|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં વિધાનસભા બેઠક દીઠ ચારથી પાંચ હજાર મતદારોનો નામ કમી કરાવવાનો જિલ્લા ભાજપે કારસો રચ્યો હોવાનો કચ્છ કોંગ્રેસે ગંભીર આરોપ કર્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે જિલ્લા ભાજપ કાર્યાલયમાંથી વિધાનસભા દીઠ ૨૫થી ૩૦ હજાર મતદારોના નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર ૭ ભરીને અંતિમ દિવસે દરેક મામલતદાર કચેરી અથવા પ્રાંત કચેરીએ રજૂ કરાયાં છે. મોટાભાગના મતદારો મુસ્લિમ વિસ્તારના લોકોના છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે આજે ભુજમાં પત્રકાર પરિષદ યોજી ગંભીર આરોપ કરતા જણાવ્યું કે જિલ્લા ચૂંટણી અધિકારી કે પ્રાંત અધિકારી અથવા બીએલઓ કોઈપણ નામ કમી કરતા પહેલાં જે-તે મતદારને નોટિસ આપી મતદારને સાંભળે. જો સાચાં લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવશે તો જવાબદાર અધિકારી સામે કોંગ્રેસ કાર્યવાહી કરશે તેવી ચીમકી હુંબલે ઉચ્ચારી છે.
છેલ્લાં દિવસે થોકબંધ રીતે ફોર્મ નંબર ૭ રજૂ કરાયાં
કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખે દરેક તાલુકામાં તેમના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક કરી દરેક બુથ પર કોઈપણ સંજોગોમાં પચાસ મત કમી કરાવવા માટે વાંધા રજૂ કરવા સૂચના આપી હતી, મોટાભાગના મુસ્લિમ મતદારોના નામો કમી કરવા માટેના વાંધા ફોર્મ નંબર સાત ભરી રજૂ કરવામાં આવ્યાં છે તેવો હુંબલે આરોપ કર્યો છે.
આ ખૂબ જ ગંભીર બાબત છે અને કચ્છના તમામ ગામોના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના દરેક બીએલઓને મળીને વિગતો મેળવી લે તેવો તેમણે અનુરોધ કર્યો છે.
મતદાર યાદી સુધારણાના છેલ્લાં દિવસે થોકબંધ રીતે ફોર્મ નંબર ૭ ભરીને ભાજપ કાર્યાલયમાંથી દરેક તાલુકા મથકેથી ચૂંટણી અધિકારીને રજૂ કરાયાં છે. જિલ્લા ચૂંટણી અધિકારી આ કામગીરી સાથે સંકળાયેલાં તાબાના અધિકારીઓને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કર્યા સિવાય એકપણ નામ કમી કરવામાં ના આવે તેવી સૂચના આપે તેવી કોંગ્રેસે વિનંતી કરી છે.
સાચાં વોટરના નામ ડિલિટ થયાં તો આમની જવાબદારી રહેશે
અધિકારીઓ કોઈ પણ પ્રભાવમાં આવ્યા સિવાય તટસ્થ અને ન્યાયીક રીતે કામ કરશે તેવી આશા રાખવામાં આવે છે. જો સાચાં નામ ક્યાંય પણ ડિલિટ થશે તો તેની જવાબદારી બીએલઓ અને એઆરઓની રહેશે તેવી ચેતવણી કોંગ્રેસે ઉચ્ચારી છે.
કોઈપણ વાંધેદાર માત્ર પાંચ ફોર્મ જ રજૂ કરી શકે છે ત્યારે ચૂંટણી અધિકારીઓએ એકસાથે આટલા બધા ફોર્મ એક જ વ્યક્તિ પાસેથી કેવી રીતે સ્વિકાર્યાં?
જો નિયમથી વિરુધ્ધ કોઈપણ કામગીરી કરીને ભાજપને ફાયદો પહોંચાડવાના કાર્યો કરવામાં આવશે તો તેવા જવાબદાર અધિકારીને હાઈકૉર્ટમાં પર્સનલ પાર્ટી બનાવીને કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરવા વ્યક્તિગત સ્પેશિયલ સ્યુટ દાવો દાખલ કરવામાં આવશે તેની નોંધ લેવા હુંબલે તમામ આરઓ અને એઆરઓને જણાવ્યું છે.
કલેક્ટર તપાસ કરી FIR નોંધાવે તેવી માગ
કચ્છ કોંગ્રેસે આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેક્ટરને ફોર્મ નંબર સાત મારફતે ખોટી વિગતો રજૂ કરી ભારતના બંધારણે દેશની જનતાને આપેલા મત અધિકારને છીનવી લેવાનો કારસો રચનારાંઓ સામે નિષ્પક્ષ તપાસ કરી ફોજદારી ફરિયાદ નોંધવા રજૂ કરી છે. અંતિમ દિવસે જે લોકો થોકબંધ અરજી સુપ્રત કરવા આવેલા તે લોકોના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા પણ વિનંતી કરાઈ છે.
પૂર્વ કલેક્ટરોના નામ કઈ રીતે યાદીમાં આવ્યાં?
મતદાર યાદી સુધારણામાં અનેક ક્ષતિઓ રહેલી હોવાનો આરોપ કરી કોંગ્રેસે જણાવ્યું કે અગાઉ કચ્છમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલાં અને હાલ અન્ય જિલ્લામાં ફરજ બજાવતા પૂર્વ કલેક્ટક અમિત અરોરા અને દિલીપ રાણાના નામો મતદાર યાદીના પ્રથમ ડ્રાફ્ટ લિસ્ટમાં આવેલાં છે.
આ નામો કઈ રીતે આવ્યાં છે? કોણે ફોર્મ રજૂ કર્યાં? ક્યાંથી ફોટો આવ્યો? ઘણી જગ્યાએ ભાઈના નામની સામે બહેનનું નામ અને મહિલાના ફોટો સામે પુરુષનું નામ આવેલું છે!
દરેક મતદાર પાસેથી ફોટો મેળવ્યો હોવા છતાં મતદાર યાદીમાં જૂના ફોટો જ આવેલા છે. ત્યારે નવા ફોટો મેળવવાની જરૂર શી હતી? મતદાર યાદીમાં અનેક છબરડાં છે અને ગામડાંમાં રહેતા ગરીબ, અભણ લોકોને તેની જાણકારી હોતી નથી. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી આવશે ત્યારે અનેક વિસંગતતાઓ સામે આવશે. આરોપના સમર્થનમાં કોંગ્રેસે વિસંગતતાવાળી નાનકડી મતદાર યાદી પણ રજૂ કરી છે.
ખુલાસાના બદલે ભાજપ પ્રમુખે કહ્યું ‘પછી વાત કરીએ’
વોટ ચોરીના કોંગ્રેસના આરોપ સંદર્ભે કચ્છખબરે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પહેલાં આખી વાત સાંભળી હતી અને પછી ‘એક જગ્યાએ બેઠો છું પછી વાત કરીએ’ કહી ફોન કાપી નાખ્યો હતો.
Share it on
|