click here to go to advertiser's link
Visitors :  
19-May-2024, Sunday
Home -> Vishesh -> Two news about the newsmakers become talk of the town today in Kutch
Saturday, 23-Mar-2024 - Bhuj 50584 views
કચ્છના છાપાંને સાંકળતી બે બાબત કચ્છના પત્રકારત્વજગત માટે કલંકરૂપ અને ચકચારી બની
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) રોજ સવાર પડે ને કચ્છની જનતા હાથમાં છાપું લઈને વાંચે છે તેવા બે અગ્રણી છાપાંને લગતી આજની બે કમનસીબ બાબત સમગ્ર કચ્છની પત્રકારત્વ આલમમાં ભારે ચકચારી અને ચર્ચાસ્પદ બની રહી છે. એક અખબારે ઉદ્યોગજગતની સંસ્થા સાથે મળીને કચ્છના ઉદ્યોગપતિઓને મુખ્યમંત્રીના હસ્તે એવૉર્ડ આપવા માટે યોજેલાં ભવ્ય સમારોહમાં છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી જ ના આવતાં આખો કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો.

ચર્ચા એ છે કે મુખ્યમંત્રીએ હેતુપૂર્વક કાર્યક્રમમાં આવવાનું ટાળેલું. સાચું-ખોટું કોઈ જાણતું નથી કારણ કે આ મામલે ઉભય પક્ષે કોઈ જાહેર ખુલાસો જોવા મળ્યો નથી. સમારોહ મોકૂફીની ઘટના અંગે કેટલાંક ઉદ્યોગપતિઓએ દબાતાં અવાજે નારાજગી પણ દર્શાવી.

મહિનાઓ અગાઉથી લાખ્ખોના ખર્ચે મોટી ઈવેન્ટ યોજાતી હોય, મોટી મોટી જાહેરાતો છાપીને પ્રચાર પબ્લિસીટી થયાં હોય અને સાવ છેલ્લી ઘડીએ કાર્યક્રમ મોકૂફ રહે તે બાબત દુર્ભાગ્યપૂર્ણ તો છે જ.

હજુ આ બાબતની ચર્ચા અને ચકચાર શમી નહોતી ત્યાં અન્ય એક અગ્રણી અખબારના તંત્રીએ પોતાની બાયલાઈન (છાપાંની ભાષાનો ટેકનિકલ શબ્દ છે જેમાં રીપોર્ટરનું નામ લખાતું હોય છે) સાથે છાપેલાં એક ચોક્કસ ગામના સમાચારથી આ ગામનાં લોકો રીતસર ભડકી ઊઠ્યાં. ઉશ્કેરાયેલાં લોકોએ તંત્રીને ફોન પર ફોન કરવાનું શરૂ કરીને ગમે તેવા વેણ સંભળાવવાનું શરૂ કરી દીધું.

તંત્રી પોતે ગામમાં દોડી ગયાં અને સૌની સમક્ષ મૌખિક અને લેખીત માફી માંગી. ઉશ્કેરાયેલાં લોકોએ તંત્રીની નજર સમક્ષ જ તેમણે લખેલા સમાચારનું છાપું સળગાવીને પગ નીચે રગદોળ્યું.

આ ઘટનાની વીડિયો અને ઑડિયો ક્લિપ્સ કચ્છના સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે. વડોદરાના પ્રખ્યાત ગુજરાતી શાયર, ગઝલકાર પદ્મશ્રી મર્હૂમ ખલીલ ધનતેજવીએ લખેલી ગઝલના ‘મત્લા’ને તંત્રીએ હેડિંગ બનાવેલું. આખા અહેવાલનો સૂર પણ ‘મત્લા’ને અનુરૂપ હતો.

