કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ નજીક આવેલા ભારાસર ગામે વૃધ્ધ એનઆરઆઈ દંપતીના બંધ ઘરમાંથી ૬૫ હજાર રોકડાં, ૨૩૦ પાઉન્ડ (૨૩ હજાર રૂપિયા) સાથે લાખ્ખોના મૂલ્યના ૩૦ તોલા સોનાના દાગીનાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. લંડનની નાગરિક્તા ધરાવતા ૭૦ વર્ષિય વીરબાળાબેન હિરાણી અને તેમના પતિ કલ્યાણભાઈ હાલ વતન ભારાસર આવ્યાં છે. તેમના બેઉ પુત્રો લંડનના હેરોમાં સ્થાયી થયેલાં છે. કલ્યાણભાઈને કમરમાં તકલીફ હોઈ શનિવારે ભુજની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલું. શનિવારે સાંજે પાંચ વાગ્યે વીરબાળાબેન ઘરના મેઈન ડોરને લૉક કરીને હોસ્પિટલે ગયેલાં અને રાત્રે હોસ્પિટલમાં રોકાઈ ગયેલાં. આજે સવારે નવ વાગ્યે ઘરે પાછાં ફર્યાં ત્યારે તાળાં તૂટેલાં હતા અને ઘરની અંદરના ત્રણ બેડરૂમના કબાટના દરવાજા ખૂલ્લાં હતાં. બધો સરસામાન વેરવિખેર પડ્યો હતો.
તેમણે તપાસ કરતાં સ્પષ્ટ થયું હતું કે તસ્કરો કબાટમાંથી રોકડ અને ૩૦ તોલા સોનાના વિવિધ ઘરેણાં મળીને ૯.૮૮ લાખની માલમતા ચોરી ગયાં છે. હાલ ૧ તોલા સોનાનો બજાર ભાવ ૭૦ હજાર રૂપિયા આસપાસ ચાલે છે જે મુજબ અંદાજે ૨૧ લાખના ઘરેણાંની ચોરી થઈ છે.
જો કે, પોલીસે ૧ તોલા સોનાના ભાવનું મૂલ્ય ફક્ત ૩૦ હજાર રૂપિયા આંકીને દાગીનાની કિંમત માંડ ૯ લાખ રૂપિયા આંકી છે! માંડવીમાં નિવૃત્ત દંપતીના બંધ ઘરમાં થયેલી ૨.૨૬ લાખની ઘરફોડ ચોરીના બનાવના સતત બીજા દિવસે બહાર આવેલા ચોરીના આ બનાવથી જાણે તસ્કરોએ પોલીસના અસ્તિત્વ સામે પડકાર ફેંક્યો છે.
Share it on
|