કચ્છખબરડૉટકોમ, મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલી (ઈસ્ટ)માં આવેલી ત્રણ માળની જર્જરીત ઈમારત ધરાશાયી થતાં કચ્છી દંપતી ખંડિત થયું છે. આયરે ગામના દત્તનગરમાં આવેલી ૫૦ વર્ષ જૂનું ‘સત્યનારાયણ ભુવન’ શુક્રવારે સાંજે સાડા ૫ના અરસામાં પત્તાંના મહેલની જેમ ધબાય નમઃ થઈ ગયું હતું. જર્જરીત બિલ્ડીંગમાં રહેતાં ૫૫ વર્ષિય સુનીલ લોડાયાનું કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ થયું હતું.
હતભાગી સુનીલભાઈના ૫૪ વર્ષિય પત્ની દિપ્તી લોડાયા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કચ્છી દંપતી સાથે ઈમારતમાં પત્ની-પુત્ર સાથે રહેતાં ૭૦ વર્ષિય નિવૃત્ત બેન્ક કર્મચારી અરવિંદ ભટકરનું પણ ગંભીર ઈજાથી મૃત્યુ નીપજતાં મોડી રાત્રે મરણાંક બે પર પહોંચ્યો હતો. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે જણાવ્યું કે જર્જરીત ઈમારતમાં અગાઉ ૪૦થી વધુ પરિવારો રહેતાં હતાં.
૨૦૧૮માં ઈમારતને ભયજનક જાહેર કરાઈ પરિવારોને અન્ય સલામત જગ્યાએ સ્થળાંતર કરી જવા સૂચના અપાઈ હતી. મોટાભાગના લોકોએ ઈમારત ખાલી કરી દીધી હતી.
જો કે, ત્યારબાદ અમુક લોકો ફરી રહેવા આવ્યાં હતાં તો કેટલાંકે ધરાર મકાન ખાલી કર્યાં નહોતાં. શુક્રવારે સાંજે ઈમારતમાંથી પોપડાં ખરતાં હોવાની માહિતી મળતાં અમારી એક ટીમ દોડી ગઈ હતી અને અહીં રહેતાં બે પરિવારોને તત્કાળ અસરથી મકાન ખાલી કરવા સૂચના આપી હતી. પાલિકાની ટીમ ત્યાંથી નીકળી તેની પંદર મિનિટમાં જ ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. મોડી રાત્રે પાલિકાની ટીમે રેસ્ક્યુ ઓપરેશનને પૂર્ણ જાહેર કર્યું હતું.
Share it on
|