આ બેઉ બાબતોથી મુખ્ય મુદ્દો એ ઉભરી આવે છે કે એક સમયે  જે વ્યવસાયને સમાજ પવિત્ર ગણતો હતો તે પત્રકારત્વ અને પત્રકારો પ્રત્યેનો આદર શું લુપ્ત થઈ ગયો છે? શું પત્રકારત્વ હવે મિશનના બદલે કમિશનમાં પરિવર્તિત થઈ ગયું છે? દરેક ક્ષેત્રની વ્યક્તિ પાસે અંગત અને જાહેર અનુભવોના આધારે આ પ્રશ્નોના જવાબ અલગ અલગ છે. પરંતુ, આજના સ્પર્ધાત્મક યુગમાં પત્રકારત્વનું પવિત્ર પોત ઘસાઈ ચૂક્યું છે તે હકીકત છે.

એક જમાનામાં કાર્ટૂનીસ્ટને પત્રકાર કે શિક્ષકનું કેરીકેચર તૈયાર કરવું હોય તો ખભે લટકતો થેલો, ખમીસમાં દાગેલી પેન અને સાયકલનું રેખાચિત્ર દોરે એટલે આપોઆપ સૌ કોઈ તે ચિત્ર શિક્ષક કે પત્રકારનું હોવાનું માની લેતું.

જમાનો બદલાયો છે. આજે સારી સંસ્થાઓમાં કામ કરતાં પત્રકારોના વેતન અને ભથ્થાં લાખ કે તેથી ઉપર પહોંચ્યાં છે. પરંતુ, ઉપરની ‘આડી આવક’ની લાલચ આ વ્યવસાયને લૂણો લગાડી રહી છે.

પૈસા મળતાં હોય તો સફેદપોશ લૂંટારાને સમાજસેવી તરીકે ચીતરવો અને ના મળતાં હોય તો ગમે તેવા પ્રામાણિક અને સત્યનિષ્ઠ લોકોનું ચારિત્ર્યહનન કરવું તે પ્રકારની પ્રવૃત્તિ કચ્છ જ નહીં સર્વત્ર જોવા મળી રહી છે.

૧૯૯૬માં હું જ્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઑફ જર્નાલિઝ્મનો અભ્યાસ કરતો હતો ત્યારે ભણાવવા આવતાં મોટા ગજાના વરિષ્ઠ તંત્રીઓ અને પત્રકારો કાયમ કહેતાં કે શીખ આપતાં કે પત્રકાર એ સત્યના મિશન પર નીકળેલો સિપાહી છે. પત્રકાર કોઈથી પ્રભાવિત થવો ના જોઈએ અને તેણે કોઈ અંગે પૂર્વગ્રહ રાખી સમાચાર લેખન ના કરવું જોઈએ. પત્રકાર ભાષાનો વાહક છે તેથી તેની ભાષા સાચી હોય, શુધ્ધ હોય, સમૃધ્ધ હોય તે પાયાનો ગુણ છે. અહેવાલમાં લખેલો એક એક શબ્દ સચોટ અને જનતાના હૃદય સોંસરવો ઉતરી જવો જોઈએ.

આજે સોશિયલ મીડિયાના યુગમાં દરેક જિલ્લે, દરેક તાલુકે, દરેક ગામડે તો ઠીક ગલી-ગલીએ પત્રકારત્વની દુકાનો ફૂટી નીકળી છે. એકથી વધુ ગંભીર ગુનાઓની હિસ્ટ્રી હોય, કૉર્ટે સજા ફટકારી હોય તેવા અનેક હિસ્ટ્રીશીટર્સ આ પવિત્ર વ્યવસાયમાં ઘૂસી આવ્યાં છે.

આવા અનેક લોકો સવાર પડે કે કલમ અને કેમેરાને બંદૂક બનાવીને તોડ કરવા નીકળી પડે છે. ઘણાં સોફિસ્ટીકેટેડ સ્વઘોષીત પત્રકારો ખુલ્લેઆમ તોડ કરવાના બદલે કોન્ટ્રાક્ટો મેળવવા વગદાર રાજકીય નેતાઓ કે સરકારી તંત્રોની ઑફિસે ભટકે છે, ઘણાં આરટીઆઈના નામે લોકોને દબાવવા ફરે છે.

