેપારીને ગાંધીધામ બોલાવાયો
૮મી ઑગસ્ટે પીયૂષ ઊર્ફે કમલ નામના શખ્સે ફરિયાદીનો ફોન પર સંપર્ક કરી પોતે ગાંધીધામમાં સ્ક્રેપનો વેપારી હોવાનું જણાવીને ભંગાર ખરીદવો હોય તો અમારી પાસે માલ પડ્યો છે તેમ કહીને વાડામાં પડેલા ભંગારના ફોટા મોકલેલાં. ફરિયાદીને રસ પડતાં સોદો કરવા માટે રૂબરૂ ગાંધીધામ બોલાવેલો અને પડાણાના સર્વે નંબર ૨૧૬/૧ પ્લોટ નંબર ૧માં પડેલો સ્ક્રેપ બતાવેલો. ભંગારવાડા પર ત્યારે ધર્મેન્દ્રસિંહ અને બાબુભાઈ નામના બે માણસો પણ હાજર હતા.
પ્રતિ કિલોગ્રામ ૨૭.૭૫ રૂપિયાના ભાવે ડીલ નક્કી થયાં બાદ ટ્રકમાં માલ ભરાવીને વજનકાંટો કરાવેલો.
ટ્રકમાં ૧૮ હજાર ૬૦૦ કિલોગ્રામ સ્ક્રેપ ભરેલો હોઈ પીયૂષે ફરિયાદીને શ્રીરામ મિનરલ્સ એન્ડ કેમિકલ્સ નામની કંપનીનું જીએસટી નંબરવાળું ટેક્સ ઈનવોઈસ અને ઈ-વે બિલ મોકલીને ૬ લાખ ૯૦૫૭ રૂપિયા મોકલવા જણાવીને બેન્ક ખાતાની વિગત મોકલી હતી. ફરિયાદીએ બે ટકા ટીડીએસ કાપીને ખાતામાં ૫.૯૮ લાખ રૂપિયા આરટીજીએસથી જમા કરાવ્યાં હતા.
પેમેન્ટ કર્યા બાદ પણ ટ્રક વાડામાંથી બહાર ના નીકળી
પેમેન્ટ બાદ વાડામાંથી ટ્રક બહાર કાઢવા જતાં બાબુભાઈ નામના માણસે પોતાને પેમેન્ટ મળ્યું ના હોવાનું જણાવી ટ્રક બહાર જવા દીધી નહોતી. પીયૂષે ફરિયાદીને એક રાત રોકાઈ જવા અને સવારે તેને પેમેન્ટ કરી દેશે તેમ જણાવેલું. જો કે, બીજા દિવસે પણ પીયૂષે પેમેન્ટ કર્યું નહોતું અને બપોર પછી ફોન સ્વીચ ઑફ્ફ કરી દીધો હતો.
પો.સ્ટે.માં અરજી બાદ રૂપિયા પરત આપવાનો વાયદો
પોતાની સાથે ફ્રોડ થતાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી. ત્યારબાદ જયદીપસિંહ જાડેજા નામના શખ્સે ફરિયાદીનો ફોન પર સંપર્ક કરીને જણાવેલું કે તમને જે કંપનીનું ટેક્સ ઈનવોઈસ મળેલું અને તમે રૂપિયા જમા કરાવેલા તે કંપની મારા મિત્ર જગદીશ કુર્મીની છે. તમને રૂપિયા પાછાં મળી જશે. જેથી ફરિયાદીએ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.
૨.૩૮ લાખ પરત મળ્યાં પરંતુ એક લાખ ફ્રીઝ થયાં
જગદીશે ટુકડે ટુકડે ફરિયાદીને ૨.૩૮ લાખ રૂપિયા પરત આપેલાં. પરંતુ, તેમાંથી એક લાખ રૂપિયા પંજાબ સાયબર ક્રાઈમ સેલે ફ્રીઝ કરાવી દીધા છે. આ ટોળકી આ રીતે લોકોને ‘બાટલી’માં ઉતારતી હોવાનું પામી જઈને ભૌતિકે પીયૂષ ઊર્ફે કમલ, તેના એજન્ટ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જગદીશ કુર્મી અને જયદીપસિંહ જાડેજા વિરુધ્ધ તેમના મોબાઈલ નંબરો સહિતની વિગત સાથે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|