click here to go to advertiser's link
Visitors :  
04-May-2024, Saturday
Home -> Nakhatrana -> Indore temple mishap 36 including 11 from Kutch Patidar Community died
Friday, 31-Mar-2023 - Nakhtrana 57269 views
ઈન્દોર પટેલનગર મંદિર દુર્ઘટનાઃ કચ્છી પાટીદાર સમાજની ૧૦ મહિલા સહિત ૧૧ના મોત
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં આવેલા પ્રાચીન મંદિરમાં વાવ પર બાંધેલી છત ધસી પડતાં તેમાં ખાબકેલાં ૫૦ જેટલાં લોકોમાંથી ૩૬ના મૃત્યુ થતાં અરેરાટી છવાઈ ગઈ છે. દુર્ઘટનામાં ૧૬ લોકોને બચાવી લેવાયાં છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે. ૩૬માંથી ૧૦ મહિલા સહિત ૧૧ મૃતકો મૂળ કચ્છી પાટીદાર સમાજના હોવાનું સ્પષ્ટ થતાં સ્થાનિકે પણ ઘેરો આઘાત છવાયો છે. ગુરુવારે રામનવમીના પર્વ નિમિત્તે ઈન્દોરના પટેલનગરના શ્રી બેલેશ્વર મહાદેવ જૂલેલાલ મંદિરમાં આયોજીત હવન દરમિયાન દુર્ઘટના ઘટી હતી.
૨૦ બાય ૨૦ ફૂટ લાંબી-પહોળી અને ૫૦ ફૂટ ઊંડી વાવ પર બનાવાયેલી છત અચાનક તૂટી પડતાં તેના પર બેઠેલાં લોકો વાવમાં ખાબક્યાં હતા. વાવ અડધે સુધી પાણીથી ભરેલી હતી.

દુર્ઘટના અંગે જાણ થતાં સૌપ્રથમ આસપાસના રહીશોએ દોડી જઈને થાય તે પ્રયાસો કરીને ઘણાં લોકોને બહાર કાઢ્યાં હતા. બાદમાં તંત્રએ આર્મી તેમજ SDRF, NDRFની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બચાવ ટીમોએ વાવનું પાણી ખાલી કરવાના પ્રયાસો સાથે તરવૈયાઓની મદદથી વાવમાં પડી ગયેલાં લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. જો કે, મોટાભાગના લોકોના મૃતદેહો જ હાથ લાગ્યાં હતા. ગુરુવારની મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું.  

૧૧ના મૃત્યુથી કચ્છી પાટીદાર સમાજમાં શોક

પટેલનગર વિસ્તારમાં કચ્છથી વર્ષો અગાઉ સ્થળાંતર કરીને ગયેલાં કચ્છી પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. દુર્ઘટનામાં પાટીદાર સમાજની ૧૦ મહિલા અને  ૧ પુરુષ સહિત ૧૧ લોકોના મૃત્યુ નીપજ્યાં છે, ચાર લોકો ઘાયલ થયાં છે. નખત્રાણાસ્થિત પાટીદાર આગેવાન ઈશ્વરભાઈ ભગતે મૃતકોમાં પાટીદાર સત્યનારાયણ સમાજના પાંચ અને નવલખા સમાજના છ મળી ૧૧ના મૃત્યુ નીપજ્યાં હોવાનું જણાવ્યું છે. મૃતકોમાં નખત્રાણાના વતની અને પાટીદાર સમાજના આગેવાન લક્ષ્મીકાંત રામાણીના પત્ની દક્ષાબેન અને પુત્રવધૂ કનકબેનના મૃત્યુ નીપજ્યાં છે. પાટીદાર સમાજના મૃતકોના આજે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મૃતકોની યાદી

♦૧. લક્ષ્મીબેન રતિલાલ દીવાણી (૭૦, ટોડિયા)

♦૨. દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી (૬૦, નખત્રાણા)

♦૩. કનકબેન કૌશલભાઈ રામાણી (૩૨, નખત્રાણા)

♦૪. ગોમતીબેન ગંગદાસ પોકાર (૭૦, રામપર સરવા)

♦૫. પુષ્પાબેન દિનેશભાઈ પોકાર (૪૯, હરીપર)

♦૬. કસ્તુરબેન મનોહરભાઈ રામાણી (૬૫, નખત્રાણા)

♦૭. પ્રિયંકાબેન પરેશભાઈ પોકાર (૩૦, હરીપર)

♦૮. શારદાબેન કેશવલાલ પોકાર (૫૫, રામપર ખીરસરા)

♦૯. રતનબેન નાનજીભાઈ રામાણી (૮૨, નખત્રાણા )

♦૧૦. જાનીબેન ગંગદાસભાઈ રામાણી (૭૦, નખત્રાણા)

♦૧૧. વિનોદભાઈ ધનજીભાઈ ખીમાણી (૫૮, વિરાણી મોટી)

મંદિરે વાવ પર કરેલું દબાણ ગોઝારુ નીવડ્યું

દુર્ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મૃતકોને પાંચ લાખ અને ઘાયલોને પચાસ હજારની આર્થિક સહાયની ઘોષણા કરી દુર્ઘટનાની તપાસ હાથ ધરવા આદેશો આપ્યાં છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે મંદિર ટ્રસ્ટે વર્ષો જૂનાં બગીચા પર પેશકદમી કરી હતી. અહીં આવેલી વાવનું મુખ વર્ષો અગાઉ પથ્થર અને સળિયાની મદદથી સ્લેબ બાંધીને બંધ કરી દેવાયું હતું. જો કે, આ સ્લેબ ૪૦-૫૦ લોકોનો ભાર ખમી શકે તેમ નહોતો. એપ્રિલ ૨૦૨૨માં સ્થાનિક રહીશોએ મંદિરે કરેલું દબાણ હટાવવા ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરી હતી. કોર્પોરેશને વાવ પરનું દબાણ તોડી પાડવા તૈયારીઓ શરૂ કરી હતી. પરંતુ, મંદિર ટ્રસ્ટે તંત્રની કાર્યવાહીથી લોકોની આસ્થા દુભાશે તેવી ચીમકી આપી ત્રાગું કરતાં અંતે કાર્યવાહી મોકૂફ રખાઈ હતી. ઈન્દોરના કલેક્ટર ઈલિયારાજા ટી.એ દુર્ઘટના અંગે મેજિસ્ટેરિયલ ઈન્કવાયરીનો આદેશ જારી કર્યો છે.

Share it on
   

Recent News  
ઠેર ઠેર ઉગ્ર વિરોધ વચ્ચે મુંદરા ખાતે ભાજપે રાજપૂત ક્ષત્રિય કાર્યકર સંમેલન યોજ્યુ
 
સમુદ્રી જળસીમા ડ્રગ્ઝ માફિયાનો ગેટવે બનીઃ કુદરતી સંપદા અને સંસાધનોની લૂંટાલૂંટ
 
ઈલેક્ટોરલ બોન્ડના નામે ગરીબ દલિત ખેડૂતના મેળવેલાં ૧૦ કરોડ ભાજપ પાછાં આપેઃ ખડગે