click here to go to advertiser's link
Visitors :  
31-Jul-2025, Thursday
Home -> Other -> Ahmedabad Plane Crash What Happend and How Read More
Thursday, 12-Jun-2025 - Ahmedabad 43162 views
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?
કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ અમેરિકાની પ્રખ્યાત વિમાન કંપની બોઈંગનું ડ્રીમ લાઈનર સિરિઝનું 787-8 પ્લેન અમદાવાદમાં આગનો ગોળો બનીને ધડાકાભેર તૂટી પડતાં અને દુર્ઘટનામાં બસ્સોથી વધુ લોકોના મૃત્યુ થતાં આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે. ડ્રીમ લાઈનર સિરિઝના પ્લેનમાં આ પ્લેન સૌથી નાનું પ્લેન ગણાય છે. બંને ક્લાસમાં મહત્તમ ૨૪૮ પ્રવાસીઓની સમાવેશ ક્ષમતા ધરાવતું આ પ્લેન રનવે પરથી ટેક ઓફ્ફ થયાની એક-બે મિનિટમાં તૂટી પડ્યું.

♦ન્યૂઝ એજન્સીઓના અહેવાલો મુજબ બપોરે ૧.૩૯ વાગ્યે અમદાવાદ એરપોર્ટના રન વે નંબર ૨૩થી પ્લેને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરેલી અને ઉડાન ભર્યાંની એક બે મિનિટમાં જ ક્રેશ થઈ ગયું.

♦પ્લેનમાં બે પાયલટ, દસ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૨૪૨ લોકો સવાર હતા. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશને જણાવ્યું કે ઉડાન ભર્યાની થોડીક જ સેકન્ડ બાદ અમદાવાદ એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલરને પ્લેનના પાયલટે ‘મૅ ડૅ’નો સંદેશો આપ્યો હતો.

જ્યારે કોઈ ગોઝારી દુર્ઘટના નજરે દેખાતી હોય ત્યારે મુશ્કેલીમાં પાયલટ્સ આવો મૅ ડૅનો સંદેશ આપતાં હોય છે.

એટીસીએ વળતો પ્રતિભાવ આપી પાયલટનો સંપર્ક કરેલો પરંતુ તે સમયે પ્લેન અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસ નજીક આવેલી બી.જે. મેડિકલ કૉલેજના ઈન્ટર્ન ડૉક્ટરોની હોસ્ટેલની છત પર આગનો ગોળો બની તૂટી પડ્યું હતું

♦પ્લેનમાં ૫૩ બ્રિટિશ નાગરિકો, ૭ પોર્ટુગીઝ અને ૧ કેનેડિયન નાગરિક પણ સવાર હતા. પ્લેનમાં ૧૧ બાળકો અને ૨ શિશુ પણ સવાર હતા

♦પ્લેન તૂટી પડતાં હોસ્ટેલની અંદર અને બહાર પાર્ક કરેલાં અનેક વાહનો પણ આગની ઝપટમાં બળીને રાખ થઈ ગયાં

♦ભયંકર દુર્ઘટનામાં પ્લેનમાં સવાર મોટાભાગના પ્રવાસીઓ જીવતાં ભડથું થઈ ગયા હતા. મોટાભાગના ઈજાગ્રસ્તો અને મૃતકોના ચહેરા કે શરીર ઓળખી જ ના શકાય તે હદે બળી ગયાં હતા

♦હજુ પણ કાટમાળમાંથી લાશો બહાર કઢાઈ રહી છે, પરિસ્થિતિ એ હદે ગંભીર છે કે પોલીસે હવે લાશોને શોધવા માટે ડૉગ સ્ક્વૉડની મદદ મેળવી છે

♦બોઈંગ કંપનીના જણાવ્યા મુજબ આ પ્લેનની બૉડી પચાસ ટકા કાર્બન ફાઈબર રેઈન્ફોર્સ્ડ પૉલિમરથી બનેલી છે, જે તેને અન્ય પ્લેનો કરતાં વજનમાં હળવું બનાવે છે. પરિણામે તેની ફ્યુઅલ એફિસીએન્સી પણ વધુ છે

♦લંડનની સીધી ઉડાન ભરનારા આ પ્લેનમાં અંદાજે દસ ટન જેટલું એટીએફ (પ્લેનમાં વપરાતું વપરાતું હાઈ ઑક્ટેન પેટ્રોલિયમ ઈંધણ) ભરેલું હતું. આટલા ઈંધણ સાથે ટેક ઑફ્ફ થનારું પ્લેન જ્યારે આગનો ગોળો બનીને ક્રેશ થાય ત્યારે તેમાં સવાર લોકોની બચવાની આશા નહિવત્ રહે છે. જો કે, દુર્ઘટનામાં ઈકોનોમી ક્લાસમાં પ્લેનના દરવાજા પાસે સીટ ધરાવતા રમેશ વિશ્વાસકુમાર નામના એક યાત્રીનો આબાદ બચાવ થયો હોવાના અહેવાલો છે.