ગોરખધંધા અને ભ્રષ્ટાચાર કરનારાં લોકો વાદ-વિવાદના ડરે થોડો ઘણો ‘ટૂકડો’ ફેંકી દે છે તેથી પત્રકારત્વ નામની દુકાનોનો ઉકરડો રાજકુંવરની જેમ સતત વધી રહ્યો છે!

ભાષાના નિમ્ન સ્તર વિશે કલ્પના કરવી જ કપરી છે. ઘ ઘરનો ઘ અને ધ ધજાના ધની ખબર ના હોય, ઝાડી અને જાડી જેવા સામાન્ય શબ્દો વચ્ચેનો ભેદ કે ઉચ્ચારનું ભાન ના હોય તેવા નંગો પણ પત્રકાર કે તંત્રી બનીને ફરે છે!

ઘણાં મોટાં અખબારી સમૂહો હવે જાહેરખબરોથી જાણે પેટ ભરાતું ના હોય તેમ જાત-ભાતની ઈવેન્ટ યોજવા માંડ્યાં છે. જેમાં સ્પોન્સરશીપથી લઈ કાર્યક્રમના કેન્દ્રમાં જે હોય તેની પાસેથી મોટી રકમ મેળવાય છે. ગુજરાતનાં કેટલાંક અખબારોના તંત્રીઓનું નામ તેમના છાપાંમાં તમે ભાગ્યે જ જોયું હશે પરંતુ જિલ્લાસ્તરે આજકાલ એવા તંત્રીઓ પણ જોવા મળે છે કે જે રોજેરોજ કોઈને કોઈ કાર્યક્રમમાં અતિથિ તરીકે હાજરી આપે અને રોજેરોજ પોતાના નામ અને ફોટો સાથેના પોતાના જ છાપામાં ત્રણ કૉલમ સમાચાર છાપે! 

કાર્યક્રમના ચાલાક આયોજકો પણ પોતાની ઈવેન્ટની મફતમાં પબ્લિસીટી મેળવવા આવા આત્મમુગ્ધ તંત્રીઓને કાર્યક્રમમાં સ્ટેજ પર અચૂક સ્થાન આપે છે.

સૌથી છેલ્લે આંખે ઊડીને વળગે તેવો મૂળભૂત ભેદ એ જોવા મળે છે કે મુખ્ય પ્રવાહના માધ્યમો ખાસ કરીને અખબારો હાર્ડ ન્યૂઝ સિવાય ફાલતું પ્રેસનોટ છાપતાં નથી પરંતુ જિલ્લાસ્તરના અખબારોમાં માંડ એક-બે હાર્ડકોર ન્યૂઝ સિવાય પ્રેસનોટની જ ભરમાર હોય છે! ઘણાં તો સરકારની પ્રસિધ્ધિ કરતી માહિતી ખાતાની પ્રેસનોટો કે રાજકીય પક્ષોએ મોકલેલી પ્રેસનોટને જ મુખ્ય સમાચાર બનાવી નાખે છે! સવાલ સંસાધનની મર્યાદાનો નહીં પણ સીમિત અને સંકુચિત દ્રષ્ટિકોણનો છે.

Share it on
   

Recent News  
માધાપરના યુવકને મરવા મજબૂર કરનાર હનીટ્રેપકાંડની નાયિકાની જામીન અરજી નામંજૂર
 
ધાણેટી નજીક ટ્રકે પેટ્રોલ પંપ પર અચાનક ટર્ન મારતાં મોપેડસવાર દંપતી કચડાઈ ગયું
 
ફાયર NOC વગર ચાલતાં ભુજના સિનેમાગૃહમાં સ્હેજમાં ભીષણ ‘ઉપહારકાંડ’ થતો અટકી ગયો