કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીના પ્રેમીને યુવતીના પરિવારજનો સહિત સાત જણે ભેગાં મળીને હાથ પગ બાંધીને, રીક્ષામાં અપહરણ કરી લઈ જઈને, ઢોર માર માર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. યુવકને માર ખાતો જોઈ જાગૃત લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી જઈ તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ભુજની ભાગોળે મિરજાપરમાં રહેતો અને રાજકોટના બિલ્ડર ગૃપમાં નોકરી કરતા ૨૫ વર્ષિય વિરાજ સુરેશભાઈ જોશીને મિરજાપરની યુવતી જોડે પ્રેમ સંબંધ છે. ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી પ્રેમિકાને ગઈકાલે સવારે બાઈક પર બેસાડીને વિરાજ ભુજમાં ફરવા લઈ ગયો હતો. બપોરે અઢી વાગ્યે પ્રેમિકાને હોસ્પિટલમાં પરત મુકવા જતો હતો ત્યારે રસ્તામાં ઉમાનગર પાસે યુવતીના પિતા અને ભાઈએ તેને આંતરીને ઝઘડો કરી મારકૂટ શરૂ કરેલી.
ફિલ્મી ઢબે બંધક બનાવી અપહરણ કરી ઢોર માર માર્યો
મારથી બચવા વિરાજ બાઈકને પડતું મુૂકીને ભાગ્યો તો બે અજાણ્યા શખ્સે તેને પકડી લીધો હતો. યુવતીના પિતા અને ભાઈએ તેના હાથ પગ બાંધી દઈને ઓળખીતા રીક્ષાચાલકને ફોન કરી સ્થળ પર બોલાવ્યો હતો. રીક્ષામાં તેની મારકૂટ કરતાં કરતાં ભગવતી હોટેલ પાછળ મોમાય વોટર પ્લાન્ટ પાસે લઈ જવાયો હતો. ત્યાં વિરાજની પ્રેમિકાની માતા અને બહેન પણ આવી ગયા હતા.
હાથ પગ બાંધેલી હાલતમાં તેને પટમાં સૂવડાવીને સાતેય જણે ધોકા અને મુક્કા લાતોથી ઢોર માર માર્યો હતો.
યુવતીના પિતાએ તેને ધમકી આપી હતી કે ‘જો બીજીવાર મારી છોકરી જોડે કોઈપણ જાતનો સંબંધ રાખે તો જાનથી મારી નાખશું’ યુવકની રાડારાડના પગલે કોઈકે પોલીસને જાણ કરી દેતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને એમ્બ્યુલન્સ બોલાવી યુવકને જી.કે. જનરલમાં સારવાર માટે ખસેડ્યો હતો.
બંને હાથમાં ફ્રેક્ચર સહિત ઠેર ઠેર ઈજા
ભોગ બનનારને ડાબા હાથમાં અને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર સહિત પીઠ, ખભા, પગમાં ઈજાઓ પહોંચી છે. વિરાજ જોશીએ આપેલી ફરિયાદના આધારે ભુજ એ ડિવિઝન પોલીસે મિરજાપરના લાખાભાઈ રબારી, ધર્મેશ લાખાભાઈ રબારી, લાખાભાઈ રબારીની પત્ની અને દીકરી કિરણબેન, બે અજાણ્યા શખ્સો તથા અજાણ્યા રીક્ષાચાલક સહિત સાત લોકો સામે અપહરણ, ગેરકાયદે મંડળી બનાવી હુમલો કરવા સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|