|
કચ્છખબરડૉટકોમ, ડેસ્કઃ ‘ભોજાણી બ્રધર્સ’ તરીકે જાણીતા ભુજના ક્રિકેટ ફેન્સની શરમજનક હરકતની જૂની વિડિયો ક્લિપ ફરી એકવાર ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન વાયરલ થઈ છે. ભુજની ભાગોળે આવેલા ભારાસર ગામના મૂળ વતની અને લંડનમાં સ્થાયી થયેલાં એનઆરઆઈ નરેન્દ્ર ભોજાણી, સુરેશ ભોજાણી અને હરિવદન ભોજાણી એ ત્રણ સગાં ભાઈ ભારતીય ટીમના જબરા ચાહક છે. ઈંગ્લેન્ડમાં કોઈપણ જગ્યાએ ભારતની મેચ હોય તીરંગાવાળો ભારતીય પોશાક પહેરીને ભોજાણી બ્રધર્સ અચૂકપણે સ્ટેડિયમમાં પહોંચી જાય છે. તેઓ ભારતીય ટીમને ચીઅર અપ કરે ત્યારે અવનવી વેશભૂષા અને ચેનચાળાના કારણે તમામ કેમેરા તેમના પર ફૉકસ થાય છે. પણ, આજથી દોઢ-બે વર્ષ અગાઉ નરેન્દ્ર ભોજાણીની એક વિચિત્ર હરકતે સૌને શરમજનક પરિસ્થિતિમાં મુકી દીધા હતા. ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ચાલુ મેચ દરમિયાન નરેન્દ્ર ભોજાણીએ સ્ટેડિયમમાં ખુરશી પર બેઠાં બેઠાં ગુપ્તાંગ કાઢીને પેશાબ કર્યો હતો. આ હરકત બાદ જાણે ભારતીય ટીમે જીત મેળવી હોય તેમ નરેન્દ્ર ઉભો થઈને નાચવા માંડ્યા હતો અને તેની આ હરકત બદલ અન્ય ભાઈઓએ પણ તેને ચીઅર અપ કર્યું હતું. તેમના પર સતત મંડાયેલા રહેતાં કેમેરામાં તેમની આ હરકત કેદ થઈ ગઈ હતી. હદ તો ત્યાં થઈ કે પોતાની આ હરકત બાદ તેમણે જાણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય તેમ સોશિયલ મિડીયા પર વિડિયો ક્લિપ પોસ્ટ કરી હતી!
જૂની વિડિયો ક્લિપ આ રીતે નવેસરથી વાયરલ થતાં ચકચાર
હાલ ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ત્યારે, ભોજાણીબંધુઓની આ શરમજનક હરકત ફરી એકવાર ઈંગ્લેન્ડ સહિત વિશ્વભરના ક્રિકેટ ફેન્સમાં વાયરલ થઈ છે. થોડાંક સમય અગાઉ ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં અમુક પાકિસ્તાની શખ્સોએ ભારતીય પોશાક પહેરીને ભારતને બદનામ કરવાના ઈરાદે આ ઘૃણાસ્પદ હરકત કરી તેવા સંદેશ સાથે જૂની વિડિયો ક્લિપ વાયરલ થઈ છે. કોઈકે તો વળી આ હરકત કરનારાં પાકિસ્તાનીઓ પકડાઈ ગયા હોવાનું અને લંડન પોલીસ અમુક શખ્સોને પકડીને લઈ જતી હોય તેવું ગતકડું’ય વહેતું કર્યું છે! તો, વળી સોશિયલ મિડીયા પરના ફેક મેસેજનું સત્ય શોધતી વિવિધ વેબસાઈટ્સ વળી ભોજાણી બ્રધર્સની અસલિયત સાથેની માહિતી શૅર કરી રહી છે. સરવાળે, ભોજાણી બ્રધર્સની શરમજનક હરકતની જૂની વિડિયો ક્લિપ ફરી નવેસરથી વાયરલ થઈ છે અને સૌ ક્રિકેટપ્રેમીઓને નીચાજોણું થઈ રહ્યું છે.
Share it on
|