|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૬ વર્ષ ૬ માસની અનુસૂચિત જાતિની કિશોરીનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં ભુજની વિશેષ પોક્સો કૉર્ટે મોથાળાના યુવકને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. બનાવ ૨૭-૦૨-૨૦૨૫ના રોજ બન્યો હતો. અબડાસાના મોથાળા ગામનો સમીર દામગર ગુંસાઈ નામનો ૨૫ વર્ષિય યુવક કિશોરીને લગ્નની લાલચ આપી પોતાની બાઈક પર બેસાડી મોથાળાથી સામખિયાળી લઈ ગયો હતો. પરત આવતી વખતે ભુજ નખત્રાણા હાઈવે પરની હોટેલમાં રાત્રિ રોકાણ કરીને કિશોરી સાથે દુષ્કર્મ આચરેલું. આ અગાઉ પણ સમીરે લગ્નની લાલચ આપીને કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું હતું.
ઘટના અંગે નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોક્સો કૉર્ટના વિશેષ જજ જે.એ. ઠક્કરે સમીરને દોષી ઠેરવી વિવિધ કલમો તળે સખ્ત કેદ અને આર્થિક દંડ ફટકાર્યો છે.
કૉર્ટે વિવિધ કલમો તળે કેદ અને દંડની સજા કરી
કૉર્ટે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ સાથે ૩ હજારનો દંડ, કલમ ૮૭ હેઠળ ૫ વર્ષની સખ્ત કેદ સાથે પાંચ હજાર દંડ, પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદ સાથે ૨૫ હજાર દંડ ફટકાર્યો છે. કૉર્ટે એટ્રોસિટી એક્ટ તળે આરોપીને દોષી ઠેરવ્યો છે પરંતુ અલગથી કોઈ સજા સંભળાવી નથી.
આરોપીને કરવામાં આવેલા દંડની કુલ રકમ ૩૩ હજાર રૂપિયા વસૂલાત થયે ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા ઉપરાંત ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઑથોરીટીને ૪ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
કેસમાં ફરિયાદ પક્ષે ૨૬ દસ્તાવેજી પુરાવા અને ૧૬ સાક્ષી રજૂ કરાયાં હતા. જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|