click here to go to advertiser's link
Visitors :  
16-Jun-2025, Monday
Home -> Vishesh -> Shcoking 15 year old minor abducted abused and tortured in police custody at Kothara
Monday, 26-May-2025 - Bhuj 34956 views
કોઠારા પોલીસે માઈનોર છોકરાને ઉપાડી ગુનો કબૂલાવવા નાગો કરી મારીને વીડિયો ઉતાર્યો
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) મુંદરા પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૧માં ચોરીના આરોપમાં ત્રણ ગઢવી યુવકોની ગેરકાયદે અટક કરી, ગોંધી રાખી અમાનુષી ત્રાસ ગુજારી બે જણને મારી નાખવાના  કસ્ટોડિયલ ડેથના ચકચારી બનાવ બાદ પણ કચ્છ પોલીસે જાણે કોઈ ધડો લીધો નથી.
Video :
હવે કોઠારા પોલીસે ધોરણ ૯માં ભણતાં ૧૫ વર્ષના એક કિશોરને ચોરીના આરોપમાં ઉપાડી જઈને ગુનો કબૂલાવવા માટે નગ્ન કરી મારકૂટ કરી, તેની નગ્ન વીડિયો ક્લિપ રેકોર્ડ કરીને વાયરલ કરી હોવાનો ગંભીર બનાવ બહાર આવ્યો છે.
ડુમરા ઓપીમાં નાગો કરી માર મારી વીડિયો બનાવ્યો

અબડાસાના મોટા કરોડિયા ગામના ૧૫ વર્ષના કિશોરને ૧૭ મેની બપોરે કોઠારાના પ્રતાપસિંહ નામના કોન્સ્ટેબલે ફોન કરી મળવા બોલાવ્યો હતો. પોતે બહારગામ હોવાનું કહીને કિશોર મળવા ગયો નહોતો. થોડીકવાર બાદ તે મોટર સાયકલ લઈને ગામમાંથી જતો હતો ત્યારે ગામના મહિલા સરપંચના શિક્ષક પતિ વાલજી લક્ષ્મણ ગઢવી ઊર્ફે માસ્તરે તેને પકડાવી દીધો હતો.

પોલીસ તેને ઉપાડીને જીપમાં નાખી ડુમરા આઉટપોસ્ટ લઈ ગઈ હતી.

અહીં ત્રણ પોલીસ કર્મચારીએ પવનચક્કીને લગતી ચોરીનો કોઈ ગુનો કબૂલાવવા માટે કિશોરને નગ્ન કરીને અસહ્ય માર મારી તેની નગ્નાવસ્થાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો ગામમાં વાયરલ કરવાની ધમકી આપેલી.

કોઠારા પોલીસ સ્ટેશનમાં ફરી મારકૂટ કરાઈ

ત્યારબાદ કિશોરને કોઠારા પોલીસ મથકે લઈ જવાયો હતો. અહીં માસ્તર પણ હાજર હતો. પોલીસ મથકમાં ફરી તેની મારકૂટ કરાયેલી. એક પોલીસવાળો તેના પગ પર ઊભો રહી ગયેલો અને બીજાઓએ તેને પટ્ટાથી માર માર્યો હતો. ત્યારબાદ કિશોરને ભુજ લઈ આવ્યાં હતાં. રસ્તામાં કિશોરે પીવાનું પાણી માંગતા એક પોલીસવાળાએ તેના મોઢાં પર પાણીની બાટલી ફટકારી હતી. રાત્રે કિશોરને ભુજના કોટાયા ગામ નજીક ઉતારી પોલીસવાળા જતાં રહ્યાં હતાં.

સરપંચનો શિક્ષક પતિ છોકરાને ચોર ગણાવતો ફરે છે

કિશોરના પિતાએ એક વીડિયોમાં આરોપ કર્યો છે કે વાલજી માસ્તરે તેમના પુત્રને ખોટી રીતે પકડાવી, તે ચોર હોવાનું કહીને ગામમાં વીડિયો વાયરલ કરીને તેને બદનામ કરી રહ્યો છે.

દસ દિ જૂનો બનાવ છતાં પોલીસ નિષ્ક્રિય

દસ દિવસ જૂનો આ ગંભીર બનાવ કચ્છ ચારણ સભાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ પોલીસ ઈન્સ્પેક્ટર વિજય ગઢવીના ધ્યાને આવતાં તેમણે ૨૨ મે ગુરુવારના રોજ કોઠારા પીઆઈને રૂબરૂ રજૂઆત કરી ફરિયાદ દાખલ કરવા લેખિત રજૂઆત કરેલી. એટલું જ નહીં, એસપીને પણ રજૂઆત કરેલી, છતાં પોલીસ તંત્રના પેટનું પાણી હલ્યું નથી અને જવાબદાર પોલીસ કર્મચારીઓ અને વાલજી માસ્તર સામે કોઈ જ પગલાં લેવાયાં નથી. ગઢવીએ જણાવ્યું કે ઘટનાની આ કિશોરના માનસ પર એવી ગંભીર અસર પડી છે કે ગાડી જૂએ તો પણ ગભરાઈ જાય છે.

કોઈના બાપનું રાજ નથી.. ગઢવીનો આક્રોશ

પોલીસની નિષ્ક્રિયતાથી રોષે ભરાઈને વિજય ગઢવીએ સોશિયલ મીડિયા પર તેમનું બયાન પોસ્ટ કરતાં જણાવ્યું છે કે આ કોઈના બાપનું રાજ નથી કે આ રીતે પોલીસ કોઈના છોકરાને ઉપાડી જઈ, નાગો કરી માર મારે. પોલીસને ખનિજ ચોરી, દારૂ જુગારના ધંધા દેખાતાં નથી. આવી જોહૂકમી પોલીસ કરતી રહેશે તો સામાન્ય માણસનું જીવવું દુષ્કર થઈ જશે અને આ બનાવને સૌ સમાજે ગંભીરતાથી લેવો પડે. જો પોલીસ તંત્ર કોઈ પગલાં નહીં લે તો પોતે કાયદેસર કાર્યવાહી કરશે.

વિલંબ બદલ જવાબદારો સામે પણ પગલાંની જોગવાઈ

ભારતીય કાયદા મુજબ ૧૮ વર્ષથી ઓછી વયના કિશોરો માઈનોર ગણાય છે. તેમની સામે કોઈ ગંભીર ગુનાનો આરોપ હોય તો પણ તેમની ધરપકડ કરવાની જોગવાઈ નથી. ત્યારે, કોઠારા પોલીસનું આ કરતૂત ભારતીય ન્યાય સંહિતા ઉપરાંત પોક્સો, જૂવેનાઈલ જસ્ટીસ એક્ટ, આઈટી એક્ટ જેવા વિશેષ ગુનાઓની જોગવાઈઓ મુજબ ગંભીર ગુનો બને છે અને જવાબદારો સામે જો એફઆઈઆર દાખલ કરવામાં વિલંબ થાય તો તે બદલ પણ ઉચ્ચ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની જોગવાઈઓ છે.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં વિવિધ ૩ દરોડામાં જાહેરમાં જુગાર રમતી ૧૩ મહિલા સહિત ૨૧ ખેલી ઝડપાયાં
 
લાકડીયા નજીક અજાણી કમભાગી માતાએ નવજાત દીકરાને ઉકરડામાં જીવતો ત્યજી દીધો
 
અફીણ વાવનાર ગેડીના શખ્સે ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી ભુજ NDPS કૉર્ટે ફગાવી