|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ પોતાના ટ્યુશન ક્લાસમાં આવતી ધોરણ ૧૧માં ભણતી ૧૭ વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવીને ભાગી જનારા આત્મિય વિદ્યાપીઠના પરિણીત લંપટ શિક્ષકને પોલીસે પંજાબના અમૃતસરમાંથી ઝડપી પાડ્યો છે. ગત ૦૨-૧૦-૨૦૨૪ના રોજ આરોપી નિખિલ વાસુદેવ સેવકાણી વિદ્યાર્થીનીને એક્ટિવા પર ભગાડી ભચાઉ લઈ ગયો હતો. અહીંથી તે કચ્છ બહાર નાસી ગયો હતો. ઘટનાને ગંભીરતાથી લઈ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમારે આપેલી સૂચનાના પગલે નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીએ આરોપી નિખિલને ગમે તે ભોગે દબોચી લેવા પીઆઈ એ.આર. ગોહિલના નેતૃત્વમાં ત્રણ ટીમનું ગઠન કર્યું હતું. દરમિયાન, આરોપી પંજાબના અમૃતસરમાં છૂપાયો હોવાનું લોકેટ થતાં અંજારના એક પીએસઆઈ સહિતની ટીમે અમૃતસર દોડી ગઈ હતી. અહીં વિવિધ હોટેલ ઢાબા અને મકાનોની તપાસ શરૂ કરીને એક હોટેલમાંથી નિખિલને અપહૃત છાત્રા સાથે ઝડપી પાડ્યો હતો.
નિખિલે અગાઉ લવ મેરેજ કરેલાં, પુત્રી જન્મી ને ભાગ્યો
મેઘપર બોરીચીના ઘનશ્યામનગરમાં રહેતો ૨૯ વર્ષિય નિખિલ સેવકાણી છાત્રાને ભગાડી જતાં ભારે ચકચાર સર્જાઈ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે નિખિલે લવ મેરેજ કરેલાં છે અને જે દિવસે છાત્રાને લઈને ભાગ્યો તેના આગલા દિવસે જ એક દીકરીનો પિતા બન્યો હતો. પોલીસે અપહૃત તરુણી તેના માવતરને સુપ્રત કરી દીધી છે.
Share it on
|