કચ્છખબરડૉટકોમ, ભુજ/ અમદાવાદઃ શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરના ગાદીપતિ આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજીએ 78 વર્ષની વયે આજે ભૌતિક દેહનો ત્યાગ કર્યો છે. સદગત સ્વામીજીના નિધનથી કચ્છ સહિત વિશ્વભરમાં વસેલાં લાખ્ખો હરિભક્તોની આંખો અશ્રુમય બની ગઈ છે. 28 મે 1942માં ભુજના ભારાસર ગામે તેમનો જન્મ થયો હતો. સ્વામીજીને કોરોનાનું સંક્રમણ થયું હતું અને તબિયત લથડતાં 28 જૂનથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ હતા. સ્વામીજીની સતત કથળતી જતી તબિયતના પગલે ગત સપ્તાહે તેમના અનુગામી તરીકે સ્વામીશ્રી જીતેન્દ્રીયપ્રિયદાસજીની નિમણૂક કરાઈ હતી. મંદિરના અન્ય દસ સંતો પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂકેલાં છે. મહામારીના પગલે મંદિર સંકુલના સંતોની ઉપસ્થિતિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. વિશ્વભરમાં પથરાયેલાં ભક્તો માટે મંદિર દ્વારા લાઈવ સ્ટ્રીમીંગથી અંતિમવિધિનું જીવંત પ્રસારણ કરાયું છે.
ભારાસર અશ્રુના દરીયામાં ડૂબ્યું, દેશ-વિદેશના સેંકડો ભક્તો શોકમય
સદગત સ્વામીશ્રી પુરુષોત્તમપ્રિયદાસજીનો જન્મ 28 મે 1942ના રોજ ભુજના ભારાસર ગામે થયો હતો. માતા રમાબાઈ અને પિતા શામજીભાઈ. પૂર્વાશ્રમમાં તેમનું નામ હિરજીભાઈ હતું. મોટાભાઈ હરજી, બે મોટી બહેનો રતનબાઈ અને તેજબાઈ અને નાની બેન હિરબાઈનો પરિવાર. 1946થી 1953 સુધી તેઓ ભારાસરની પ્રાથમિક શાળામાં ભણ્યાં હતા. હિરજીને નાનપણથી પેટની બીમારી હતી. ભગવાન સ્વામિનારાયણમાં અખૂટ શ્રધ્ધા રાખતાં પિતા શામજીભાઈએ હિરજીની પેટની પીડાનું શમન કરવા જીવનપ્રણ શ્રીમુક્તજીવન સ્વામીબાપાના ચરણે ધર્યાં હતા. બસ ત્યારથી તેમની પેટની પીડા ગાયબ થઈ ગઈ હતી. યુવાન હિરજીભાઈ ભજનકીર્તનમાં દિલરૂબા નામનું એક તંતુવાદ્ય એટલું સુંદર રીતે વગાડતાં કે તેને સાંભળીને સહુ કોઈ મંત્રમુગ્ધ થઈ જતાં. 21 માર્ચ 1962માં જીવનપ્રણ સ્વામીબાપાએ તેમને સંત તરીકે દીક્ષા આપી તેમનું નામ પુરુષોત્તમપ્રિયદાસ પાડ્યું હતું. તેઓ સ્વામીબાપાના સૌથી પ્રિય શિષ્ય બની ગયાં હતા. 28 ફેબ્રુઆરી 1979માં મણિનગર ગાદીસંસ્થાનની 35મી વર્ષગાંઠે તેમની ગાદીપતિ તરીકે નિમણૂક કરાઈ હતી. બાપાની તબિયત કથળતાં ભારાસર સહિત પટેલચોવીસીના અનેક હરિભક્તોએ તેમના સ્વાસ્થ્ય માટે અખંડ નામ સ્મરણ અને આરતીના આયોજન કર્યાં હતા. વિદેશ વસતાં લાખ્ખો હરિભક્તો પળેપળે તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી મેળવી ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરતાં હતા. તેમના દેહવિલયથી નાનકડું ભારાસર શોકમગ્ન બન્યું છે.
ડઝનથી વધુ શિખરબંધ મંદિરોની સ્થાપના, દશેય દિશામાં ધર્મનો પ્રચાર
આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીએ ગાદીપતિ બન્યાં બાદ દેશ-વિદેશમાં ડઝનથી વધુ મંદિરોની સ્થાપના કરી હતી. દેશ-વિદેશમાં દશે દિશામાં અહર્નિશ વિચરણ કરી ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. સદગતે 10 હજારથી વધુ ધર્મસભા અને સત્સંગસભા યોજી હતી. 2.3 કરોડ કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડ્યો હતો. બાપા ભક્તોને કાયમ કહેતા કે ‘જેમ સંત્રી દેશની સીમાની સુરક્ષા કરે છે તેમ સંત મનુષ્યની તેના આંતરિક શત્રુથી રક્ષા કરે છે’ વિશ્વભરના અનેક મહાનુભાવો અને ધર્મગુરુઓએ તેમને સદ્ ધર્મ જ્યોતિર્ધર, સદ્ ધર્મ રત્નાકર, સદ્ ધર્મ સંરક્ષક, ધર્મરક્ષક ચુડામણિ, સંસ્કાર ભાસ્કર, વેદ રત્ન, વિશ્વ શાંતિદૂત જેવા અનેક વિશેષણોથી નવાજ્યાં હતા. તેમના દેહવિલય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર અંજલિ અર્પણ કરી જણાવ્યું છે કે, સમાજ સેવા, શિક્ષણ, સ્ત્રી સશક્તિકરણ પર સ્વામીબાપાએ મૂકેલાં ભાર અને તેમની સમાજ પ્રત્યેની તેમની ઉદ્દાત્ત સેવાઓ સૌ કોઈ આજીવન યાદ રાખશે.
Share it on
|