♦એક મહિલાનું ધડથી અલગ થયેલું મસ્તક જાહેર રોડ પર પડ્યું હતું તે આ દુર્ઘટનાની ભીષણતા વધારતું હતું

♦અનેક મૃતદેહો સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં મળ્યાં હતા

♦દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. રૂપાણી લંડન રહેતી તેમની દીકરીને મળવા જતા હતા અને ત્રીસમી જૂને પરત ફરવાની રીટર્ન ટિકિટ સાથે પ્રવાસ કરતા હતા

♦વાયરલ વીડિયો જોઈને ઉડ્ડયન ક્ષેત્રના ભલભલા નિષ્ણાતો માથું ખંજવાળી રહ્યાં છે કે આખરે એવું થયું શું કે પ્લેનના બંને એન્જિન જાણે કે સાવ ફેઈલ થઈ ગયાં હોય તેમ પ્લેનને ઊંચે લઈ જવા માટે જરૂરી થ્રસ્ટ જ ના મળ્યો અને ઉલટાનું પ્લેન ધરાશાયી થઈ ગયું.

♦દુર્ઘટના બાદ ક્રેશ સાઈટ્સ પર મળનારા બ્લેક બોક્સ કે જેમાં કોકપીટ વોઈસ રેકોર્ડર અને ડિજીટલ ફ્લાઈટ રેકોર્ડર હોય છે તેના ડેટા પરથી અકસ્માતનું કારણ જાણી શકાશે તેવી આશા સેવાય છે

♦પ્લેનનો પાયલટ સુમિત સબ્બરવાલ લાઈન ટ્રેનીંગ કેપ્ટન હતો, તેની પાસે ૮૨૦૦ કલાકના ઉડાનનો અનુભવ હતો. લાઈન ટ્રેનીંગ કેપ્ટન એટલે ખૂબ અનુભવી પાયલટ કે જે અન્ય પાયલટને પણ પ્રશિક્ષણ આપતો હોય છે. તો કો પાયલટ તરીકે ક્લાઈવ કંદર હતો જે ૧૧૦૦ કલાકની ઉડાનનો અનુભવ ધરાવે છે. હવાઈ ઉડ્ડયન ક્ષેત્રમાં પાયલટના અનુભવને તેણે કેટલાં કલાકો ઉડાન કરેલું છે તેના આધારે નિયત કરવામાં આવે છે

♦આગનો ગોળો બનેલા પ્લેનની કોકપિટ એમબીબીએસ છાત્રોની હોસ્ટેલની છત સાથે ટકરાઈ, ટૂકડાઓમાં વેરવિખેર થઈ ગયું હતું. પ્લેનના પાર્ટસ હોસ્ટેલના પ્રાંગણમાં અને સામેની અન્ય બે બિલ્ડીંગો સુધી પહોંચ્યા હતાં. દુર્ઘટના એટલી ભયાનક હતી કે હોસ્ટેલની છત પર બનેલી પાણીની વિશાળ ટાંકી તૂટીને છેક બીજા છેડે પહોંચી ગઈ હતી

♦દુર્ઘટના સમયે અનેક છાત્રો ભોજન કરી રહ્યાં હતાં. પ્લેન ક્રેશમાં ઘણાં છાત્રોના પણ મૃત્યુ નીપજ્યાં હોવાની આશંકા છે

♦સવજીભાઈ ટીંબલીયા નામના એક ગુજરાતી ગૃહસ્થ પણ આજે આ ફ્લાઈટમાં તેમના પુત્રને મળવા જવાના હતા. જો કે, છેલ્લી ઘડીએ તેમણે પ્રવાસનો પ્રોગ્રામ બદલી, પ્લેનની ટિકિટ કેન્સલ કરાવીને સોમનાથ મંદિરના દર્શને જવા નક્કી કર્યું હતું. ભગવાન સ્વામિનારાયણમાં અખૂટ શ્રધ્ધા ધરાવતાં સવજીભાઈએ કહ્યું કે ‘મને તો મારા સ્વામિનારાયણ ભગવાને છેલ્લી ઘડીએ મરતાં બચાવી લીધો’

