click here to go to advertiser's link
Visitors :  
23-Mar-2025, Sunday
Home -> Vishesh -> Bhuj Court confirms order of Nakhtrana JMFC to release seized food grains
Friday, 17-May-2024 - Bhuj 50321 views
મોટા ધાવડામાં પકડાયેલાં સરકારી અનાજ મામલે તંત્રએ ધરાર કશી કાર્યવાહી જ ના કરી!
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) ગરીબોને મહિને પાંચ કિલો મફત અનાજ આપવાની યોજનાના નામે કેન્દ્રની મોદી સરકાર દેશભરમાં વોટ માંગે છે, પણ, કચ્છમાં નેતાઓના પાપે ગરીબોના પેટનું અનાજ બારોબાર ખુલ્લાં માર્કેટમાં પધરાઈ રહ્યું છે. જવાબદાર તંત્રો કશી જ કાર્યવાહી કરતાં નથી. જો ભૂલેચૂકે માલ પકડાય તો કશી કાર્યવાહી જ કરાતી નથી. કચ્છનો આ વધુ એક દાખલો જાણીને તમે ચોંકી ઉઠશો.
ગામના સરપંચે વાડીમાં જઈ માલ પકડાવેલો

૨૦-૦૨-૨૦૨૪ના રોજ નખત્રાણાના મોટા ધાવડા ગામની સીમમાં મોહન ભગતની વાડીમાં સરકારી સસ્તાં અનાજની ઘાલમેલ થતી હોવાની માહિતીના પગલે ગામના મહિલા સરપંચ લીલાબેન ગોસ્વામી ગ્રામ પંચાયતના અન્ય સદસ્યો સાથે વાડીએ દોડી ગયેલાં. અહીં એક ટેમ્પોમાં અંદાજે અઢી લાખના મૂલ્યના ૧૯૫ બોરી ચોખા, ૨૩ બોરી ચણા અને ૫ બોરી બાજરીનો જથ્થો પડ્યો હતો. લીલાબેને વાડીમાલિક મોહન ભગતને પૂછ્યું કે આ અનાજનો જથ્થો કોનો છે? તો મોહને નખત્રાણાના મણિનગરમાં રહેતા મૂળ અબડાસાના ખાનાયના વેપારી જેઠુભા ભખરસિંહ સોઢાનો હોવાનું કહેલું. લીલાબેને તત્કાળ પોલીસને જાણ કરી સ્થળ પર બોલાવી લીધેલી.

પોલીસે સરપંચ જોડે આરોપી જેવો વહેવાર કરેલો

મામલાની જાણ થતાં જેઠુભા પણ સ્થળ પર દોડી આવ્યો હતો. લીલાબેને આરોપ કરેલો કે અનાજનો જથ્થો સરકારી રાશનની દુકાનનો હોવાની શંકા હતી. પરંતુ, પોલીસ સ્થળ પર કોઈ પંચનામું કર્યાં વગર ટેમ્પો પોલીસ સ્ટેશને લઈ ગયેલી. જેઠુભાએ સ્થળ પર આવીને લીલાબેન સહિતના લોકો સાથે ધાક-ધમકી કરેલી અને એક મોટા નેતા સાથે ફોન પર વાત કરાવી લીલાબેનને દબાવવા પ્રયાસ કરેલો. પોલીસ પણ જેઠુભાના ઈશારે તેમની સાથે આરોપી હોય તેવો વહેવાર કરેલો.

ચોખાનો જથ્થો સરકારી અનાજ હોવાનું સ્પષ્ટ થયેલું

સમગ્ર મામલો અખબારોમાં ચગતાં જિલ્લા કલેક્ટરે પુરવઠા તંત્રને તપાસ કરવા કહેલું. બીજી તરફ, નખત્રાણા પોલીસ મથકના જમાદારે CrPC ૧૦૨ હેઠળ અનાજના જથ્થાને ‘શક પડતાં મુદ્દામાલ’ તરીકે જપ્ત કરી ચોપડે નોંધ પાડી તપાસ પુરવઠા મામલતદારને સોંપી દીધી હતી. પુરવઠા વિભાગે અનાજ સરકારી છે કે કેમ તે જાણવા તેના નમુના ફૂડ રીસર્ચ લેબમાં મોકલ્યાં હતાં. લેબના રીપોર્ટ મુજબ ચોખામાં ફોર્ટીફિકેશન થયેલું હોઈ તે સરકારી માલ હોવાનો ઘટસ્ફોટ થયેલો. જેઠુભાનું નિવેદન લેવાયું તેમાં તેણે કહ્યું કે આ માલ તેણે યશ્વી એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદેલો અને ભુજની ધવલ ઈન્ડસ્ટ્રીને વેચ્યો હતો. જો કે, ધવલ ઈન્ડસ્ટ્રીએ જેઠુભા પાસેથી કોઈ માલ ખરીદયો હોવાનો ઈન્કાર કરી દીધો હતો.

