કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરની શિરાની વાંઢ પાસે પેયજલ પાઈપલાઈનના એરવાલ્વમાં છેડછાડ કરીને સિંચાઈ માટે થતી પીવાના પાણીની ચોરીનું કારસ્તાન બહાર આવ્યું છે. ખડીર પંથકના વિવિધ ગામોમાં પેયજલની તંગીની બૂમો ઉઠતાં પાણી પુરવઠા વિભાગે હાથ ધરેલા ચેકીંગમાં પાણી ચોરીનું સુવ્યવસ્થિત કારસ્તાન પકડાયું છે. બાલાસરથી અમરાપર ગામ સુધી સુવઈ ડેમ આધારીત પેયજલની પાઈપલાઈનના શિરાની વાંઢ પાસે આવેલા એરવાલ્વના અજાણ્યા શખ્સોએ નટ બોલ્ટ ખોલી નાખ્યા હતા. એરવાલ્વનું પાણી ધોરિયા (ઢાળિયો) મારફતે ૩૦ મીટર દૂર આવેલી ખેત તલાવડીમાં જતું હતું.
પાણી ચોરોએ તલાવડીનું પાણી પોતાના ખેતર સુધી પહોંચાડવા માટે એક ડિઝલ એન્જિન લગાડ્યું હતું.
પાણી પુરવઠા બોર્ડના રાપર પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જિજ્ઞેશ કપાસીયાએ અજાણ્યા પાણી ચોર વિરુધ્ધ ૯૭ હજાર ૧૧૦ રૂપિયાના મૂલ્યની પાણી ચોરી કરી હોવાની બાલાસર પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. આરોપી સામે સાર્વજનિક સંપત્તિમાં નુકસાન, ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) અધિનિયમ વગેરે કલમો તળે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|