♦સવજીભાઈની જેમ બધા સદભાગી નહોતાં. એક ગુજરાતી બા પહેલીવાર ત્રણ વર્ષથી લંડન રહેતા દીકરાને મળવા અન્ય સ્વજનો જોડે જવા નીકળ્યાં હતાં. જીવનમાં પહેલીવાર પ્લેનમાં બેઠેલા બાએ દીકરીને વીડિયો કૉલ કરીને પ્લેનની અંદરના દ્રશ્યો બતાડીને આટલું મોટું વિમાન છે તેવા ઉદગારો વ્યક્ત કરેલાં

♦દુર્ઘટનાના પગલે પ્લેનમાં સવાર પ્રવાસીઓના સ્વજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ દોડી ગયાં હતા. જો કે, પોલીસ ઠેર ઠેર લોકોને અટકાવતી હોઈ તેમનામાં નારાજગી વ્યાપી ગઈ હતી

♦પ્લેનના અનેક પાર્ટસ હોસ્ટેલ ઈમારતની અંદર ઘૂસી ગયાં હતા. રન વે પરથી પ્લેને ઉડાન ભરી તેના સીસીટીવી ફૂટેજ તથા દુર્ઘટનાગ્રસ્ત પ્લેન તૂટી પડતું હોય તેવા લોકોએ મોબાઈલમાં ઉતારેલાં વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે

♦દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. ત્યારબાદ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી નાયડુ અને ગૃહ મંત્રી અમિત શાહ પણ  અમદાવાદ દોડી આવ્યા હતા.

♦વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાહુલ ગાંધી, શાહરુખ ખાન, સન્ની દેઓલ, રશિયાના પ્રમુખ પુતિન, બાંગ્લાદેશના પ્રમુખ, ઑસ્ટ્રેલિયાના પ્રમુખ એન્થની, યુકેના પ્રમુખ સ્ટાર્મર, બ્રિટનના કિંગ પ્રિન્સ ચાર્લ્સ, સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સહિતના વિશ્વભરના અનેક મહાનુભાવોએ દુર્ઘટના અંગે ઘેરો આઘાત અને સંતાપ દર્શાવતી પ્રતિક્રિયાઓ આપી છે  

♦પરિસ્થિતિને સંભાળવા તથા રેસ્ક્યુ અને રિલિફ વર્ક માટે આર્મી, બીએસએફ, સીઆઈએસએફ, એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે

♦દુર્ઘટનાગ્રસ્ત પ્લેન ડોમેસ્ટિક ફ્લાઈટ તરીકે દિલ્હીથી અમદાવાદ આવ્યું હતું. ફ્લાઈટમાં બેઠેલાં આકાશ વત્સ નામના એક યુવાન પ્રવાસીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં તમામ પેસેન્જરો ઉતરી ગયાં હતાં. આકાશે જણાવ્યું કે પ્લેનમાં એસી યોગ્ય રીતે કામ કરતું નહોતું. તેની સીટ એન્જિન પાસે હતી. પ્લેનના ફ્લેપની મૂવમેન્ટ તેને અસામાન્ય લાગી હતી. એવિએશનમાં ઊંડો રસ ધરાવતાં આકાશે આ બધી બાબતોની મનોમન નોંધ કરીને વીડિયો ઉતારીને એક્સ પર ટ્વિટ પણ કર્યું હતું.

આકાશે જણાવ્યું કે સૌથી અસામાન્ય બાબત મને એ જણાઈ હતી કે જ્યારે પ્લેન અમદાવાદમાં લેન્ડ થતું હતું ત્યારે પાયલટે સબ સલામતનો સંદેશ આપીને જણાવ્યું હતું કે લેન્ડ થતી વખતે ટર્બ્યુલન્સ જેવો અનુભવ થાય તો ગભરાતાં નહીં.

આકાશે ઉમેર્યું કે ટેક ઓફ્ફ અને લેન્ડિંગ બેઉ વખતે પ્લેનમાંથી ઘરઘરાટીનો અવાજ આવતો હતો જે અસામાન્ય જણાયો હતો

Share it on
   

Recent News  
માધાપરના જગદીશ બારમેડા નામના ગઠિયાએ બિલ્ડર બની આદિપુરમાં અઢી કરોડનું કરી નાખ્યું
 
ઘોરાડ બચાવવા કચ્છમાં બે ડેડીકેટેડ પાવર કોરીડોર બનાવવા સમિતિની સુપ્રીમને દરખાસ્ત
 
ભચાઉ કૉર્ટે ૧૩ વર્ષની તરુણીના અપહરણ દુષ્કર્મના ગુનેગારને ૨૦ વર્ષની સખ્ત કેદ કરી