કૉર્ટે અનાજનો જથ્થો છોડી દેવા કર્યો હુકમ

સરકારી તપાસ વચ્ચે જેઠુભાએ અનાજનો જથ્થો મુક્ત કરાવી પોતાને સુપ્રત કરવા નખત્રાણા જ્યુ. મેજિસ્ટ્રેટ કૉર્ટમાં અરજી કરેલી. કૉર્ટે ૨૬-૦૩-૨૦૨૪ના રોજ જથ્થો જેઠુભાને સુપ્રત કરવા હુકમ કરેલો. કૉર્ટના હુકમ સામે ફેરવિચારણા કરતી અરજી પુરવઠા વિભાગે ભુજ સેશન્સ કૉર્ટમાં દાખલ કરેલી. પરંતુ, સેશન્સ કૉર્ટે પણ અરજી ફગાવી દઈ જ્યુ. મેજિસ્ટ્રેટનો હુકમ યથાવત્ રાખ્યો છે.

પોલીસ-પુરવઠા તંત્રની બેદરકારી કે પછી..?

કૉર્ટે ચુકાદામાં જે તથ્યો ટાંક્યા છે તે જાણીને તમને આઘાત લાગશે કે તંત્ર કેવી રીતે જનતાની આંખમાં ધૂળ નાખી રહ્યું છે. નિયમ મુજબ અનાજનો જથ્થો જપ્ત કરવાની સત્તા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તેથી ઉપરી અધિકારીને હોય છે. પરંતુ, આ કેસમાં અનાજનો જથ્થો તેનાથી નીચેના ASI કક્ષાના કર્મચારીએ સીઝ કરેલો!

શું નખત્રાણાના PI કે PSIને આ નિયમનું ભાન નહોતું? કે પછી માલ છૂટી જાય તેવા આશયથી હેતુપૂર્વક ASI પાસે અનાજનો જથ્થો સીઝ કરાવેલો? નિયમ મુજબ  જપ્ત થયેલા અનાજના સેમ્પલ પુરવઠા અધિકારીની હાજરીમાં લેવા જરૂરી હતા પરંતુ તેનો પણ સરેઆમ ભંગ થયો હતો!

કલેક્ટરે ભલે સમગ્ર મામલાની ગહન તપાસ કરવા જણાવેલું પરંતુ કૉર્ટે ચુકાદામાં જણાવ્યું છે તે મુજબ અનાજનો કબજો મામલતદારને સુપ્રત કરાયો ત્યારપછી મામલતદારે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ સંબંધિતો વિરુધ્ધ કશી કાર્યવાહી કરી નહોતી. અરે, એક નોટિસ સુધ્ધાં આજ દિન સુધી પાઠવી નથી!

૧૪ દિવસ પછી પણ તંત્ર ફેરવિચારણા કરે છે!

સમગ્ર મામલે તંત્રના અધિકારીઓ લૂલો બચાવ કરતાં કહે છે કે ઓર્ડરને અમે હાઈકૉર્ટમાં ચેલેન્જ કરવા વિચારણા કરીએ છીએ. પણ સેશન્સે ૩ મેનાં રોજ સરકારી તંત્રની અપીલ ફગાવી દીધી તેને આજે ૧૪ દિવસ વીતી ગયાં, હજુ વિચારણા જ ચાલે છે! મતબલ સાફ છે કે ખુદ જવાબદાર તંત્રોએ જ કાયદા કાનૂનની અવગણના કરીને સરકારી અનાજના કૌભાંડ પર પડદો પાડી દેવા ભરપૂર પ્રયાસ કર્યાં છે. આ મામલે ભીનું સંકેલવા દબાણ અને પ્રયાસ થઈ રહ્યાં હોવાના સરપંચે ગળું ફાડીને કરેલા આરોપ અંતે પરોક્ષ રીતે સાચાં ઠર્યાં છે.

અગાઉ માંડવીના ઘઉંકાંડમાં ભીનું સંકેલાઈ ગયેલું

૦૧-૦૪-૨૦૨૨ના રોજ માંડવી પોલીસ મથકના ડી સ્ટાફે સરકારી ઘઉંનું પરિવહન કરતાં ટેમ્પોને ઝડપીને કશી કાર્યવાહી ના કરવા બદલ દસ લાખનો તોડ કર્યો હોવાનો મામલો બહાર આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં જે-તે સમયે એસપીએ માંડવીના ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દઈ પીએસઆઈ અને ડી સ્ટાફ ઈન્ચાર્જની નરા અને જખૌમાં બદલી કરી નાખી હતી. આ કેસમાં તપાસ બાદ ગુનો દાખલ કરવાની તત્કાલિન એસપી સૌરભ સિંઘે માધ્યમોને જાહેર ખાતરી આપી હતી. પાછળથી રાશન માફિયાઓના ઈશારે આખો મામલો કાયમ માટે દબાઈ ગયેલો.

Share it on
   

Recent News  
નખત્રાણાઃ નંબર વગરની ચોરાઉ મનાતી કારમાં દારૂ પીતાં બૂટલેગરને પોલીસે જવા દીધો!
 
અંજારની ૭ લાખની લૂંટનો બનાવ ‘નકલી’ નીકળ્યો! રાતોરાત માલદાર થવા મજૂરે તરકટ રચેલું
 
ભુજના ઠગો બેફામ! ‘એક કા તીન’ના નામે મરાઠી ઇજનેરે માધાપરમાં એક લાખ ગૂમાવ્યાં