|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાના બહાને સાયબર માફિયાઓની જાળમાં સપડાયેલાં ભુજના એક શિક્ષકે ફક્ત ૨૦ દિવસમાં જ ૩૨.૮૨ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. બોર્ડર રેન્જ સાયબર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરીને અજ્ઞાત સાયબર માફિયાઓને ટ્રેસ કરવા તપાસ શરૂ કરી છે. વોટસએપ ગૃપમાં રોજ ઈન્વેસ્ટમેન્ટની ટીપ્સ અપાતી
ભુજના ભાનુશાલીનગરમાં રહેતા અને ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા હિતેશ રસિકલાલ સોની (ઉ.વ. ૪૯)એ પોલીસને જણાવ્યું કે ૪-૧૧-૨૦૨૫ના રોજ અજાણ્યા નંબર પરથી તેમને એક વોટસએપ ગૃપમાં એડ કરવામાં આવ્યા હતા. આ વોટસએપ ગૃપમાં દરરોજ સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરવા માટેની ટીપ્સ અપાતી હતી. ORLBM LLC નામની આ કંપની તેનો સક્સેસ રેટ ખૂબ સારો હોવાનો દાવો કરતી હતી. ટીપ્સ જોઈને ફરિયાદી રોકાણ કરવા લલચાયેલાં.
૨૦ દિવસમાં ૩૨.૮૨ લાખનું રોકાણ કર્યું
ફરિયાદીએ ગૃપ એડમીનનો સંપર્ક કરતા તેણે એક એપ ઈન્સ્ટોલ કરાવીને બેન્ક ખાતાં સહિતની વિગતો મેળવેલી. આ એપ ડિજીટલ વૉલેટ હતી. વોટસએપ ગૃપમાં અપાતી ટીપ્સ મુજબ ફરિયાદીએ ૩-૧૨-૨૦૨૫થી ૨૩-૧૨-૨૦૨૫ના ૨૦ દિવસના સમયગાળા દરમિયાન ટુકડે ટુકડે આરોપીઓના બેન્ક ખાતામાં રોકાણ પેટે ૩૨.૮૨ લાખ રૂપિયા જમા કરાવ્યાં હતા. રોકાણ સામે સારું રિટર્ન દેખાતું હતું.
રકમ વિડ્રૉ કરવા ગયા ત્યારે બહાનું કરાયું
ફરિયાદીએ રકમ ઉપાડવા પ્રયાસ કરતા રકમ વિડ્રો થઈ નહોતી અને આરોપીઓએ તમારી IPOની રકમ ભરવાની હજુ પેન્ડિંગ છે તેમ કહેલું. પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાની શંકા જતા ફરિયાદીએ નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા ફોન નંબરધારકો અને બેન્ક ખાતાંધારકો સામે છેતરપિંડી સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. પીઆઈ લક્ષ્મણસિંહ પી. બોડાણાએ તપાસ હાથ ધરી છે.
Share it on
|