કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ વાગડમાં બાવડાંના બળે બેફામ રીતે થઈ રહેલી ખનિજ ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ગાગોદરમાં રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને ખાણ ખનિજ ખાતાની ફ્લાઈંગ સ્ક્વૉડે ચાઈના ક્લે ભરેલી બે ટ્રકો કબજે કરી પરંતુ ખનિજ ખનન કરતું એક્સકેવેટર મશીન ખનિજ માફિયા તેના સાગરીતોનું ટોળું ભેગું કરીને દાદાગીરી કરીને હંકારી ગયો હતો.
જો કે, પોલીસની મદદથી ફ્લાઈંગ સ્કવૉડે સ્થળ પરથી હંકારી જવાયેલું એક્સકેવેટર મશીન શોધી કાઢીને તેની સાથે ખનિજ ચોરીમાં વપરાતાં વધુ બે એક્સકેવેટર કબજે કર્યાં છે.
કલેક્ટરની સૂચના બાદ ફ્લાઈંગ સ્ક્વૉડની તપાસ
ગાગોદરમાં ખનિજ માફિયાઓ સરકારી તંત્રોનો કશો જ ડર રાખ્યાં વગર બિન્ધાસ્ત રીતે ચાઈના ક્લેનું ખનન અને પરિવહન કરતાં હોવાની વ્યાપક ફરિયાદોના પગલે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં ફ્લાઈંગ સ્ક્વૉડે મધરાત્રે આકસ્મિક ચેકિંગ હાથ ધરેલું. ગેરકાયદે ખનિજ ચોરી કરતા એક્સકેવેટર મશીન અને ચાઈના ક્લે ભરેલી બે ટ્રકો કબજે કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, એક્સકેવેટરનો માલિક અને તેના સાગરીતે સ્થળ પર ટોળું એકઠું કરીને, ફ્લાઈંગ સ્ક્વૉડ જોડે ધાક ધમકી કરી રાતના અંધારામાં એક્સકેવેટર હંકારી ગયો હતો.
ત્રણ એક્સકેવેટર અને બે ટ્રકો કબજે કરાઈ
બનાવ અંગે ફ્લાઈંગ સ્ક્વૉડે ભચાઉ ડીવાયએસપીને જાણ કરીને ગાગોદર પોલીસની મદદથી આજે આ એક્સકેવેટરને લોકેટ કરી કબજે કર્યું હતું. એટલું જ નહીં, ખનિજ ચોરી માટે વપરાતાં વધુ બે એક્સકેવેટર પણ કબજે કર્યાં છે. ત્રણ એક્સકેવેટર અને બે ટ્રકો ગાગોદર પોલીસની કસ્ટડીમાં રખાઈને ખનિજ ચોરો સામે કાયદેસર દંડનીય પ્રક્રિયા હાથ ધરાઈ છે.
Share it on
|