|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં માદરે વતન કચ્છથી લંડન પરત જઈ રહેલા કોડકી ગામના એનઆરઆઈ પરિવારના પિતા-પુત્ર અને માતાના મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે. મૂળ કોડકી ગામના વતની સુરેશભાઈ ધનજીભાઈ હિરાણી (પટેલ) (ઉ.વ. અંદાજે ૫૫) એકાદ માસ અગાઉ કોડકી ગામે આયોજીત સંપ્રદાયના ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા લંડનથી માતા રાધાબાઈ (ઉ.વ. ૮૫) અને પરિણીત પુત્ર અશ્વિન હિરાણી ઊર્ફે હેરિંગ્ટન (૨૬) સાથે આવ્યા હતા. આજે સપરિવાર તેઓ અમદાવાદથી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં બેસી પરત લંડન જવા નીકળ્યાં હતા. પ્લેન ક્રેશની ઘટનાના પગલે કોડકીમાં વસતાં નજીકના સ્વજનો ઘેરાં આઘાતમાં સરી પડ્યાં છે. આ ભયંકર દુર્ઘટનામાં ત્રણે જણના મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે. જો કે, આ અંગે હજુ સુધી સ્વજનોને કશી સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઈ નથી. સ્વજનો અમદાવાદ જવા રવાના થઈ ગયાં છે.
Share it on
|