click here to go to advertiser's link
Visitors :  
03-May-2026, Sunday
Home -> Mundra -> Security guard beaten to death by officer for allegedly stealing Rs 4K in Mundra
Saturday, 03-Jan-2026 - Mundra 58514 views
મુંદરાઃ૪ હજારની ચોરી બદલ સિક્યોરીટી ગાર્ડને ફિલ્ડ ઑફિસરે ધોકા ફટકારી મારી નાખ્યો
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરામાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા ૨૨ વર્ષિય રાજસ્થાની યુવકને ચાર હજાર રૂપિયાની ચોરી કરવી ભારે પડી ગઈ છે. ચોરી બદલ સિક્યોરીટી કંપનીના ફિલ્ડ ઑફિસરે ધોકાથી ફટકારતાં માથામાં ગંભીર ઈજાઓ થવાથી યુવકનું મોત થયું છે. પોલીસે ફિલ્ડ ઑફિસર વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. મરણ જનાર વિશાલ સંદિપકુમાર મીણા રાજસ્થાનના માધોપુર પાસે આવેલા ગંભીરા ગામનો વતની હતો. બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો અને પરિણીત હતો.
દોઢ માસ અગાઉ નોકરી પર લાગેલો

પોતાના પિતરાઈ ભાઈ સહિત ગામના કેટલાંક યુવાનો મુંદરામાં મોટા કપાયામાં હોન્ડા શૉરૂમ પાછળ આવેલી જય દુર્ગા સિક્યોરીટી કંપનીમાં નોકરી કરતા હોઈ વિશાલ પણ દોઢ માસથી અહીં નોકરીએ લાગેલો.

ગુરુવારે ચાર હજારની ચોરી કરતા પકડાઈ ગયેલો

પહેલી જાન્યુઆરી, ગુરુવારના રોજ વિશાલ એક્ટિવ કાર્ગો નામની પેઢીના પોઈન્ટ પર નોકરી પર હતો ત્યારે એક ટ્રક ડ્રાઈવરના ચાર હજાર રૂપિયાની ચોરી કરી હતી. જો કે, તે રંગેહાથ પકડાઈ ગયો હતો અને પોતાનો ગુનો કબૂલીને તેણે રૂપિયા પરત આપી દીધા હતા.

ફિલ્ડ ઑફિસરે ધોકા ફટકારતાં મૃત્યુ નીપજ્યું

બનાવ અંગે જાણ થતાં કંપનીના ફિલ્ડ ઑફિસર દિનેશ નાથુલાલ મીણાએ વિશાલને નોકરી પરથી પરત તેના રૂમ પર બોલાવ્યો હતો. વિશાલ આવ્યા બાદ દિનેશે હાથમાં લાકડાનો મોટો ધોકો લઈને ચોરી બાબતે રૂમમાં તેની પૂછપરછ કરીને ધોકો ફટકારવાનું શરૂ કરેલું.

સાક્ષીઓએ કહ્યું કે લોહી નીકળ્યું છતાં માર મારતો હતો

બનાવને નજરે જોનાર વિશાલના ગામના રામલખન અને પપ્પુલાલે જણાવ્યું કે દિનેશે વિશાલને માથામાં જોરદાર ધોકો ફટકારતાં લોહી નીકળવા માંડેલું. અમે હાથ વડે તેનું માથું દાબી દીધેલું. ત્યારબાદ પણ દિનેશે વિશાલને ધોકાથી ફટકાર્યે રાખ્યો હતો. માર ખાધા બાદ રાત્રે ૧૧ વાગ્યે વિશાલ રૂમમાં જઈને સૂઈ ગયો હતો.

રાત્રે સૂઈ ગયાં બાદ વિશાલની સવાર જ ના પડી

શુક્રવારે સવારે છએક વાગ્યે સહકર્મીઓએ તેને ઉઠાડતાં તે ઉઠ્યો નહોતો. ૧૦૮ મારફતે તેને મુંદરાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયેલો. ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરેલો. બનાવ અંગે જાણ થતાં વિશાલના પિતા અને અન્ય સંબંધીઓ આજે સવારે મુંદરા દોડી આવ્યા હતા. વિશાલના માથા અને ડાબા કાન પાસે સૂકાઈ ગયેલું લોહી, બેઉ હાથ અને પગમાં મુઢ ઈજાના નિશાન તથા ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર જોઈને વિશાલના પિતાએ રામલખનની પૂછપરછ કરતાં દિનેશ મીણાએ ધોકાથી માર મારીને વિશાલને મારી નાખ્યો હોવાનું બહાર આવ્યું હતું.

આરોપીએ જ મૃતકને નોકરી પર લગાડેલો

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી દિનેશ મૃતક વિશાલનો કૌટુંબિક કાકા થતો હતો અને વિશાલને આ કંપનીમાં તેણે જ નોકરી પર લગાડેલો.

મુંદરા પોલીસે આરોપી સામે ગુનો નોંધી પકડી લીધો

મુંદરા પોલીસે દિનેશ મીણા સામે હત્યાની કલમો તળે ગુનો નોંધીને તેની અટક કરી લીધી છે. પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. ઠુંમર, પીએસઆઈ વી.એમ. ડામોર સહિતનો સ્ટાફ જરૂરી પંચનામા, પુરાવા એકઠાં કરવા સહિતની કામગીરીમાં પરોવાયો છે.

Share it on
   

Recent News