કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર તાલુકાના ખેડોઈ નજીક અંજાર મુંદરા હાઈવે પર સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં એક્ટિવા પર જઈ રહેલાં ૧૬ વર્ષિય કિશોર સહિત અંજારના ત્રણ યુવકોના ભારેખમ કન્ટેઈનર નીચે દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યાં છે.
આજે સવારે સવા ૧૧ના અરસામાં ઘટેલી આ દુર્ઘટનાએ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી સર્જી છે. મરણ જનાર યુવકો એક જ એક્ટિવા પર મુંદરા તરફ જતા હતા ત્યારે દુર્ઘટના ઘટી હતી. કન્ટેઈનર ટ્રેલરના ચાલકે રસ્તામાં પડેલો ખાડો બચાવવા જતા યુવકોને અડફેટે લીધા હતા અને બાદમાં તેણે કાબૂ ગુમાવી દેતાં ટ્રેલર ડિવાઈડર પર ચઢીને પલટી મારી ગયું હતું. બીજી તરફ, ટ્રેલર પર રહેલું વજનદાર કન્ટેઈનર એક્ટિવાસવાર યુવકો પર પડતાં ત્રણે તેની નીચે દબાઈ ગયાં હતા.
એક યુવકના થોડાં દિવસ અગાઉ લગ્ન થયેલાં
મૃતકોમાં અભિષેક ભાગવત પાટીલ (ઉ.વ. ૨૫, મેઘપર કુંભારડી, અંજાર), દિવ્ય મયૂરભાઈ પંડ્યા (ઉ.વ. ૨૧, રહે. અંજાર) અને નૈતિકગીરી જીતેશગીરી ગોસ્વામી (ઉ.વ. ૧૬, અંજાર)નો સમાવેશ થાય છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર દિવ્ય પંડ્યાના તો હજુ દસ બાર દિવસ અગાઉ જન્માષ્ટમી વખતે જ લગ્ન લેવાયાં હતા. મૃતકો યુવકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લવાઈ ત્યારે તેમના પરિવારજનોના હૈયાફાટ કલ્પાંતે સૌને હચમચાવી દીધા હતા.
Share it on
|