|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સામત્રા ગામે ૬૦ વર્ષિય પતિને કેરોસીન છાંટી જીવતો સળગાવી હત્યા કરવાના ગુનાની આરોપી પત્ની કૈલાસ D/o કનુસિંહ ચૌહાણ (રહે. હિંમતનગર, બનાસકાંઠા)એ ચાર્જશીટ બાદ કરેલી નિયમિત જામીન અરજી સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. કૈલાસ પર આરોપ છે કે તેણે ભુજમાં મકાન ખરીદેલું. મકાન માટે ખૂટતાં પૈસા પતિ ધનજી ઊર્ફે ખીમજી વિશ્રામ કેરાઈ પાસે માગેલાં. પતિએ નાણાં આપવાનો ઈન્કાર કરતાં રોષે ભરાઈને પતિની હત્યા કરી હતી. બનાવ અંગે માનકૂવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. કૈલાસે પતિને ઘરના આંગણાંમાં આવેલા ગેરેજમાં બળજબરીથી લઈ જઈને કેરોસીન છાંટી સળગાવી દઈ ગેરેજનો દરવાજો બંધ કરી દીધો હતો. ગત ૧૦-૧૦-૨૦૨૫ના રોજ કૈલાસે પતિને જીવતો સળગાવેલો અને બીજા દિવસે સારવાર દરમિયાન પતિનું મૃત્યુ નીપજ્યું હતું.
ધનજીભાઈના પત્નીનું ચાર વર્ષ અગાઉ નિધન થયેલું. બનાવના દોઢ વર્ષ અગાઉ તેમણે કૈલાસ જોડે બીજું ઘર માંડેલું. કૈલાસના પણ ભુજમાં રહેતા અગાઉના પતિથી છૂટાછેડાં થયેલાં.
ગુનામાં કૈલાસની પ્રથમદર્શનીય સંડોવણી જણાઈ આવતી હોવાનું, જામીન પર છોડાય તો સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરી શકે તેવી શક્યતા હોવાનું, સમાજવિરોધી ગંભીર ગુનો હોવાનું જણાવીને ભુજના છઠ્ઠા અધિક સેશન્સ જજ વી.એ. બુધ્ધે અરજી ફગાવી દીધી છે. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજા અને મૂળ ફરિયાદ પક્ષે સીનિઅર એડવોકેટ આર.એસ. ગઢવીએ દલીલો કરી હતી.
Share it on
|