કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ મોજ મજા કરવા માટે પોતાના ઘરમાંથી જ રોકડાં ૯૫ લાખ રૂપિયા અને મૂલ્યવાન ઘરેણાં મળીને ૧ કરોડથી વધુની માલમતા ચોરીને મિત્ર જોડે ભાગેલો સગીર વયનો કોન્ટ્રાક્ટર પુત્ર અમદાવાદમાં લબરમૂછિયા ભાઈબંધ સાથે ઝડપાઈ ગયો છે. ભુજ શહેરમાં રહેતા જાણીતા બાંધકામ કોન્ટ્રાક્ટર પરિવારનો લબરમૂછિયો કિશોર રવિવારે રાત્રે ઘરમાંથી સોનાના ઘરેણાં અને રોકડાં લાખ્ખો રૂપિયાનો હાથફેરો કરીને મોબાઈલ ફોન બંધ કરી ગાયબ થઈ ગયેલો. દિલ્હી રહેલી માતા બીજા દિવસે ભુજ દોડી આવેલી અને સીધી ભુજ એ ડિવિઝન પોલીસ મથકે મદદ મેળવવા ધસી ગઈ હતી.
ગોવા ફરવા જવા ફ્લાઈટની ટિકિટ બૂક કરાવેલી
પોલીસે તુરંત જ એક્શનમાં આવી મોબાઈલ ફોન કૉલ રેકોર્ડની ડિટેઈલ્સ કઢાવતાં આ સગીરે ટ્રાવેલ એજન્ટ મારફતે તેના લબરમૂછિયા મિત્ર જોડે ગોવા ફરવા જવા માટે અમદાવાદથી ગોવાની ફ્લાઈટ ટિકિટ બૂક કરાવી હોવાનું જાણવા મળ્યું હતું. બેઉ જણ અમદાવાદની એક હોટેલમાં રોકાયાં હોવાનું સ્પષ્ટ થતાં પોલીસની એક ટીમ અમદાવાદ રવાના થયેલી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પણ મદદ મેળવી હતી.
ટિકિટ કેન્સલ કરાવી કોલકતા જવા પ્લાન બનાવ્યો
ગઈકાલે રાત્રે ક્રાઈમ બ્રાન્ચ સાથે ભુજ પોલીસ હોટેલ પર પહોંચી તો ખબર પડેલી કે બેઉ લબરમૂછિયા છોકરાં થોડીક મિનિટો અગાઉ જ ચેક આઉટ કરીને નીકળી ગયાં છે. પોલીસે ચેક કરાવતાં સ્પષ્ટ થયું કે બેઉ જણે ગોવાની ફ્લાઈટની ટિકિટ કેન્સલ કરાવી છે અને હવે તેમણે કોલકતાની ફ્લાઈટની ટિકિટ બૂક કરાવી છે, આ ફ્લાઈટ થોડીકવારમાં જ ટેક ઓફ્ફ થવાની છે.
પોલીસે રાત્રે એરપોર્ટ પર બૉર્ડિંગ ગેટ બંધ કરાવ્યો
જો ફ્લાઈટ ઊડાન ભરી લે તો બેઉ છોકરાંને પકડવા અઘરું થઈ જાય તેવી શક્યતા હોઈ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ ઑથોરીટીને જાણ કરી હતી. બીજી તરફ, બંને લબરમૂછિયા છોકરાઓના લગેજનું ચેક ઈન થઈ ગયું હતું, પરંતુ પોલીસની સૂચનાના પગલે ફ્લાઈટના તમામ પેસેન્જરોનું બૉર્ડિંગ અટકાવી દેવાયું હતું. પોલીસે બોર્ડિંગ ગેટ પર દોડી જઈને બંને છોકરાંને ઝડપી લીધા હતા.
પરિવારને થયો મોટો હાશકારો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ કિશોર પાસે રોકડાં ૯૫ લાખ રૂપિયા સહિતનો મુદ્દામાલ હોવાનું જણાવ્યું છે. જો કે, ભુજ એ ડિવિઝન પોલીસ ઈન્સપેક્ટર એ.એમ. પટેલે જણાવ્યું કે કિશોરની માતાએ પુત્ર ઘરમાંથી દસ બાર તોલા સોનાના દાગીના અને છ-સાત લાખ રૂપિયા લઈને નીકળ્યો હોવાની શક્યતા દર્શાવી હતી. જો કે, હવે કિશોર મળી આવ્યો છે ત્યારે તેની પૂછપરછમાં વધુ વિગતો સ્પષ્ટ થશે. બનાવ અંગે પોલીસે ગૂમ નોંધ દાખલ કરી હતી. દીકરો પરત મળી જતાં પરિવારને હાશકારો થયો છે અને આગળ વધુ કોઈ કાયદેસર કાર્યવાહી થાય તેવી શક્યતા નહિવત્ છે.
Share it on
|